12 - ઉદ્દેશની દૃષ્ટિએ ભજનોનું વર્ગીકરણ / ભજનમીમાંસા / ડૉ.નિરંજન રાજ્યગુરુ


      કોઈપણ સાહિત્યસર્જન પાછળ એના સર્જકનો કોઈને કોઈ હેતુ કે ઉદ્દેશ તો જરૂર હોય છે એમ આપણી સાહિત્ય વિવેચનામાં મનાયું છે. પછી ભલે તેમાં પ્રત્યક્ષ રીતે કોઈ હેતુ ન જાણતો હોય. એ દૃષ્ટિએ વિચારીએ તો ‘ભજનસાહિત્ય’ વિવિધ ઉદ્દેશોની પૂર્તિ માટે રચાયેલું સાહિત્ય છે. એમ કહી શકાય. અલબત્ત તેમાં લોકસાહિત્યની માફક અનાયાસે સર્જનપ્રક્રિયા થાય છે છતાં કેટલાંક ઉદ્દેશો તો જરૂર હોવાના જ...

      એ ઉદ્દેશોને નીચે પ્રમાણે વર્ગોમાં વિભાજિત કરીએ તો આપોઆપ ભજનસાહિત્યનું વર્ગીકરણ થઇ જાય છે.
(૧) પોતાની કોઈ માન્યતા, સિદ્ધાંત કે વિચારધારાનું પ્રચલન,
(૨) પોતાના સંપ્રદાય કે પંથ કે ગુરુની વિશિષ્ટતાઓનું ગુણગાન.
(૩) સમગ્ર માનવજાતને ઉપદેશ કે ચેતવણી
(૪) પોતાના ગૂઢ-ગહન અનુભવો લોક સમાજ સમક્ષ રજૂ કરવા.
(૫) પોતાની પરમાત્મા પ્રત્યેની ભક્તિભાવના-ઊર્મિમય સંવેદનોનું આલેખન.
(૬) પોતાના મનની મૂંઝવણનો ઉકેલ શોધવાની મથામણનું આલેખન.
(૭) આત્મલક્ષી, માત્ર પોતાના ચિત્તને જ ઉપદેશ.

      ભજનોમાં એ વિભિન્ન ઉદ્દેશો જુદી જુદી રીતે પ્રયોજાયા હોય છે અને એ દૃષ્ટિએ ભજનોનું વર્ગીકરણ કરીએ ત્યારે ઉપર્યુક્ત સાત વર્ગોમાં આપણે ભજનોને વિભાજિત કરી શકીએ છીએ. જરા ઉદાહરણો સહિત ઉદ્દેશની દૃષ્ટિએ ભજનોના થતા વર્ગીકરણને તપાસીએ તો –

(૧) પોતાની કોઈ માન્યતા, સિદ્ધાંત કે વિચારધારાનું પ્રચલન, પ્રતિપાદન-પ્રસારણ કરવાના આશયથી રચાયેલાં ભજનો :-
      તેમના રચયિતાની જીવનરીતિ કે સાધનાનું નિદર્શન થયું હોય છે. ગુરુએ પોતાના શિષ્યને માર્ગદર્શન આપ્યું હોય, ક્યારેક શિષ્યના મનની મૂંઝવણ દૂર કરી હોય કે અવળે રસ્તે ચાલતાં પોતાના નિકટના સગાં સંબંધીને ઉપદેશરૂપે જ્ઞાન આપ્યું હોય તેવા ભજનો આપણને ભજનસાહિત્યમાંથી સાંપડે છે તેણે આ વિભાગમાં મૂકી શકાય.

      દા.ત. દાસી જીવણના મનની મૂંઝવણ જાણીને ભીમસાહેબે જે એક ભજન મોકલાવ્યાનું કહેવાય છે તે જોઈએ તો –
‘જીવણ જીવને જ્યાં રાખીએ
વાગે અનહદ તુરા
ઝીલમીલ જ્યોતું ઝળહળે
વરસે નીરમળ નુર..’

      આ ભજનમાં ‘રવિ-ભાન પંથ’ની સાધના પ્રણાલીનું નિદર્શન ગુરુ ભીમ સાહેબ દાસી જીવનને કરાવે છે. એ જ રીતે ગંગાસતીએ પોતાની પુત્રવધુ પાનબાઈને જે પરબ્રહ્મની ઉપાસનાનો બોધ આપ્યો છે, તે ભજનોને પણ આ વર્ગમાં મૂકી શકાય.

(૨) પોતાના સંપ્રદાય કે પંથ કે ગુરુની વિશિષ્ટતાઓનું ગુણગાન કરવાનો આશય રાખીને રચાયેલાં ભજનો :-
      આપણી ભજનવાણીમાં કેટલાંક ભજનોમાં કોઈ ચોક્કસ સંપ્રદાય કે પંથની વિશિષ્ટતાઓનું આલેખન થયેલું જોવા મળે છે, જેમ કે સ્વામિનારાયણનાં બ્રહ્માનંદ, મુક્તાનંદ, દેવાનંદ વગેરે કવિઓએ જે પદો-ભજનો રચ્યાં છે તેમાં સ્વામિનારાયણ સંપ્રદાયણી વિચારધારા કે વિશિષ્ટતાઓનાં ગુણગાન ગવાયાં છે, એ જ રીતે મહાપંથના સંતોણી વાણીમાં નિજારમતની સાધના-સિદ્ધાંતો વર્ણવાયા છે –

(૩) સમગ્ર માનવજાતને ઉપદેશ કે ચેતવણીના ઉદ્દેશથી રચાયેલાં ભજનો :-
      આપણે આગળ સ્વરૂપણી દૃષ્ટિએ ભજનોના પ્રકારોનો પરિચય મેળવ્યો, તેમાં ઉપદેશાત્મક ભજનોનો એક પ્રકાર અપાયો છે.

      એમાં જે ત્રીજો પેટા વિભાગ : પરોક્ષ રીતે માનવજાતને જેમાં બોધ અપાયો હોય તેવા ભજનો ગણાવ્યા છે એ જ પ્રકારને અહીં સ્થાન આપી શકાય.
‘ભલાભલી પલરે દેખો જાય છે પલ રે
પ્રભુને ભજો પલરે દુજાને છોડી દે....’
***
‘શું કરવાં સુખ પારકાં, સુખ માંડેલ હોય તે થાય જી....’
***
‘કેમ તરશો તમે કેમ તરશો.
અજ્ઞાની નર અંધારે તમે કેમ તરશો....’ (દાસી જીવણ)

      - જેવા દાસી જીવણનાં ભજનોને આ ઉદ્દેશથી રચાયેલાં ગણાવી શકાય. એ ભજનોમાં સમગ્ર માનવસમાજને ચિંતનાત્મક ઉપદેશ અપાયો છે.

(૪) પોતાના ગૂઢ ગહન અનુભવો લોકસમાજ સમક્ષ રજૂ કરવાનો હેતુ :-
      પરબ્રહ્મ પરમાત્માની ઉપાસના કરતાં કરતાં જે ગૂઢ અને ગહન મનોભાવોના અનુભવ સંતોને થતા હોય છે, એને પરંપરિત પ્રતીકાત્મક ભાવો દ્વારા ભજનિક સંતો લોકસમાજ સુધી પહોંચાડવાના ઉદ્દેશથી ભજનોમાં આલેખે છે. અને એ રીતે તંત્રસાધના, યોગસાધના કે સહજસાધના જેવી ભારતીય સાધનાપ્રણાલીનું આલેખન પોતાના ભજનોમાં કરવાનો એમનો ઉદ્દેશ હોય છે.

      સ્વાભાવિક રીતે જ સ્વરૂપણી દૃષ્ટિએ જેને ગૂઢ આત્માનું ભૂત્યાત્મક ભજનો તરીકે કે યોગપરક ભજનો તરીકે આપણે ઓળખાવીએ છીએ તેને આ વર્ગમાં મૂકી શકાય.
“કોઈ રૂપ રંગ સે ન્યારા,
ઉસમેં ક્યા જાને સંસાર...
ઓહ સોહની ઉપરે નીરખો,
બાર આંગલ છે બારા
ઉસમેં ક્યા જાને...” (દાસી જીવણ)

(૫) પોતાની પરમાત્મા પ્રત્યેની ભક્તિ-ભાવના દર્શાવવા કે ઊર્મિમય સંવેદનોનું આલેખન કરવાના ઉદ્દેશથી રચાયેલાં ભજનો :
      આપણે પ્રેમલક્ષણા ભક્તિ-ભાવનાનાં ભજનોનો સમાવેશ આ વર્ગમાં કરી શકીએ –
“મારે મો’લે આજ તો તમે,
આવોને મીઠુડા માવા.
અનાડી મ થાવ પ્રભુ,
ઓરેરા પધારો વા’લા
મારે મો’લે આજ તો તમે....”
***
“વાલા વિના મંદિર ખાવા ધાય,
ધોખા કેના ધરિયે રે...”
***
“શીદને રોકો છો મુંને માવા રે,
દિયોને જળ ભરવાને જાવા....’ (દાસી જીવણ)
      - જેવા દાસી જીવણનાં ભજનોમાં ઊર્મિમય સંવેદનોનું આલેખન કરવાનો ઉદ્દેશ હોય એવું જણાઈ આવે. નરસિંહ, મીરાં, દયારામ વગેરે કવિઓનાં આ જાતનાં ઊર્મિમય સંવેદનોનું આલેખન કરતાં ભજનો આપણે ત્યાં વિપુલ પ્રમાણમાં છે.

(૬) પોતાના મનની મૂંઝવણનો ઉકેલ શોધવાની મથામણનું આલેખન કરવાના ઉદ્દેશથી રચાયેલાં ભજનો :
      આપણા ભજનોમાં ભજનિક સંતોણી જૂજવી માનસિક સ્થિતિઓનું નિરૂપણ થયેલું જોઈ શકાય છે, તેમાં મનની મથામણનું આલેખન પણ ઘણીવાર થયું છે. જ્યારે ખીલેથી છૂટી ગયેલા વાછરડા જેવું દોડાદોડી કરતુ મન ભજનિકના કાબૂમાં રહેતું નથી ત્યારે જે આંતરવેદના થાય છે, તેણે ભજનમાં નિરુપવાનાં ઉદ્દેશથી પણ ભજનોનું સર્જન થતું હોય છે. એમાં પોતાની વિવશતાનું આલેખન થતું હોય છે. મનની સામે કેવી લાચાર-પરિસ્થિતિમાં સાધક કે ભક્ત આવી જાય છે અને તીવ્ર વ્યથા અનુભવે છે તે રજૂ થાય છે આ રીતે :

‘સે’ જે સાયાંજી મારું,
મનડું ન માને મમતાળુ,
કહોને ગુરુજી મારું,
દિલડું ન માને દુબજાળું....
વારી વારી મનને હું તો, વાદળે પૂરું રે વાલા,
પતળેલ જાય પરબારું....
ગુરુજી મારું મનડું ન માને મમતાળુ....’ (દાસી જીવણ)

(૭) આત્મલક્ષી, માત્ર પોતાના ચિત્તને જ ઉપદેશ આપવાના ઉદ્દેશથી રચાયેલાં ભજનો :-
      આ પ્રકારના ભજનોનો સમાવેશ આપણે સ્વરૂપની દૃષ્ટિએ થયેલા ભજનોના વર્ગીકરણમાં (ઉપદેશાત્મક ભજનો) એવા વર્ગના પહેલા પેટાવર્ગમાં કર્યો છે.

      એમાં ઉપદેશનું તત્વ પ્રબળ હોય છે, પણ માત્ર પોતાના મનને જ ઉપદેશ અપાયો હોય છે.

‘હે મન સમજી લે આ સમે
ગોળ ખાય ઈ ચોકડા ખમે...’ (દાસી જીવણ)

      જેવા ભજનોમાં આ પ્રકારનો ઉદ્દેશ જોઈ શકાય છે.


0 comments


Leave comment