12 - ભલે એ ખેરવે ફૂલો નજર ચૂકવીને માલિની / મુકુલ ચોક્સી


ભલે એ ખેરવે ફૂલો નજર ચૂકવીને માળીની,
ઉદાસી વ્યક્ત થઈ શકતી નથી ક્યારેય ડાળીની.

અને તેથી મને છોડીને ચાલ્યો જાય છે સાંજે,
સૂરજને ક્યાંક બીજે નોકરી છે રાતપાળીની.

એ છાલાંઓની ઓળખ આપવા હું માંગતો નહોતો,
તમે જેને કહો છો હસ્તરેખા ભાગ્યશાળીની.

ઘણા દિવસો પછી આ આંગણામાં પોસ્ટમેન આવ્યો,
પરંતુ માત્ર બોણી માંગવા માટે દિવાળીની.


0 comments


Leave comment