1 - ભરોસો / અદૃશ્ય દીવાલો / માવજી મહેશ્વરી


      લખમાએ સૂપડાને જમીન પર સહેજ ઝટકોર્યું તોય સૂપડાની કિનારીમાં રજોટી રહી ગઈ. તેણે ગૂણિયા પર સાફ કરેલા મગને ભેગા કરી ઢગલી કરી. મગનો લીલો રંગ તેની આંખોમાં અટવાતો રહ્યો.

      ફળિયામાં પોષ માસની ઢળી ગયેલી બપોરનો માંદલો તડકો વેરાતો હતો. લખમા મગની ઢગલી સામે જોઈ રહી. કશું કામ યાદ આવતું ન હતું. ગામની ગમાણ સાફ કરી નાખી હતી. ઝાટકઝૂટક જેવુંય પતાવી નાખ્યું હતું તોય હજી સાંજ પડી નહોતી. આંગણામાં જામફળીની લાંબી લાંબી શાખાઓનો પડછાયો હાલકડોલક થતો હતો. લખમાથી જામફળી સામે જોવાઈ ગયું. જામફળી ત્રણ વરસમાં તો કેવડીય ઊંચી થઇ ગઈ હતી, છતાં એના પર ફૂલ બેસવાની કોઈ નિશાની દેખાતી ન હતી. ભગત આની ખાસ ચિંતા રાખતા હતાં. એનું કારણ એ પણ હતું કે તેમણે ખાસ મહેનત કરીને તેને ઉછેરી હતી. નિયમિત પાણી પાતા. ખાસ્સું ખાતર આપ્યું છતાં જામફળીને ફળ ન બેઠા તે ન બેઠા. ભગતે એકાદ વાર લખમાને સૂચનાય આપેલી.
- સાબુવાળું કે એવું મેલુંઘેલું પાણી ના દેતા, નહીંતર અભડાઈ જાશે.
      કેટલુય કરવા છતાં ફળ ન બેઠાં. બાજુવાળા ભારાકાકા તો બહુ મશ્કરા. એક રાતે વાતવાતમાં કહી નાખેલું.
- ભગત, તમારી જામફળી મનાણ લાગે છે. એને ફળ નંઈ બેસે.
      ભગત ગુમસૂમ થઇ ગયેલા.
      તે દિવસથી લખમાને ભારાકાકાના શબ્દો ઝીણા જીવડા પેઠે કાનમાં ઘૂસી ગયા હતાં. વારંવાર ત્રમ ત્રમ થયા કરતુ. એને થતું કે, કહી દઉં ભારાકાકાને.
 - ઈ મનાણ છે એની ખાતરી શું? એનોય કાંક રસ્તો હશે ને?
      લખમા ઊઠીને ઘરમાં આવી. મગ ડબ્બામાં નાખ્યા. મનમાં બધું ઘોળાતું રહ્યું. તે ઓસરીની વચ્ચોવચ્ચ બેસી ઘરને જોઈ રહી, નવેસરથી જોતી હોય તેમ.

      ચોખ્ખુંચણક ઘર. ક્યાંય કશું આડુંઅવળું નહીં. બધું યથાસ્થાને જ પડ્યું રહેતું હંમેશાં. વસ્તુઓ જેમની તેમ પડી પડી પોતાની નિર્જીવતા છતી કરી રહી હતી. પાણિયારા પર ચળકતી પિત્તળની હેલ, ચાર-પાંચ લોટાપ્યાલા. અભેરાઈ પર ગોઠવેલાં વાસણો, જુદી જુદી દેવી-દેવતાઓની છબીઓ. પાછલી ભીંત પર સિંદૂરના સાથિયા કરેલ ગણેશજીનો ગોખલો. તેની બાજુમાં ખીંટીમાં ટીંગાતું લાલ કપડાનું કવર ચડાવેલું રામસાગર, મંજીરાની થેલી અને તેની બાજુમાં છબીમાં ખુરશી પર ટટ્ટાર બેસી મરકતા ભગત. બધું જાને દુકાનમાં સજાવેલી વસ્તુઓની જેમ પડ્યું હતું.

      લખપા કશાય ભાવ વગર છબી સામે જોઈ રહી.
      સફેદ બાસ્તાની સુરવાળ-ખમીસ, માથે સાફાની જેમ બાંધેલ ફેંટો, કાળું જાકીટ, પગમાં ચમકતાં બૂટ, હાથમાં મૂઠવાળી છડી, ગળામાં બેત્રણ જાતના પથ્થરની માળા, કોઈ નાનકડી રિયાસતનો રાજવી બેઠો હોય તેમ મંદ સ્મિત વેરતા હતા ભગત.

      લખમાને મૂંઝારો થવા લાગ્યો. તે નીચલા હોઠનો છેડો દાંત તળે દબાવી રહી.
- લખમા... તારી વોડી આવે....
      જાનબાઈએ લાંબે સાદે હાકલ દીધી. લખમા તરત બહાર આવી. ખીલે ઊભી રહી. જોકે હંમેશાં ધુઆઁપુઆ થતી આવતી વાછરડી હવે ઠરેલ ચાલે ધીમે ધીમે આવતી હતી. વાછરડીએ ગમાણમાં મોં નાખ્યું.
 - હવે પૂનમ લગ થાવી ખપે.
      ભગત આમ કહેતા હતાં. લખમાએ વાછરડીને ધ્યાનથી જોઈ. પેટ બેય બાજુ ફૂલી ગયું હતું. ચાલવામાંય ભારે પડતું હતું. આઉં વિસ્તર્યો હતો. તેણે વાછરડીની કૂખ પર હાથ ફેરવ્યો. વાછરડીએ ચામડી થરકાવી. પહેલપેટી ગાયને ભગત શુકનિયાળ માનતા હતાં. તેમણે ચારેક દિવસ પહેલાં કહેલું.
- બાજરો સાફ કરી જ રાખજો. રાતવરાત થાય તો ચિંતા નંઈ. પહેલપેટી છે એટલે ગરમાવો તો ખપે જ.
- વિયાવા આવેલી વાછરડી માટે આગોતરો બાજરો સાફ કરતાં લખમાનાં હાથ ઠરી ગયેલા.
      લખમા બેઠે બેઠે પોતાની આસપાર વિચારી રહી.
      ભગત સાથે ઘર માંડયે દસેક વરસ થવા જાતાં હતાં. આમ તો કોઈ મણા નથી. ઘરમાં ન સાસુ, ન સસરા કે ન તો દેરાણી કે જેઠાણી. હરીફરીને ભગતને સાચવવાના અને ભગત પણ કેવા? પગ નીચે કીડી પણ ન ચંપાય તેનું ધ્યાન રાખે. ગામમાં તો ઠીક પણ પાંચાળામાં પણ લોકો તેમની ટેકની શાખ પૂરે. પંથમાં બેઠેલા માણસ એટલે સવારસાંજ માળા કરી બે ભજન ગાયા પછી જ અન્ન મોંમાં મૂકે. ગમે તેવો માણસ પણ ભગતની આમાન્યા જાળવે. ભગત બાળપણથી જ રામના રંગે રંગાયેલા. ભગતના બાપાએ મારતી વખતે એમને કીધેલું,
- વેલા, આ ચોસાણ ને રામસાગર તને સોંપી જાઉં છું. આ બે ચીજોનું જતન કરજે. અલખધણી પર ભરોસો રાખીશ તો આંચ નંઈ આવે. મનખાદેઈ અમુલખ છે. પૈસા પાછળ દોડીશ નંઈ.
      ભગતે બાપના બોલ પાળ્યા. આવકનાં નામે ભગતનું એક ખેતર હતું. બાકીના સમયમાં તે ભજન-કીર્તન કરતા. તેમનો મીઠો સમય નાત સાચવી લેતી. તેમનું નામ વેલજી છે તે તો વિસરાઈ ગયું હતું. તે સોને માટે ભગત બની ગયા હતાં. લખમા જ્યારે પરણીને આવી ત્યારે પોતાના જુવાન પતિને વૃદ્ધો પણ ભગત કહેતા ત્યારે એને મૂંઝવણ થતી. પણ ધીમે ધીમે એને આ શબ્દનો અર્થ સમજાવા માંડ્યો હતો. ભગત પંથમાં બેઠેલા માણસ વળી ભજનમંડળીનાં અગ્રેસર એટલે ક્યાંયથી પણ પાટકોરીનું વાયક આવે તો એમને જવું પડતું. ભગતનાં માં હતાં ત્યાં સુધી તો ઠીક હતું, પણ પછી ધીમે ધીમે લખમાને ઘર પહોળું પહોળું લાગવા માંડ્યું. ક્યારેક તો ભગતની કીર્તિ, ટેક બધુંય નકામું લાગતું.

      રાત પડ્યે ભગત અલખધણીનું નામ લઇ સૂઈ જતા, પણ લખમા અર્ધીપોણી રાત ચીમનીની જ્યોત જોયા કરતી. વલવલાટ વધી જતો ત્યારે માએ દીધેલી શિખામણ યાદ આવી જતી.
- લખમા તારો ધણી ખરેખરો ભગત છે. એની મરજાદ તેડજે નંઈ. ધણીની બધીય એબ પેટમાં રાખે તે ખરી સ્ત્રી.
- અને લખમાનું ઊછળતું રક્ત ઠરી જતું. ફક્ત આંખોમાં વિસરી જતી એક અદૃશ્ય ઉદાસી.
      ધૂંધળી સાંજ ફળિયામાં ઊતરી આવી. જામફળીમાં ભરાતો પવન તેની લાંબી લાંબી શાખાઓને ડોલાવતો હતો. ભગત ક્યારેક કહેતા.
- કાંક રસ્તો કરશું. ફળ તો લાગવા ખપે ને.
      લખમા ઉપરતળે થઇ રહી. તે આજે જાણીજોઇને ઘાસ માટે વાડીએ ગઈ ન હતી. ભગતે જ દિવાળી પછી કહ્યું હતું. ભાણજીની વાડીના શેઢે – ધોરિયેથી ઘાસ લઇ આવવાનું. તે રોજ દિવસ ઢળ્યે ચોફાળ અને દાંતરડું લઈને નીકળી પડતી. આજે તેની અવઢવ વધી ગયેલી. આગલા દિવસે ભાણજી સાથે થયેલા નાનકડા સંવાદે ચિત્તમાં હલચલ મચાવી દીધી હતી. ભાણજી આમ તો નાતનો જ માણસ. ભગતથી નાનો એટલે ભાભી કહેતો. ભગતની પત્ની તરીકે આખું ગામ જે માન રાખતું તે ભાણજી રાખતો, પણ એક દિવસ અજુગતું બની ગયેલું.

      ઘાસ જરા વધારે હતું તે ભાણજીને બોલાવવો પડ્યો ભારો ચડાવવા. ન જાણે ક્યાંથી એક ઘા-ઘોડો આવીને બરોબર છાતી પર ચીપકી ગયો, પણ ભાણજીએ તરત ઝાપટ મારી. એની આંગળીઓ છાતીના ઉભારને ધ્રુજાવી ગઈ. આખુંય શરીર ઝણઝણી ગયું. થોડી ક્ષણો ભાણજીની આંખોમાં જોવાઈ ગયું. ધારી ધારીને. ભાણજીય બાઘો થઇ જોઈ રહેલો.

      બસ તે દિવસથી સાંજ ઢળ્યે વાડીએ જવાનું થાય કે એક વિચિત્ર ગભરામણ અને ઉચાટ મનમાં ફેલાઈ જતો. પગ વાડીએ જવા ઉતાવળા બનતા, પણ કંઇક ભાર જેવુંય જણાતું. તે દિવસનાં પ્રસંગ પછી શેઢે ઘાસ કાઢતાં કાઢતાં પેન્ટ અને ગંજી પહેરી કામ કરતાં કે હરફર કરતાં ભાણજી સામે જોવાનું રોકી શકાતું નહીં. ભાણજી પણ ધીમે ધીમે ખૂલતો જતો હતો. લખમાને એ ગમવા માંડેલું. ક્યારેક એવુંય બનતું કે તે વાડીએ પહોંચતી ત્યારે અડધું-પડધુ ઘાસ તો તૈયાર પડ્યું હોય. બાકીનો સમય ભાણજી સાથે હળવી-ભારે વાતોમાં પસાર થતો. બેઉ પક્ષે એક ચોક્કસ રણકો વાતોમાં ઊભો રહ્યો હતો.

      ઘેર પાછા ફરતી વખતે ભગતના વિચારો આવતા. નહીં જેવી ગભરામણ થતી અને મન ઠરી જતું.

      પણ આંખો સામે જ રોજ લીલીછમ્મ જામફળી, ઘાસ ભચડતી વાછરડીને જોઈ અંદરથી નવી જ જાતનો સૂર તીવ્ર બની જતો. મન જાતજાતના રસ્તા શોધતું. મોટા ભાગે પોતાને સાચી સાબિત કરવા. આમ તો સૂરજ આથમ્ય હંમેશા તેનું ઘર ભગતે પેટાવેલા દીવાના અજવાશ અને અગરબત્તીની સુગંધથી ભરાઈ જતું. ઘરમાં ભગતનો ઘૂંટાયેલો ઘેરો સૂર અને રામસાગરના રણઝણતા તારણો સંગમ રચાતો. લખમાની આંખ મીંચાઈ જતી અને દિવસભરના કામનો થાક ઊતરી જતો.

      પણ હમણાં હમણાં......
      ભગત ભજન ગઈ રહે ત્યાં સુધી તે ધીમું ધીમું હાંફ્યા કરતી. એને અચાનક એવુંય લાગતું કે ભગતનો સૂર રામસાગરના તાર સાથે મેળ ખાતો નથી. ભગતની આ રોજિંદી ક્રિયાઓ તરફ સહેજ નહીં જેવી એક ચીડ પેદા થવા લાગી હતી. ભગત ભજન ગાતા ત્યારે એની આંખો સહેજ મિંચાતી કે તરત લીલીછમ્મ વાડી, ઘટાટોપ ચીકુના ઝાડ નીચે છવાયેલું અંધારું અને એક પહોળો સીનો આંખો આગળ આવી જતો.

- કાં આમ નિમાણા થઇ બેઠા છો? વાડીએ નથી ગ્યા કે ?
લખમા સહેજ ઓજપાઈ ગઈ. ભગત સાવ પડખે ઊભા હતાં. તેનાથી ભગત સામે જોઈ શકાયું નહીં.
- બસ આજે કંટાળો આવ્યો.
- તો ગાયને ખવરાવશું શું ? ગાંભણી ગાય ભૂખી રહે તો પાપમાં પડીએ.
- હવે તો ક્યારે પાછા અવાય ?
- વાડી ક્યાં આઘી છે ? ઘાસ નહીં તો રજકો લઇ આવો બીજું શું ?
      ‘ભલે’ કહી તે ઊઠી. ચોફાળ ઉપાડ્યો અને વાડીની વાટ પકડી.
      ભાણજી કૂંડી પર બેઠો બેઠો ગામભણી જ જોઈ રહ્યો હતો.
- કેમ આવડા મોડાં ?
      આવવું જ નો’તું. શું કરીએ? ભગતે જ મેલ્યા. ભગત કે છે કે ગાયને ભૂખી ન રખાય. આજે હવે રજકો વાઢી ધ્યો. લખમા સહેજ મલકી.
 - ભગતને ગાયની જ ચિંતા છે કે ઘરનીય ખરી ?
      લખમાએ ભાણજી સામે જોયું. રાયણના ઝાડ પર બેઠેલું એક પક્ષી અચાનક ટહુકી ઊઠ્યું.
- ચિંતા કરે તોય શું ?
- ને તમે ?
- કોને કે’વું ? કાણું વાસણ સોનાનું હોય તોય એમાં જમાય તો નંઈ જ.
- એનાય રસ્તા હોય છે.
      ભાણજીનો અવાજ ગોડથલિયું ખાઈ ગયો. લખમા ક્ષિતિજથી ચારવેંત અધ્ધર લટકતા સૂરજને જોઈ રહી. તેના હોઠ પર માંડ પરખાય તેવું સ્મિત ફરક્યું. તેણે પગથી નાનકડા ઢેફાને દબાવ્યું. ચોફાળ ભાણજી પર ઘા કરતાં બોલી.
- જાઓ જાઓ હવે પાછળનો વિચાર કર્યો છે ?
      ભાણજીને બધુંય સમજાઈ ગયું. લખમા પણ ભાણજીને પડખે રજકો વાઢવા બેસી ગઈ. તે પહેલી વાર ભાણજીની આટલી નજીક બેથી હતી. તેની આંખો સામે પોતાની અફળ જામફળી, ગાભણી ગાય, રોજ પોતાના ઘરમાં રમવા આવતો જાનબાઈનો હરિયો બધું તરવરવા લાગ્યું. પોતાની જાત પ્રત્યે શરમ આવે એવી કેટલીય ક્ષણો યાદ આવી ગઈ.

      ભાણજી મૂંગો મૂંગો રજકો વાઢ્યે જતો હતો. લખમાના મનમાં ઊથલપાથલ મચી હતી. કેટલાય શબ્દો હોઠ સુધી આવીને અટકી જતા હતા. એને થયું કે કહી જ દઉં. વળી થયું કે ભાણજીને કેવું લાગશે ? આખરે તેણે કહી જ દીધું.
- પરમ દી’ ચૌદસ છે. ભગતને મકડા ગામે પાટકોરીનું વાયક છે.
      ભાણજી એને આંખોથી સાંભળી રહ્યો.
- પરમ દી’ વાટ જોજો. આટલું બોલતાં તેનાથી નીચું જોવાઈ ગયું.
      બન્નેને લાગ્યું જાણે ચોમેર એકદમ ચુપકીદી છવાઈ ગઈ છે. બન્નેએ ચુપચાપ રજકો ચોફાળમાં નાખ્યો.
      લખમા ભારો માથે લઇ ઘર અવી ત્યારે રામસાગરના તાર રણઝણતા હતા.
***

      ભગત બપોરથી જ જવાની વેતરણમાં હતાં. તેમણે રામસાગર પરથી રજ ખંખેરી તાર તપાસી લીધા. મંજીરાની દોરીઓ જોઈ લીધી. છડી પર કપડું ફેરવી સાફ કરી, માથે ફાળિયું બાંધ્યું. મંડળીનાં બાકીના સભ્યો પણ ભગતના ઘેર આવી ગયા હતાં. બસ ચાર વાગે આવવાની હતી. ઘરમાં ચા બનાવતી લખમા ચૂલા પાસે ઊભડક પગે બેઠી હતી. આજે બળતણ વારંવાર ધુમાઈ જતું હતું. ફૂંકો મારી મારી તેની આંખમાં પાણી આવી ગયેલા જોઈ મંડળીના હારમોનિયમ વગાડનારે ટીખળ કરી.
- ભગત, ભાભી હાલવા સારું રડતાં લાગે છે.
- એ હાલતી હોય તો એના જેવું બીજું શું ? ભગત શાંતભાવે બોલ્યા.
      લખમા મૂંઝાઈ ગઈ. આંખો સાફ કરતાં બોલી.
- હુંય ભજન ગાતી થઇ જઈશ તો પછી ઘર કેમ હાલશે ?
- અલખધણી પર ભરોસો રાખો. બધુંય હાલશે.
      ભગતના સહજપણે બોલાયેલા શબ્દોથી લખમા હલબલી ગઈ. તેણે ભગત સામે જોયું. ચા પીવાઈ ગઈ. ભગતે રામસાગર ઉપાડ્યો. લખમાએ જરૂરી વસ્તુઓની થેલી ભગતને આપી. ભગત હંમેશની ટેવ પ્રમાણે બોલ્યા.
- ભલે, હવે કાલ મળીશું. ત્યાં લગી રામ ભેળા.
      લખમા ભગતથી આંખ ન મેળવી શકી. બધા ચાલતા થયા. ભગતના ઊજળા કપડાં પરથી તડકો પરાવર્તિત થતો હતો. તે સૌમાં અલગ પડી જતા હતાં.

      ભગત ગયા. લખમાને લાગ્યું, જાને ઘરમાં ખાલીપો એકદમ વિસ્તરી ગયો. કોઈ અદૃશ્ય ભાર તેના મન પર આવીને બેસી ગયો. સૂરજ ધીમે ધીમે નીચે સરતો જતો હતો. અત્યાર સુધીના વાડીએ જવાના તેના ઉત્સાહમાં ક્યાંક છેદ પડ્યું, છતાં તે મન મનાવવા લાગી.
- જુવાની તો આમ નીકળી જાશે. પછી શું? વળી પીઠ પાછળ તો આમેય બોલાય છે. એના કરતાં જિંદગીમાં એક ગાળ ખાઈ લેવી સારી. ભારાબાપાને કેમ સમજાવવું કે જમીન સારા માયલી હોય પણ બી ખોટું હોય તો શું કરવું ?
      છતાં મન ફરી આડું ફરીને ઊભું રહ્યું.
- આવડી મોટી વાત. જિંદગીભર તો છાની રે’વાની જ નથી. કોકને તો ખ્યાલ આવી જ જાય ને ત્યારે ?
      આ વિચારે તે ગભરાઈ ગઈ.
      આકાશમાં જાતા શિયાળાની સાંજના ઉદાસ રંગો ફરી વળ્યા હતાં. લખમાએ લાંબી અવઢવને અંતે મનને મનાવી લીધું. વર્ષોથી તરફડતી છાતી અને પેટના પોલાણે ધક્કો માર્યો હોય તેમ તેણે ચોફાળ ઉપાડ્યો. તાળું લેવા અંદર ગઈ અને તેની આંખો ફાટી ગઈ. શરીરમાં ભયનું લખલખું પસાર થઇ ગયું.

      ભગતની ચોસાણની થેલી ગણેશજીના ગોખલા પાસે ટૂંટિયું વાળીને પડી હતી. આજના વિચારોમાં ને વિચારોમાં ભગતને આપેલી થેલીમાં આ વસ્તુ નાખવાની રહી ગઈ હતી. તેને અચાનક ભગતના શબ્દો યાદ આવ્યા.
- કાલ મળીશું. ત્યાં લગી રામ ભેળા.
      લખમાએ ગણતરી માંડી. બસ ગયે કલાકેક તો થયો જ હશે. રાત પડ્યે પાટ મંડાશે અને ત્યારે ભગત થેલી ફંફોસશે અને આ ચોસાણ નહીં હોય ત્યારે ?
      લખમા થરથરી ગઈ.

      આ તો ભગતની ચોસાણ. એના વગર પાટ મંડાશે, આરતી થાશે પણ ભગત પ્રસાદ પણ નહીં લે અને ભગત ભૂખ્યા રે’શે તો બાકીના લોકોનું શું થશે ? ત્યારે મોટી દોડાદોડી થઇ પડશે. તેણે થેલી ઉપાડી આંખે અડાડી. અત્યારે તેના બધા વિચારો ચોસાણ ભગતને કઈ રીતે પહોંચાડવી તેના પર ભેગા થઇ ગયા. અચાનક તેણે યાદ આવ્યું અને તે દોડતી હોય તેમ ભાગી.

      વાડીએ પહોંચી ત્યારે ભાણજી નહાઈને માથું ઓળતો હતો. લખમાના ચહેરા પર નવી જ જાતનો રઘવાટ જોઈ તેને સહેજ નવાઈ લાગી.
- કાં કોઈ જાનવર પડ્યું હતું કે શું ?
      ભાણજીની નજર લખમાની હાંફતી છાતી પર ફરવા લાગી. લખમાને બીજી કશીય સૂધ ન હતી. તેણે વ્યક્ત થવા શબ્દો મળતા ન હતાં. તે માંડ માંડ શબ્દો ગોઠવતાં રડમસ અવાજે બોલી ગઈ.
- ભાણજી, ગજબ થઇ ગયો છે. ભગતની ચોસાણ રઇ ગઈ છે. રાત સુધી નંઈ પોંચે તો ભારે થશે.
- તે એમાં શું છે ? નિરાંતે બેસો તો ખરા.
      લખમા જાણે કોઈ અજાણ્યા માણસ પાસે મદદ માટે કરગરતી હોય તેમ વલવલતા અવાજે બોલતી હતી.
- ભાણજી, બધુંય ભૂલી જાઓ. મારું જ પાપ મને આડું આવ્યું છે. મારી જ ભૂલથી ચોસાણ રઇ ગઈ છે. રાતે પાટ મંડાશે ને ચોસાણ નંઈ મળે તો શું થાશે એ વિચારથી ડરી ગઈ છું. ત્યાંથી માણસ અંઈ આવીને લઇ જાય ત્યાં લગી અડધી રાત વીતી જાય. તમને તો ખબર છે ત્યાં સુધી બધાનું શું થાશે ? ભગત ભૂખ્યા રે’શે. એનું નીમ તૂટશે. એ સતિયા જીવનું હૈયું દુભાશે એનું બધું પાપ મારા માથે આવશે. તમારી પાસે ફટફટિયું છે. તમને અલખધણીના સોગન છે આ કામ ઝટ કરો. ચોસાણ નંઈ પોંચે તો સાતેય ભવ હું નરકમાં પડીશ. હું તમને હાથ જોડું છું. આ ચોસાણ મકડા પોંચાડો.
      લખમાના હાથ ખરેખર જોડાઈ ગયા. તેની આંખોમાંથી પાણી વહેવા લાગ્યાં. લખમાને હાથ જોડી ઊભેલી જોઈ ભાણજી હલબલી ગયો. તે લખમાના નવતર રૂપને જોઈ રહ્યો અને લખમાના આ રૂપે જ તેના મન પરથી આવરણ ઉતારી નાખ્યું. તેણે સ્વસ્થ થતાં કહ્યું.
- ભાભી, ભૂલ મારીય છે. તમે હાથ જોડો તો તમને ભગતના સોગન. હું હમણાં જ નીકળું છું.
      લખમાએ ચોસાણની થેલી જમીન પર મૂકી દીધી. ભાણજીએ થેલી બેય હાથમાં ઊંચકી આંખે અડાડી. થેલીમાંની માળાનાં બેરખાં એકબીજાને સ્પર્શતા હતાં. વાડીમાં ચારે બાજુ અજબ શાંતિ પથરાયેલી હતી. લખમાની આંખોમાં હજી અસ્વસ્થતા ડોકાતી જોઈ ભાણજી બોલ્યો.
- ભાભી, ઘેર જાઓ. પાટ મંડાશે તે પેલા હું ચોસાણ ભગતને પોંચાડી જ આવીશ. ચિંતા ન કરતાં.
      લખમાએ ભાણજી સામે જોયું. ભાણજીની આંખો જાને આછરેલું પાણી ! તેનું મન એકદમ શાંત બની ગયું. તેણે પગ ઉપાડ્યા. પાછળથી તરત અવાજ આવ્યો.
- ભાભી, રજકો વઢાયેલો પડ્યો છે. ગાયને ભૂખી રાખવાનું બીજું પાપ શા સારું કરો છો ?
      ભાણજીએ લખમાને રજકાનો ભારો ચડાવ્યો. લખમાને એકદમ હરિયો યાદ આવી ગયો. તેણે હળવા હૈયે ગામભણી પગ ઉપાડ્યા. કશોક અદભુત આનંદ તેના મનમાં છવાઈ ગયો. તેને એક અવનવું દૃશ્ય દેખાયું.

      જાણે એક ઊંચા આસન પર ભગતની જોડાજોડ તે બેઠી છે. સામે બેઠી છે સમસ્ત નાત. ભગતની સ્નેહાળ આંખો બેઠેલા બધા લોકો પર ફરે છે અને બધા નાનકડા હરિયા બની પોતાની પાસે દોટ મૂકે છે. કોઈ ખોળો ખૂંદે છે, કોઈ આંગળી પકડે છે તો કોઈ પાલવ . તે બધાને માથે હાથ ફેરવે છે. ભગત હસે છે. હસ્યા જ કરે છે. રામસાગરનાં તાર રણઝણે છે અને ભગતનો ઘેરો સૂર દશે દિશાઓમાં ફેલાઈ જાય છે.

      બીજા દિવસે રડતી લખમાને શાંત રાખવા ભગત કહેતા હતાં.
- મેં તો મારું બધુંય અલખધણીને સોંપી દીધું છે. કાલે મારી લાજ બચી ગઈ ને ?
[નવનીત સમર્પણ, સપ્ટેમ્બર – ૧૯૯૮]


2 comments

Harish Dasani

Harish Dasani

Jun 22, 2021 10:39:33 AM

વાર્તામાં બદલાતા રહેલ મનની લીલા અને અંતે થતી શાન્ત વૃત્તિઓ કલાત્મક રીતે આવે છે.

0 Like

Parthiv

Parthiv

Nov 30, -0001 12:00:00 AM

સરસ. સંયમ પાત્રોનો ને લેખકની રજૂઆત માં પણ.

0 Like


Leave comment