22 - માણવા ને ડૂબતા માટે હજુ પણ છે ઘણું / મુકુલ ચોકસી


માણવા ને ડૂબવા માટે હજુ પણ છે ઘણું,
ક્યાંક પેસિફિકપણું ને ક્યાંક કાંકરિયાપણું.

તે ક્ષણે મૃત હોય છે વક્ષત્વ સાવ જ આપણું,
જે ક્ષણે કકળે છે ઇચ્છાઓનું બાળક ધાવણું.

હે અનાગત નામનાં માથાં વગરનાં બાળકો !
હું અખંડ દુર્ભાગ્યવંતી પળ : કહો તમને જણું?

મારી વાદળતર ક્ષણોમાં તારી વાદળમય ક્ષણો,
લઉં ઉમેરી, ને પછી એને હું વાદળતમ ગણું.0 comments


Leave comment