11 - રસની દૃષ્ટિએ ભજનોનું વર્ગીકરણ / ભજનમીમાંસા / ડૉ.નિરંજન રાજ્યગુરુ


      ભજનને કાવ્યશાસ્ત્રના એક ભાગ તરીકે ગણીએ ત્યારે રસની દૃષ્ટિએ ભજનોનું વર્ગીકરણ અરવું અતિઆવશ્યક બની જાય છે. જ્યારે કાવ્યનાં અનુભવથી ભાવકને આનંદ પ્રાપ્ત થાય છે ત્યારે એ આનંદને રસ કહેવામાં આવે છે એવું આપણા કાવ્યશાસ્ત્રનાં પંડિતો કહી ગયાં છે. પણ ભજનોનો અનુભવ ભાવક ભક્તને માત્ર રસનો જ આનંદ નથી આપતો... કદાચ બ્રહ્માનંદ પણ આપે છે. અલબત્ત એની પાત્રતા ધરાવનારાઓને... કાવ્યાનંદ અને બ્રહ્માનંદને આપણે સહોદર ગણીએ છીએ. પણ બ્રહ્માનંદની તુલનામાં કાવ્યનો આનંદ સ્થૂલ અને પાર્થિવ છે. પ્રભુભક્તિથી પ્રાપ્ત બ્રહ્મનો આનંદ અનિર્વચનીય હોય છે. એને જુદા જુદા રસનાં બીબામાં કેમ ઢાળી શકાય ?

      એમ છતાં જ્યારે રસની દૃષ્ટિએ ભજનોને વર્ગીકૃત કરીએ તો એમાં શાંત, કરુણ, અદભુત અને શૃંગાર જેવા રસોનો સમાવેશ થયેલો જોવા મળે છે. ગુજરાતી ભજનવાણી વિશે શ્રી અંબાશંકર નાગરે કહ્યું છે, ‘ગુજરાતી સંતો કી વાણી મુખ્યતયા શાંતરસ-સિક્ત હૈ. તથાપિ કહાં કહીં વૈરાગ્યનિરૂપણ કે હેતુ બીભત્સ, પ્રભુકી મહત્તા કે નિરૂપણ કે હેતુ અદભુત, નૈરાશ્યપૂર્ણ વાતારવણ કો શુદ્ધ કરને કે લીયે ઉત્સાહજન્ય વીર એવં રૌદ્ર આદિ રસો કે છીટે ભી યત્રતત્ર દિખાઈ દેતે હૈ, કહીં કહીં ભાવાત્મક રહસ્યવાદી પદો મેં સંયોગ તથા વિપ્રલંભ કી અવતારણા ભી હુઈ હૈ...’ (ડૉ.અંબાશંકર નાગર. ગુજરાતી સંતો કી હિન્દીવાણી. પૃ.૨૧,૨૨)

      આ રીતે રસની દૃષ્ટિએ ભજનોનું વર્ગીકરણ કરીએ ત્યારે વિભિન્ન રસોનું આલેખન થયું હોય એવા ભિન્ન ભિન્ન પ્રકારનાં ભજનો સાંપડે છે. ક્યારેક તો એક જ ભજનમાં બે કે તેથી વધુ રસોનું સંક્રમણ થયું હોય એવું પણ બને છે. પણ આમ છતાં સંતવાણીનો પ્રધાનરસ શાંત છે.

      શાંત રસના મૂળ ભાવ નિવેદનો આપણા આ નિરક્ષર ભજનિક સંતોની વિચારધારા સાથે ઘણો ગાઢ સંબંધ છે. સંસારની નશ્વરતા, દેહની ક્ષણભંગુરતા, આત્મજ્ઞાન, આત્મનિવેદન વગેરે વિષયો ધરાવતાં ભજનોમાં શાંતરસની અનુભૂતિ પ્રાપ્ત થાય છે.

      એ જ પ્રમાણે અદભુત રસના ભજનો પણ મળે છે, બ્રહ્મના વિરાટ સ્વરૂપનું વર્ણન કરતાં ભજનો, યૌગિક ક્રિયાઓ અને ચમત્કારોનું નિરૂપણ કરતાં ભજનો તથા રહસ્યાનુભૂતિનાં અટપટા વર્ણન ધરાવતાં વિસ્મયકારક અદભુત રસજન્ય ભજનોમાં અદભુત રસનું આલેખન થયું હોય છે.

      શૃંગાર રસ તો આપણા ભક્તોને પ્રિય છે જ. પ્રેમલક્ષણા ભક્તિમાર્ગમાં સમર્પણ ભાવે સેવા કરતા સંતો-ભક્તોએ પોતાના ભજનોમાં આધ્યાત્મિક શૃંગારનું આલેખન કર્યું છે. કબીરપંથી રહસ્યવાદી યોગમાર્ગનાં ઉપાસક ‘રવિ-ભાન પંથ’ના સંતોને પણ શૃંગાર ભક્તિના રંગ વિના ચાલ્યું નથી. દાસી જીવણ તો પ્રભુની દાસી બનીને ‘ફરું છું હું તો રે ઘેલી તૂર, બાઈયું મુંને શામળિયે કરી છે ચકચૂર..’ એમ પ્રભુ સાથેના અનન્ય પ્રેમસંબંધનો કેફ અનુભવે છે.

      આત્મા-પરમાત્માના દામ્પત્યભાવના રૂપકોમાં મિલન અને વિયોગનાં સુંદર ઉદાહરણો આપીને સંતોએ શૃંગારરસનો ઉપયોગ પોતાના ભજનોમાં કર્યો છે. જોકે સ્થૂળ સંયોગ શૃંગારને અહીં ભજનોમાં વધુ સ્થાન કે મહત્વ નથી મળ્યું પણ હૃદયમાં ઊંડેથી આવતી સૂક્ષ્મ પ્રેમનો મહિમા ગાતી કવિતા આધ્યાત્મિક મિલનની વાત કહી જાય છે.

      ઈશ્વરચરણે સર્વસમર્પણ કરવાની ભાવના સાથે પોતાના પ્રેમભક્તિના ભાવને અનેક સહચારી ભાવો સાથે ગૂંથીને ભજનોમાં વિવિધ રીતે વ્યક્ત કર્યો છે આપણા સંતોએ.

      દેહની નશ્વરતા કે જીવનની ક્ષણભંગુરતા અને નારીની નિંદા માટે જુગુપ્સાપ્રેરક વર્ણન કરીને બીભત્સરસ પણ કેટલાંક ભજનોમાં રેલાયો છે. તો વાત્સલ્ય ભક્તિ રૂપે પ્રેમલક્ષણા ભક્તિ પણ પ્રગટ થઇ છે.

      એ જ રીતે વીર રસનું આલેખન પણ થયું છે ભજનવાણીમાં....

      મન અને ઇન્દ્રિયોને જીતવા માટે તથા એના વિરુદ્ધ યુદ્ધ કરવા માટે સંતોએ સિપાહી, ફોજ, યુદ્ધ, યોદ્ધાઓ વગેરે રૂપકો દ્વારા વીરરસનું આયોજન પણ કર્યું છે, દાસી જીવન પોતાના એક ભજનમાં વીરરસનું આલેખન કરે છે આ રીતે :
‘મે મસ્તાના મસ્તી કહેલું મેં દીવાના દર્શન કા ખમીયા ખડગ હાથ લઇ ખેલું, જીત તણા અબ દઉં ડંકા....
***
કાળ ક્રોધ દુશ્મનકુ દરાવું, સત્ત નામ ક દઉં સંકા....
***
દાસી જીવન સત ભીમને ચરણે મેં સિપાહી હું મેરમ કા...’

      પ્રભુપ્રેમની મસ્તીમાં મસ્ત બનેલાં આ સંત હાથમાં ક્ષમારુપી ખડ્ગ લઈને જીતના ડંકા દેવા ઉપડે છે, એના દુશ્મન છે કાળ અને ક્રોધ... પણ ગુરુના નામનો હુકમ લઈને, રામનામનો અમલ પીતાં પીતાં આ લડવૈયો સિપાહી સત્ત નામની બાંગ પોકારે છે ને ત્યાં તો અભયરૂપી મોજના તોરા છૂટે છે એને...

      આ રીતે જ્યારે રસની દૃષ્ટિએ સમગ્ર ભજનસાહિત્યને વર્ગીકૃત કરવાનો પ્રયાસ કરીએ ત્યારે શૃંગાર રસની વિવિધ ભૂમિકાઓ, શાંત રસ, વીર રસ, અદભુત રસ, બીભત્સ રસ, વાત્સલ્ય રસ અને ક્યાંક ક્યાંક સમાજ પર કટાક્ષ કરતી વેળા નિષ્પન્ન થઇ ગયેલો હાસ્યરસ એમ વિવિધ રસોનું નિરૂપણ થયેલું જોવા મળે છે. અને એ રીતે ભજનોને વર્ગીકૃત કરી શકાય.


0 comments


Leave comment