4.5 - ઓ મેરે પાપા ધી ગ્રેટ / સંવાદ / જ્વલંત છાયા


વિખ્યાત લેખક સિડની શેલ્ડનનું મૃત્યુ ૨૦૦૬ માં થયું. જો તેમના પિતા ન હોત તો સિડનીએ વર્ષો પૂર્વે જિંદગીનો અંત આણી લીધો હોત. એક વખત હતાશાવશ તેણે આપઘાત કરવાનો નિર્ણય લીધો. ૧૭ વર્ષની તેમની વય હતી, હાથમાં વિસ્કીની બોટલ અને ઊંઘની ૧૦ ગોળીઓ લઈને તે આત્મહત્યા કરવા જતો હતો. પિતાએ કહ્યું, બહુ ઉતાવળ ન હોય તો પહેલા થોડું ચાલી આવીએ? ચાલતા ચાલતા સિડનીના પિતાએ કહતું હતું, ‘જિંદગી રહસ્યકથા જેવી છે. તેના પ્રકરણમાં શું લખેલું છે તે કોઈને ખબર નથી.’ સિડનીના જીવનનો પ્રવાહ બદલાઈ ગયો. સંતાનને જન્મ આપવામાં પ્રત્યેક પિતા નિમિત છે, સિડનીના પિતાએ તેને જન્મ અને જિંદગી બંને આપ્યા ! પિતા આપણા સામાજિક બંધારણનું એક એવું પાત્ર છે જે દેખાયા વગર પરિવારમાં પ્રસરે છે. મા પવિત્ર જ્યોત છે, તે દેખાય છે, પ્રકાશ પાથરે છે, પિતા ધૂપસળી છે, તેની જલન દેખાતી નથી પરંતુ પરિવારને સંવારવામાં, સંતાનને ઉછેરવામાં તેનું અસ્તિત્વ ઓગળે છે.

આમ તો આ વિષય એવો છે જેના માટે શબ્દોની પાર જવું પડે. મંદાક્રાંતા છંદમાં લખાયેલી એક પંક્તિ યાદ આવે છે, ‘માડી મીઠી સ્મિત મધુર ને ભવ્યમૂર્તિ પિતાજી’ માનો મહિમા આપણે ત્યાં ખુબ ગવાય છે, અને તે યથાર્થ છે પરંતુ સંતાનને જીવનમાં પિતાનું યોગદાન પણ ઓછું નથી. ચંદ્રકાંત બક્ષીને વાર્તાકાર ડૉ. જયંત ખત્રી એ પત્રમાં લખ્યું હતું: ‘પ્રથમ સંતાનના જન્મની સાથે જ એક પિતાનો જન્મ થઇ જાય છે.’

માતા સંતાનોની રક્તવાહિનીમાં વહેતી હોય છે. પિતા તેના વાણી વર્તનમાં વણાય છે. પ્રસૂતિની શારીરિક પીડા નવ માસ સ્ત્રી ભોગવે છે. એ પીડા પુરુષ માનસિક રીતે વેઠતો હોય છે. સંતાન જો માતાનું સર્જન છે તો પિતાનાં વ્યક્તિત્વનો એ વ્યાપ છે, વિસ્તાર છે.

આજે સ્ત્રી કમાય છે, પણ આપણું પરંપરાગત સામાજિક માળખું એવું હતું કે સ્ત્રી ગૃહસ્થી સંભાળે અને પુરુષ આર્થિક ઉપાર્જન કરે એટલે જેને બાના હાથની રોટલી બહુ યાદ આવતી હોય તેમણે એ યાદ રાખવું જોઈએ કે પિતાનાં કપાળે કાળો પરસેવો બાઝે ત્યારે ઘરમાં રોટલી બનતી હોય છે. અહીં મા કે સ્ત્રી વિરોધનો લેશમાત્ર ઈરાદો નથી. જડ માન્યતા સામેની જ આ દલીલ છે. બાકી કુરુક્ષેત્ર સીરીયલમાં ૧૮મા એપિસોડનો એક ચોટદાર સંવાદ હતો, ‘બચ્ચા સિર્ફ મા કા હોતા હૈ, બાપ તો ઈત્તફાક હૈ, એક ઇન્જેક્શન સે જ્યાદા ઉસકી કિંમત કૂછ નહી....’ પણ આ વાસ્તવિકતા નથી. આપણા ડાયરાના કલાકારો બોલે રાખે છે. બાપા એટલે બા નો પા ભાગ, ને પાપા એટલે એનાય પા ભાગનો પ્રેમ કરે તે. માતા –પિતાની સરખામણી જ ન હોય.

પપ્પા, મજાનું પાત્ર છે આ. ઓફીસ કે ધંધાની મુસીબતો, સંબંધોના તાણાવાણા કે અન્ય માનસિક બોજ છતાં તેની આંખમાં રહેલા આંસુ બાળકને નરી આંખે દેખાતા નથી હોતા. સ્ત્રીની પીડા શરીર પરના ઝખ્મ જેવી છે, તરત દેખાય છે. પિતાની વેદના મુઢમાર જેવી છે એનું કળતર હોય પણ કોઈ ને દેખાય નહી. જન્મ આપીને અને પહેલા સંતાનના સંવેદનમાં માનું યોગદાન અનન્ય તો પિતાની આંગળી ઝાલીને આગળ વધેલાં સંતાનોની યાદી કોઈ નાની નથી.

ઇન્દિરા ગાંધી કહેતા કે મારા પિતા રાષ્ટ્રપુરુષ હતા, હું રાજકીય સ્ત્રી છું, એ સંત હતા હું નથી. (ઈન્દિરાજી એવું માનતા કે નહેરુ સંત હતા) અમિતાભ બચ્ચન ટોપ ફાઈવ પિતામાં આવી શકે, તેની આગળ તેના પિતા હરિવંશરાયનો નંબર આવે. બચ્ચને કહ્યું હતું, ‘હું નાનો હતો ત્યારે મોડી રાત સુધી પિતાની રાહ જોઈ બેઠો રહેતો. એ મોડી રાત્રે આવે, હું દરવાજો ખોલું, એમની પાસે કોઈ રમકડું કે ચોકલેટ મારા માટે હોય. હું મોટો થયો, અમે મુંબઈ રહેવા લાગ્યા. મારી પાસે તો કોઈ વસ્તુ ન હોય છતાં શૂટિંગમાંથી હું મોડો આવું તોય ‘બાબુજી’ જાગતા હોય. દરવાજો એ જ ખોલે.’ અને એ જ અમિતાભે અભિષેક માટે ઘણી સરસ વાત કરી હતી કે એ શું જે કરે તેમાં સહયોગ આપવો એ મારી ફરજ છે.’

એવી જ રીતે ગુલઝાર અને મેઘના ગુલઝાર પણ શ્રેષ્ઠ ઉદાહરણ છે, તો સાનિયા મિર્ઝા પણ જાહેરમાં કહી ચૂકી છે કે મારા શ્રેષ્ઠ કોચ મારા પિતા ઈરફાન છે. પિતા સંતાનને વિકસવા માટેનો માર્ગ નક્કી કરે તે નહીં, માર્ગ મોકળો કરે તે અગત્યનું છે.

બર્નાર્ડ રસેલનું માર્મિક વિધાન છે કે, પિતાઓમાં રહેલી પાયાની ખામી એ છે કે, તેઓ સંતાનોને પોતાની પ્રસિદ્ધિ અને મોભા માટેના માધ્યમ માને છે, પરંતુ બધાના પપ્પા એવાં નથી હોતા. હાસ્યલેખક રતિલાલ બોરીસાગરે પોતાના પિતા વિષે લખ્યું છે કે, ‘કોઈ અજાણ્યા ખૂણામાં ધૂપસળી જલી રહી હોય તો જલ્દી કોઈનું ધ્યાન જતું નથી. પરંતુ વિશ્વની સુગંધમાં આવી ધૂપસળીઓનો ફાળો અવશ્ય હોય છે. બાપુજી ને હું આવી વ્યક્તિઓમાં ગણું છું.

એક એવી દૃઢ માન્યતા પણ છે કે, દીકરીઓને પિતાનું મહત્વ વધારે હોય તે તદન વાહિયાત વાત છે. લાભશંકર ઠાકરે લખેલું પુસ્તક ‘બાપા વિષે’ પિતાને પુત્રની આદરાંજલીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ન્હાનાલાલનું કાવ્ય પિતૃતર્પણ તેમની અંદરની લાગણી વ્યક્ત કરે છે. ‘હુયે તે લઇ આ વીણા સ્મરું છું ગણ આપના, પુણ્યશ્લોક પિતા ! મંત્રો જપુ છું પિતૃ જાપના.’ પણ પિતા સાહિત્ય કે પ્રવચન કે ચિંતનનો વિષય નથી. પિતૃત્વ કુદરત તરફથી મળતું એવું વરદાન છે કે જેની પાછળ-પાછળ બહુ મોટી જવાબદારી વહી આવતી હોય છે.

સિગ્મંડ ફ્રોઈડે કહ્યું હતું, ‘ દુનિયા માં એવું બીજું કોઈ બખ્તર નથી જે પિતાની હાજરીને અતિક્રમી શકે. પિતાની વિદાય સંતાન માટે વસમી હોય છે. ઘણીવાર પિતાના મૃત્યુથી છાપરું જ નહી આખે આખું આકાશ ઉડી જતું હોય છે.’ તેવું સુરેશ દલાલે એક પ્રવચનમાં કોઈને ટાંકી કહ્યું હતું.

કાકા કાલેલકરને ફરી–ફરીને ક્વોટ કરવાનું મન થાય કે મરણ કરતાં સ્મરણ વધારે બળવાન છે. અલબત જેના પપ્પા, ડેડી, બાપુજી, બાપા જીવે છે તેમના ઉપર ઈશ્વરની મોટી મહેરબાની પણ જેના પપ્પા દૂર છે તેમના માટે આ વાત હતી. બાકી જેમ પુત્રને ઉછેરવાનું કામ પિતાનું છે તેમ પિતાના મૃત્યુ પછી પણ પિતાને જીવાડવાનું કામ સંતાનો ધારે તો કરી શકે. જોઈએ છે ઉદાહરણ... ? ઝવેરચંદ મેઘાણી આજે પણ જીવે છે. મહેન્દ્રભાઈ, વિનોદભાઈ, અશોકભાઈ અને મહેન્દ્રભાઈ નાં પુત્ર ગોપાલભાઈ મેઘાણીના સાહિત્યપ્રચાર કાર્ય દ્વારા.


0 comments


Leave comment