23 - અમે સૂર્યની જોઈ છે એવી હત્યા / મુકુલ ચોકસી


અમે સૂર્યની જોઈ છે એવી હત્યા
કે જ્યાં લોહીને બદલે દદડે છે સંધ્યા.

અમે સૌ પ્રથમ ભીષ્મ બનવાનું શીખ્યા,
સજાવી પછી શબ્દની બાણ-શય્યા.

ને જીવતરની ઊકલી ગઈ સૌ સમસ્યા,
મેં માની લીધી સર્વ વસ્તુને મિથ્યા.

મને કોઈ એવું સરળ મૃત્યુ આપો,
શિશુ એક જાણે પૂરે ખાલી જગ્યા.

હતું એક પ્રતિબિંબ, હવે એ ય ક્યાં છે ?
હવે મારી તો કોણ કરવાનું ઈર્ષ્યા ?0 comments


Leave comment