2 - આ ક્ષણે / નિવેદન / અદૃશ્ય દીવાલો / માવજી મહેશ્વરી


      પાછળ ફરીને જોઉં છું તો –
      દિવસે ધૂળની ડમરીઓમાં વિંટાતું અને રાતે અંધારામાં ઓઝલ થઇ જતું એક નાનકડું ગામ દેખાય છે, જ્યાં વસનારા મોટા ભાગના લોકોનું આયખું ઘરથી સીમ અને સીમથી ઘર વચ્ચે જ પૂરું થઇ જાય છે. પેટિયું રળવા સિવાય જીવતર માટે જાણે બીજા વિકલ્પો જ નથી.

      છતાં દિવસભર તનતોડ મજૂરી કર્યા પછીય હૈયાનો સળવળાટ ક્યાંક ક્યાંક જાગે છે. કશુંક કહેવા, કશુંક સાંભળવાની આતુરતા છે, ગામના એક છેડે વસેલાં થોડાં કાચા મકાનોને પોતાનો એક આગવો ચોક છે. એ ચોક પર કશાય ભેદભાવ વગર ચંદ્ર ચાંદની રેલાવે છે. ત્યાં પંદર-વીસ ‘અબૂધ’ ગણાતા માણસોનું ટોળું જામ્યું છે. રાજા ભોજથી માંડી રાક્ષસો સુધીના તમામ જડ-ચેતન પાત્રો જાણે રંગમંચ પર આવી ગયાં છે. સમ્ સમ્ સમ્ રાત વહેતી જાય છે. વાર્તા કહેનારો વચ્ચે વચ્ચે બીડીના લાંબા કસ લઇ વાર્તા આગળ ધપાવે છે.

      કદાચ અહીંથી જ આરંભાઈ હતી મારી વાર્તાયાત્રા. એ ચોકમાં બેઠે બેઠે મનમાં રચાયેલા અદૃશ્ય માહોલથી આરંભાયેલી મારી યાત્રા આજે ‘અદૃશ્ય દીવાલો’ સુધી પહોંચી આવી છે. વાર્તાકળાનાં નિષ્ણાંતો અને મર્મજ્ઞોએ વાર્તા માટેની આપેલી શરતો હું પાળી ન શક્યો હોઉં એવુંય બન્યું હશે. છતાં હૈયાને ગમ્યું તે લખ્યું છે અને એટલે જ મારી વાર્તાઓનો પ્રથમ સંગ્રહ આપના હાથમાં મૂકતાં આનંદ અનુભવું છું.

      આનંદ તો બીજી વાતનોય થાય છે. પારકી પીડાને પોતાનામાં ઉછેરવી અને પરમાણવી તે કાંઈ ઓછો આનંદ છે ? હું એ આનંદ ચાખી શક્યો હોઉં તો ઘણું ઘણું સંભાર્યા વગર ચાલે તેમ છે જ નહીં આ ક્ષણે. જેમણે મારો દરેક સમય સાચવ્યો છે અને મારી લેખનયાત્રામાં સતત સંગાથ આપ્યો છે, જેમની હૂંફ મારી અંગત મૂડી છે એવાં કૈલાસબહેન અંતાણી તથા વિરલ વ્યક્તિત્વ ધરાવતા ઋજુ કવિમિત્ર રમણીક સોમેશ્વરને સ્મરતાં હૃદય પુલકિત થાય છે અને એટલી જ તીવ્રતાથી યાદ આવે છે મારા સર્જકમિત્રો રાઘવજી માધડ અને દશરથ પરમાર. એમની સાથે મેં વાર્તા, સાહિત્ય અને સર્જન વિશે મન ભરીને વાતો કરી છે. ‘અમારો દીકરો કંઇક લખે છે’ માત્ર એટલું જ જાણનાર અને સમજનાર મારા અભણ મા-બાપ તથા સદા સંગાથી મારી પત્ની અને પુત્રો, જેની ધૂળમાં આજે પણ મારું બચપણ શોધું છું અને મારી નસનસમાં વહેતું મારું ભોજાય ગામ, જ્યાં મારા પગ સ્થિર થયા તે જેસલ-તોરલની પવિત્ર ભૂમિ મારા અંજાર શહેરને સ્મરતાં આંખ ભીની થાય છે.

      મારો જન્મ ગામડાના અભણ દલિત ખેડૂપરિવારમાં થયો. બાળપણ ગામડામાં જ વીત્યું. યંત્રયુગની હજી અસર પણ થઇ ન હતી એ વખતે જોયેલું ગામડાનું વાતાવરણ ચિત્તમાં આજેય અકબંધ છે. છેક યુવાની સુધીનું જીવન ગામડાના મુશ્કેલ અને પડકારરૂપ પરિવેશ વચ્ચે વીત્યું અને તેની અસરો વાર્તામાં ઉતારવી ગમે છે.

      આખાયે ભારતમાં કચ્છ એવો પ્રદેશ છે જ્યાં દલિતો અને સવર્ણો વચ્ચે ઓછામાં ઓછી દૂરી હતી અને છે. એટલે વેઠવાનું બહુ ઓછું આવ્યું છે, પણ અમુક ઉંમરે બૌદ્ધિક સ્તરે પહોંચ્યા પછી એની સૂક્ષ્મ અસરો ક્યારેક વિચલિત કરી મૂકે ત્યારે દલિતકૃતિ લખાઈ જાય છે, અનાયાસ.

      કચ્છ ભૌગોલિક અને માનવીય તાસીરની રીતે સાવ જુદો જ પ્રદેશ છે. એટલે કચ્છના પરિવેશની વાર્તા, તેમાંય ગામડાની વાર્તા લખવાનું ગમે છે. કચ્છમાં બોલાતી ગુજરાતી ભાષા લગભગ શાસ્ત્રીય (શુદ્ધ) છે અને કચ્છની કોઈ પ્રાદેશિક ગુજરાતી ન હોવાથી ગ્રામિણ પાત્રોની ભાષા વાર્તામાં પડકાર ઊભો કરે છે. એ કારણે વાર્તામાં સૂક્ષ્મ નિરીક્ષણો અનિવાર્ય બની રહે છે અને આટલું કર્યા પછી જ કચ્છની વાર્તા સક્ષમ બની શકે તેમ છે.
***
      મને જેમનું ઋણ સ્વીકારતાં ગર્વ થાય તે છે –
      જોજનો દૂર બેસીનેય મને પોરસાવનાર લેખકમિત્રો, વિવેચકો, તંત્રીઓ અને ભાવકો. મારી વાર્તાઓ છાપનાર સામયિકો અને અખબારનાં સંપાદકો, અનુવાદકો, વાર્તાસંપાદકો, આકાશવાણી-ભૂજ. આ પુસ્તકમાં આર્થિક સહાય આપનાર ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર. મેં લખેલા શબ્દોને તમામ પ્રક્રિયાઓમાંથી પસાર કરી તેને પુસ્તકરૂપ આપનાર આર.આર.શેઠ પ્રકાશન ગૃહના સંચાલક ભગતભાઈ શેઠ તથા ચિંતન શેઠ અને –

      કદાચ જેમના સહયોગ વગર આ ક્ષણ આવી જ ન હોત અને જેમણે આ પુસ્તક પ્રકાશનમાં પહેલેથી છેલ્લે સુધી સંગાથ આપ્યો તે વીનેશ અંતાણી –

      અંકે અભાવો અને કુદરતના પડકારોને મોજથી ઝીલી લેતો દરેક કચ્છી માડુ.
***
      મારી વાર્તાઓની આરપાર જોઉં છું ત્યારે મને દેખાય છે દરિયા અને રણ વચ્ચે ધબકતા આ પ્રદેશના કોઈ ખેતરના શેઢે ખીજડાના ઝાંખાપાંખા છાંયડામાં બેસીને મુરઝાતા મોલને નિ:સહાયતાથી જોઈ રહેલો ખેડૂત.....

      આખો દિવસ મજુરી કરીને ખાણેત્રેથી થાકીપાકી આવેલી ગ્રામિણ સ્ત્રી પોતાના ધાવણા બાળકને રડતું મૂકીને ગામના પાદરે પાણીના સરકારી ટેન્કરની રાહ જોઈ રહી છે. કદાચ એકાદ બેડું પાણી મળી જાય. પ્રશ્ન થાય છે :
      ક્યાં રાજા પાસે રાવ લઈ જવી ?

      ફેણ ચડાવેલા સાપ જેવો આ પ્રશ્ન મારી સામે બેઠો છે અને તેને કારણે મારી કલમને વાગતો ધક્કો તે જ આ......

માવજી મહેશ્વરી
શિક્ષક દિન : ૨૦૦૦
‘સારંગ’ – ૬, મહાદેવનગર,
અંજાર, કચ્છ


0 comments


Leave comment