1 - વ્યક્તિત્વ પ્રકાશ / અદૃશ્ય દીવાલો / વીનેશ અંતાણી


      આપણે ત્યાં છેલ્લા થોડા સમયથી કેટલાક સર્જકો વાર્તા સાથે નિસબતપૂર્વક કામ કરી રહ્યા છે. માવજી મહેશ્વરી પણ તેમાંના એક સર્જક છે. એમનો જન્મ કચ્છના ભોજાય ગામમાં દલિત ખેડૂત પરિવારમાં થયો હતો. સ્વાભાવિક રીતે જ એમનું સંવેદન કચ્છનાં પરિવેશ, ગ્રામિણ જીવન અને પોતાના સમાજનાં પ્રશ્નોથી ઘડાયું છે અને વાર્તાઓમાં પ્રગટ્યું છે. માવજી એક સર્જકને શોભે તેવી તટસ્થતા સાથે પોતાને અકળાવતા પ્રશ્નોને સમજવા મથે છે અને વાર્તાસર્જન દ્રારા તેનો જવાબ શોધવા લાગે છે. આસપાસના જીવન અને માનવવ્યવહારોનાં નિરીક્ષણ દ્વારા એ વાર્તાનું કાઠું ઘડે છે અને ભીતરમાંથી જન્મતા સંવેદન દ્વારા વાર્તાનું ભાવવિશ્વ પ્રગટાવે છે. માવજીને સમાજજીવન સંદર્ભે કોઈ વાડામાં રસ પડતો નથી. એ માણસાઈ સિવાય બીજા કશાનો પક્ષ લેતા નથી – જેવું છે તેવું સામે ધરી આપે છે.

      વ્યવસાય તરીકે શિક્ષણનું ક્ષેત્ર પસંદ કરીને એમને એ રીતે પણ જીવતા શબ્દ સાથે આજીવન પનારો પાડ્યો છે. આરંભમાં કવિતા લખવાનું ગમતું, પણ પછી એમને લાગ્યું કે પોતાની અંદર ધખારારૂપે જે ઊમટે છે તેને વ્યક્ત કરવા માટેનું સચોટ માધ્યમ તો વાર્તા જ બની શકે. એ કહે છે, ‘જેનો કોઈ ઉપાય જ નથી તેવા પ્રશ્નોને વાર્તામાં નિરુપવા ગમે છે.’

      ગુજરાતીમાં વાર્તા પ્રકાશિત કરતાં મોટા ભાગના સામયિકોમાં માવજીની વાર્તાઓ સ્થાન પામી ચૂકી છે. શ્રેષ્ઠ વાર્તાઓના વાર્ષિક સંપાદનોમાં તે પસંદગી પામી છે. હવે ‘અદૃશ્ય દીવાલો’ના નામે ગ્રંથસ્થ થઈને આપણી સામે આવે છે તે ઘટનાનો આનંદ થાય છે. આ સર્જક જાણે પોતાના શબ્દોથી એક દીવાલને ભેદવાની સતત મથામણ કરે છે – તેમાંય તે દીવાલ જ્યારે અદૃશ્ય હોય ત્યારે શબ્દનો એક પણ ઘા ખાલી નહીં જવા દેવાની સભાનતા અને સૂઝ પણ આ વાર્તાકાર પાસે છે.

- વીનેશ અંતાણી


0 comments


Leave comment