4.3 - એક તરફી પ્રેમ : એ રિશ્તા ક્યા કહેલાતા હૈ.... / સંવાદ / જ્વલંત છાયા


પ્રકૃતિ પર આપણી વૃત્તિઓને ઠોકી બેસાડવાની રીત ઘણી જૂની છે. ઘરની બારીમાંથી દેખાતા આકાશ કે ડિસ્કવરી ચેનલના કાર્યક્રમમાં દેખાતા આકાશમાં રોજ અવનવા પક્ષીઓ આપણે જોઈએ છીએ, પરંતુ કોઈ પક્ષીવિદોએ ક્યાંય એવું નોંધ્યું નથી કે પંખીએ આપઘાત કર્યો. તેમ છતાં રોજ આપણે એવું વાંચીએ છીએ કે, ‘પ્રેમી પંખીડાનો આપઘાત’. દુનિયાની કોઈપણ બાબતને માણસ માપપટ્ટીનાં સહારે જોઈ શકે છે. એટલે એવું પણ બને કે લાગણીની લંબાઈ અને પ્રેમની પહોળાઈ પણ ક્યારેક તે જાહેર કરે. સામાન્ય રીતે બાજુ અર્થાત તરફ, રેખા કે ત્રિકોણચતુષ્કોણને હોય, પરંતુ માણસે પ્રેમને પણ બાજુઓના બંધન આપી દીધા છે. ‘એક તરફી પ્રેમમાં પાગલ યુવાને પ્રેમિકાને રહેંસી નાખી.’ એવા સમાચાર દરરોજ સવાર અને સાંજ બંનેના અખબારોમાં સારા પ્લેસમેન્ટમાં હોય છે... આ એક તરફી પ્રેમ એટલે શું? જો પ્રેમને પણ બાજુ હોય તો પ્રેમનો આકાર તો હોવો જોઈએ ને? પ્રેમને તરસ અને રસ સાથે સંબંધ છે. આ ‘તરફ’ શું છે? એક તરફી પ્રેમની અસરકારકતા અને આક્રમકતા એ કોઈ અવગણનાની બાબતો નથી, પરંતુ મૂળ વાત જ એ છે કે પ્રેમ એક તરફી હોય? એક સાધારણ વ્યાખ્યા કે સમજ મુજબ એક વ્યક્તિને કોઈ ચાહે પરંતુ તે સામી વ્યક્તિમાં પ્રેમ કે ચાહત જેવી કોઈ ભાવના, કોઈ ભાવ ન હોય તો તે એકતરફી પ્રેમ છે. અને આવું તદ્દન શક્ય છે. છોકરો અને છોકરી એટલે કાં તો ભાઈબહેન કે પછી પતિ-પત્ની એવું અનાદિકાળથી આપણે માનીએ છીએ એટલે એવું થાય. કોઈ છોકરો કે છોકરી સારી રીતે વાત કરે, પોતાની પ્લેટમાંથી નમકીન કે સેન્ડવીચ ઓફર કરે એટલે આપણે તો ‘અન્જાની આસ કે પીછે મન દોડને લગતા હૈ....’ શાહબુદ્દીન રાઠોડની ભાષામાં ‘ગદબ પાછળ બકરી જાય એમ.’ પરંતુ દરેક કિસ્સામાં જીવનનું સંગીત સંભળાવા લાગે તો પ્રોબ્લેમ ઉભા થતા હોય છે. ભૂજનાં ગાયક યશ અંતાણીએ ગયેલી ગઝલમાં એવું જ છે, ‘માનો નહીં કે આપના પ્રત્યે લગાવ છે, ફિકર કરું છું આપની મારો સ્વભાવ છે.’ કોઈના આવા સ્વભાવને જ્યારે કોઈ પ્રેમ સમજે (અને જો તે પ્રેમ ન હોય) તો મુશ્કેલી વધતી હોય છે.

માણસ જ્યારે એવું માનવા લાગે કે મારા માટે પ્રેમ કરવા કે પામવા લાયક આ એક જ વ્યક્તિ સિવાય અન્ય કોઈ નથી ત્યારે તે એક તરફી પ્રેમ શરુ થાય છે અને જો તેના નિશ્ચિત મુકામ સુધી ન પહોંચે તો ઝંઝાવાત સર્જે છે. અનેક અવરોધો પાર કરીને નદી સાગરમાં વિલીન થાય છે અને તેની ખારાશ વિશે ક્યારેય ફરિયાદ કરતી નથી. તે એક તરફી પ્રેમનું એક આઇડીયલ ઉદાહરણ છે. દરેક કિસ્સામાં એવું બનતું નથી. સાગરની લહેર હરખાતી, ઊછળતી, ઉમળકાભેર, કિનારે આવે, કાળમીંઢ પથ્થરને આલિંગન આપે, પરંતુ પથ્થરો કે ખડક તેને પોતાનામાં સમાવી ન શકે ત્યારે લહેર ચૂર ચૂર થઇ જાય છે પછી તે તેના મૂળ સ્વરૂપે પાછી જઈ શકતી નથી... અને એ સમયે ભરત વિંઝુડાનો એક શેર યાદ આવી જાય છે, ‘હું તને ચાહું છું એ ચાહતનો કોઈ પાર નથી, તું સ્વપ્ન છે ને હકીકતનો કોઈ પાર નથી.’

આ છે એક તરફી પ્રેમની દુન્યવી થિયરી. આવું જયારે બને ત્યારે અવિશ્વાસ, આક્ષેપ, વિવાદ, ઝઘડા બધું જ શરુ થાય છે. જે વ્યક્તિ લોહીના કણેકણમાં ભળી ગયાની અનુભૂતિ હોય તે જ વ્યક્તિના અભાવમાં ક્યારેક માણસ લોહિયાળ બને છે. એ છે એક તરફી પ્રેમ. જેને માણસ ચાહે, જેને ઝંખે, પોતાની સામે એ રહે તેવું તે ઈચ્છે, લાગણીઓનું પ્રતિબિંબ, ઊર્મિઓની અભિવ્યક્તિનું સ્થાન જેનામાં જુએ એ વ્યક્તિમાં તે ઓતપ્રોત હોય, પરંતુ જ્યારે સામે એવું ન બને ત્યારે લાગણીઓ પર વજ્રઘાત થાય છે. કલાપી જેવા સંવેદનશીલ વ્યક્તિ એવું લખી શકે છે, ‘સાકી મને જે દીધી સૂરા તે સનમને દીધી નહીં...’ સાધારણ માણસ કે જે કવિતા લખી શકતો નથી તેના માટે અભિવ્યક્તિનું માધ્યમ શું? અને એટલે સર્જાય છે એક તરફી પ્રેમની અનેક તરફી અસરો....

માણસ હોય તો તેને રડવું આવે, હસવું આવે, ગુસ્સો ચડે નફરત થાય અને પ્રેમ પણ થાય. પ્રેમમાં રિસ્પોન્સ ન મળે તો સામાન્ય માણસ દુઃખી પણ થાય એટલે આ બધી બાબતો સામાન્ય છે, પરંતુ પ્રશ્ન એ છે પ્રેમને એકથી વધારે ‘તરફ’ એકથી વધારે બાજુ હોય? લાગણી ઘવાય ત્યારે માણસનાં માનસિક સંતુલન પર અસર થાય તેવી મનોચિકિત્સકોની વાત પણ ખોટી નથી ને લોકોના અનુભવો પણ ખોટા નથી, પરંતુ આ ‘તરફ’ની વાતને સમજી શકાય તો પ્રેમની વધારે નજીક પહોંચી શકાય. પ્રેમ એક કે બે ત્રણ તરફી હોય? એકથી વધારે બાજુ એટલે અપેક્ષા, એકથી વધારે બાજુ એટલે સાપેક્ષતા. એટલે એક તરફી પ્રેમ કેવો હોય? એક જ લીટીનો જવાબ છે કે પ્રેમ જો ખરેખર પ્રેમ હોય તો તે એક તરફી જ હોય. બીજી તરફ શું છે? તેની દરકાર કોણ કરે યાર? પ્રેમ તો અંદર ઊઠતા અવાજની બુલંદી છે. તેને પડઘાનું ઓશિયાળાપણું ન હોય ! ફિલોસોફી નથી, સાચું કહું છું સાવ.

એક તરફી પ્રેમમાં મોટા ભાગે જગદીશ જોશીની કવિતાઓ જેવું જ હોય છે. જે પ્રેમ કરે છે તે પૂછે છે, ‘ધારો કે એક સાંજે આપણે મળ્યા, પણ આખા આ આયખાનું શું?’ અને સામે હાલત હોય છે, ‘હું અધૂરી પ્યાલીને પંપાળતો બેસી રહ્યો. આ ભરી મહેફિલ અને ઊઠી જતાં ન આવડ્યું.’ ગમે તેવા સમાધાનો પછી પણ અંતે તો એ જ આવે છે, ‘ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા.....’

આ જ છે રિયાલીટી. એવું બને છે એક તરફી પ્રેમમાં. પણ જો ખરા અર્થમાં પ્રેમનું રસાયણ લોહીમાં ભળ્યું હોય તો બેલેન્સ જાળવી શકાય છે. આપણી પ્રેમની સમાજ ફિલ્મોએ, લેખકોએ, ગઝલકારોએ ઘડી છે એટલે મિલન અને નિરાશા બે જ અંતિમો આપણે જાણીએ છીએ, બાકી પ્રેમમાં બીજી તરફની ક્યાં કોઈ જરૂર છે? આપણે એવું ઈચ્છીએ છીએ કે જેને ચાહીએ તે માણસ આપણને અનુસરે. વાસ્તવમાં પ્રેમ તો પોતાને ઓગળવાની, વિલીન કરી દેવાની ઘટના છે. પ્રેમની વાત હોય ત્યારે પ્રેમિકા યાદ આવે કે ન આવે, ઓશો તો સ્મરે જ. તે કહે છે ‘પ્રેમનું સુત્ર છે ડૂબવું, મટવું, પીગળવું, પોતાને ખોવું.’ પણ એવું બનતું નથી. બાકી તો જ્યારે આ ખોવાની, ખોવાવાની વાત એક વ્યક્તિને અતિક્રમી જાય અને સમસ્ત સુધી પહોંચી જાય ત્યારે પ્રેમ ભક્તિ બની જાય છે, અને એ ભક્તિમાં બીજી તરફણી ઝંખના રહેલી નથી એ છે એક તરફી પ્રેમ. મીરાંનો પ્રેમ એક તરફી પ્રેમ હતો. ‘મેરે તો ગિરિધર ગોપાલ, દુસરો ન કોઈ...’ કે પછી ‘જો તુમ તોડો પિયા મેં નહીં તોડું રે...’ મીરાંના પ્રેમમાં સમર્પણ હતું પણ કૃષ્ણ સામે કોઈ ધોખો નહોતો.... ‘ મને મારો રામજી ભાવે રે બીજો મારી નજરે ના વે રે....’

જો કે આ કક્ષાએ પહોંચવું અઘરું છે, પણ એટલિસ્ટ જેને ચાહીએ તેના સંજોગ, સ્થિતિ સમજીએ તોય ઘણું. એકતરફી પ્રેમને માત્ર હિંસા, જીદ, ખેંચતાણ સાથે જ જોડી દેવાય છે, પરંતુ તે સિવાયનું પણ તત્વ છે. તેમાં અલબત્ત ઘણી સમાજ-ગેરસમાજના માર્ગ પરથી આવા સંબંધો પસાર થાય છે. ઓસ્કાર વાઈલ્ડ તો કહે છે, ‘Misunderstanding is the basis of love. True love suffers and is silence.’ પ્રેમ એક નિમંત્રણ છે, કોઈ આક્રમણ થોડું છે ? સહન કરવું, દબાવું, શરણે થવું એટલે એક તરફી પ્રેમ એવું નહીં પરંતુ એક વાત હકીકત છે કે જો આપણે કોઈને પ્રેમ કરીએ, ચાહીએ તો પછી સામે છેડેથી શું મળે છે તેની ચિંતા કરવાની કે ચિંતન કરવાની જરૂર નથી. કોઈના માટેનો શાશ્વત સદભાવ, કોઈના માટેની સદૈવ ચિંતા એ પ્રેમ છે.

પ્રેમ અને રોમાન્સમાં શું ફર્ક છે? વરસાદ વરસતો હોય, આકાશ વધુ કાળું થતું જતું હોય, પ્રિયતમા બાજુમાં બેઠી હોય, વરસાદનાં ટીપા તેના વાળની લટ, ગાલના છિદ્રો પરથી, ગુલાબી હોઠ પરથી ઊતરી ઊતરી તેણે પહેરેલા ટોપની અંદર ઊતરતા હોય, એ દ્રશ્ય એ ઘડી-ઘટના રોમાન્સ છે અને મધરાતે આકાશ તૂટી પડશે તેવો અનુભવ કરાવવા વીજળીનાં કડાકા થતા હોય, ધોધમાર વરસાદ તૂટી પડ્યો હોય, વાવાઝોડું હોય અને અચાનક કોઈની ચિંતા થાય કે અત્યારે તેને શું થયું હશે? એ પ્રેમ છે.

હા એવા પણ કિસ્સા હોય કે એક જ વ્યક્તિમાં પોતાનું સમસ્ત રોપી ફળ વગરનું એ વૃક્ષ ઉછેરે છે. મરીઝ કહે છે, ‘રાધા કોઈ મળે ન મળે, ના મળે ભલે એ આપણી ફરજ છે કે વેણુ વગાડીએ....’

એક તરફી પ્રેમનો બીજો એક પહેલું. ઘણીવાર પ્રેમીઓ ઝઘડે, રીતસર એમ થઇ જાય કે હવે તો કિસ્સો ખતમ પણ અંતે એ નફરત લોઢાની જેમ ઓગળી જાય ને સંબંધને વળી નવો આકાર મળે. બસ આ છે એક તરફી પ્રેમ. એક તરફી પ્રેમ હોય? અરે યાર પ્રેમ એક તરફી જ હોય, પ્રેમની એક જ તરફ છે પ્રેમ. પ્રેમ ઝાંઝવા અને હવા જેવો છે, ઝાંઝવા દેખાય સ્પષ્ટ, પણ તેણે ખોબામાં ભરીએ તો હથેળી ખાલી, હવા દેખાય નહીં પણ ખોબો ઊંચો કરો તો એમાં હવા હોય જ.

માત્ર બે હમઉમ્ર વિજાતીય પાત્રોની જ આ વાત નથી, માતા-પિતાનો સંતાન પ્રત્યેનો પ્રેમ પણ ક્યારેક એક તરફી હોય, પત્ની પ્રત્યે પતિનો પ્રેમ પણ એક તરફી હોઈ શકે અને પ્રેમમાં ઈર્ષા પણ હોય, પઝેસિવનેસ પણ હોય. એક તરફી પ્રેમની આ ગૂંચવણ ઉકેલાય ક્યારે? જ્યારે સાગરની લહેરો, ખડકણી સ્થિતિને સમજે ત્યારે તે ગૂંચ ઉકેલી શકાશે.


0 comments


Leave comment