15 - ભજન – ઉદભવ અને વિકાસ / ભજનમીમાંસા / ડૉ.નિરંજન રાજ્યગુરુ


      માનવ જ્યારથી સમજણો થયો ત્યારથી ઈશ્વરની શોધ કરવા લાગી પડ્યો છે, જગતનાં પાર વિનાના આશ્ચર્યોની સામે પોતાનું નાનકડું અસ્તિત્વ ટકાવી રાખવા અને એ આશ્ચર્યોનો વધુને વધુ બુદ્ધિગમ્ય ઉકેલ શોધી લાવવાની મથામણ હજુ સુધી ચાલુ જ છે. સમસ્ત વિશ્વમાં વ્યાપ્ત કોઈ અનંતગણી મહાન શક્તિના રૂપમાં ઈશ્વરને સ્વીકાર્યા પછી પોતાનું જ્ઞાન, સમજણ અને ભક્તિ એને સમર્પિત કરવા માટે સંવેદનોની અભિવ્યક્તિ કરવાનું એણે શરુ કર્યું. એમાં પણ પોતપોતાની બુદ્ધિશક્તિ પ્રમાણે ભિન્ન ભિન્ન રૂપો પસંdદ કર્યું. કોઈને એ પરમતત્વ પિતારૂપે દેખાયું, તો કોઈને માતારૂપે.... કોઈને પ્રિયસ્વરૂપ વધુ માફક આવ્યું તો કોઈએ એને પ્રિયતમ બનાવ્યા, અરે ! કોઈએ તો પોતાનું સંતાન માની વાત્સલ્યસભર ભક્તિ પણ સ્વીકારી અને એ વિવિધ ભાવનાઓ જ્યારે અભિવ્યક્તિનો આકાર લઈને માનવીના હૈયામાંથી બહાર આવી ત્યારે ભજન સ્વરૂપનો કલાત્મક ઘાટ બંધાયો.... એમાં સંકટ સમયે સહાય કરવાની આરજૂઓ હતી, અનંત ઐશ્વર્ય ધરાવતી એ ભક્તિનું સ્વરૂપવર્ણન હતું, સહેલાઇથી સમજી ન શકાય એવી ગહન ચિંતનાત્મક અનુભૂતિનું આછું નિદર્શન હતું, ‘મેરમજી’ને માણી લેવાની વિરહાતુર ગોપી હૃદયની તીવ્ર આંતરવ્યથા પણ આલેખાઈ હતી.

      એમાં ધાર્મિકતાનો અંશ પ્રબળ હતો. સમગ્ર જીવનમાં ધર્મને કેન્દ્રસ્થાને રાખીને મોક્ષની પ્રાપ્તિ અર્થે આ રીતે શબ્દબ્રહ્મની ઉપાસના થઇ અને ભજનોનો જન્મ થયો એમ કહી શકાય. પણ ધર્મમાં જોડાવા પાછળનું અગત્યનું પરિબળ તો સાંસારિક કટુસ્થિતિઓ જ હશે એમ આપણે માની શકીએ. સામાન્ય માનવી પોતાના સુખી જીવનસંસારમાં રચ્યોપચ્યો રહીને કદીયે અધ્યાત્મક તરફ કે ધર્મ તરફ દૃષ્ટિપાત કરતો નથી પણ કેટલીક માનસિક કે સામાજિક એષણાઓ અને વ્યવહારજીવનની મુશ્કેલીઓ, તકલીફો, માણી લીધેલા દુઃખો અને નિરાશાને કારણે ઈશ્વરોન્મુખ બનીને અધ્યાત્મનો આશરો લે છે, જ્યારે જીવનની ક્ષણભંગુરતા અને સ્વાર્થી સગાઓનાં માયાવી સંબંધનું ભાન એને થાય છે ત્યારે એને માટે એક જ અવલંબન રહે છે પરમાત્માના શરણનું......

      પ્રભુ તો દીનદયાળ છે ને ! એનો આશરો મળી જાય પછી શું બાકી રહે? જે અગમ અપાર સચ્ચિદાનંદની પ્રાપ્તિ થઇ જાય એમની કૃપાએ એને વાણીમાં વ્યક્ત કરી એનાં ઐશ્વર્યનાં ગુણગાન ગાવાનું પ્રયોજન આમ ભજનોની ઉત્પત્તિમાં દેખાય છે.

      ભક્તિના ઉદભવ અને વિકાસની સાથોસાથ આપણું ભજન સાહિત્ય વિકસતું આવ્યું છે. વેદોમાં જ્યાંથી ભક્તિનાં મૂળ આપના વિદ્વાનોને દેખાયાં છે. ત્યાંથી ભજનસાહિત્યનો જન્મ થયો એમ કહેવું હોય તો પણ કહી શકાય. પણ ભજનસાહિત્યનો સંપૂર્ણ શુદ્ધ આવિષ્કાર ગુજરાતમાં આપણને નરસિંહ મહેતાની કવિતાથી પ્રાપ્ત થાય છે. મધ્યકાળમાં સમગ્ર ભારતમાં જે ભક્તિઆંદોલનનાં કાળ તરીકે અનેક સંતો-ભક્તો-કવિઓની ભક્તિવિષયક રચનાઓનું વિપુલ પ્રમાણમાં સર્જન થયું, તેનો વ્યાપક પ્રભાવ ગુજરાત પર પણ પડ્યો. શ્રીમદ્દ ભાગવત અને અન્ય પુરાણોનાં ભક્તિવિષયક તથ્યો સ્વીકારીને નરસિંહ મહેતાએ પ્રેમલક્ષણા ભક્તિને ગુજરાતી સાહિત્યમાં ટોચ પર બેસાડી. એ સમયે મધ્યયુગની સાધનાધારા જ ભાષાભેદે અને પ્રાંતભેદે ભજનોમાં, સંતવાણીમાં ઝિલાતી આવી. બધા જ પ્રકારની સંતવાણીનો સ્ત્રોત તો એક જ હતો. ૧૪માં સૈકામાં દ્રવિડ સંતો-કવિઓની પરંપરા ગુજરાતમાં ઊતરી તે પહેલાં ગુજરાતમાં માર્ગીપંથનાં ભજનો ગવાતાં હતાં.[જયમલ્લ પરમાર. ‘ગુજરાત એક પરિચય’ (સ્મૃતિગ્રંથ ક્રોંગ્રેસ અધિવેશન ભાવનગર) જાન્યુ. ૧૯૬૧ પૃ.૨૦૦] પણ પ્રેમલક્ષણાએ તો ગુજરાતમાં નરસિંહ મહેતાથી જ પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત કર્યું.


0 comments


Leave comment