26 - અમને જેમાં ડૂબવાની છૂટ અપાઈ – તે નદી / મુકુલ ચોકસી


અમને જેમાં ડૂબવાની છૂટ અપાઈ – તે નદી,
છટપટાહટની છતાં જ્યાં છે મનાઈ – તે નદી.

તારી માફક નક્કી થઈ શકતું નથી જેને વિષે,
કે ખરેખર આ નદી છે કે છે ખાઈ – તે નદી.

છૂટાછેડા પાણીથી લેવા હતા જેને અને,
આંસુથી કરવી હતી જેને સગાઈ – તે નદી.

હસ્તરેખાઓમાં સાંગોપાંગ તે વહેતી હશે
જેને નકશાથી કરી છે બેવફાઈ – તે નદી.

આપણે તરસ્યા થયા, તો વચ્ચેથી પ્રગટી ઊઠી
નામ જેને સૌએ આપ્યું’તું જુદાઈ – તે નદી.0 comments


Leave comment