3 - પ્રસ્તાવના – તમે ઉકેલો ભેદ – ખીલ્યા જેવું ખરવાની વાત / હરિકૃષ્ણ પાઠક


કશુંક કવિતા જેવું ‘ફરકે’ ને એનું ‘ઓધાન’ રહી ગયાનું ભાન થાય ત્યાંથી કવિ પોતાની કવિતા–યાત્રા આરંભે છે. ભરી બજારે શુધ-બુધ ભૂલી ગયાનું કબૂલે છે; પણ કવિ પૂરતા સજાગ છે, સભાન છે એ વાતની સાખ તેમનાં કાવ્યો પૂર્યાં કરે છે.

‘સાવ એકલું ઝાડ નદીમાં ના’ય’ છે અને ‘શરમ–બહાવરી નદી ઘડીમાં દોડે ઘડી છુપાય છે’ છે. ત્યાં એક પરિચિત દ્રશ્યની કલ્પના કરવી મુશ્કેલ નથી; પણ ગીતના અંતે પહોંચતાં જાણે કશુંક સ્વરૂપાંતર થઈ જાય છે કેમકે ત્યાં – ‘વમળ વમળમાં ઝાડ’ છે; ને’ નદી પાન પાન ડોકાય’ છે. નદીમાં નાહતું ઝાડ ને પાન પાન ડોકાતી નદી એવી જે અવનવી ઘટના ઘટે છે તે કવિતાની છે.

‘વૃક્ષે પવનને મળે એમ બસ મળીએં’ એ ગીત રચનામાં જે સાહજિકતાની, સરળતાની, અનૌપચારિકતાની જિકર અને ઝંખના પ્રગટ્યાં છે તેનું એવું જ સહજ નિર્વહણ સુવાંગ થયું છે. કેટલીક પંક્તિઓ તો મનમાં વસી જાય તેવી છે :

‘પવન વૃક્ષ ભીની ફોરમ સંગાથે લઈ ફરે,
વૃક્ષ પવનને સંભારીને ડાળ ડાળ રણઝણે.’
‘વૃક્ષ ગોઠડી કરે અને ટહુકાની ભાષા બોલે,
પવન વૃક્ષ પાસે અંતરનાં ઊંડાણોને ખોલે.’


કચ્છના આ કવિ રણ, રેતી ને દરિયાની વાત કર્યા વિના તો શાના રહે ! અહીં ‘ખારવણ હીબકાં ભરે છે ને દરિયાની છાતી મૂંઝાય’ છે. આ ગીતમાં ખારવણની વેદના અને પીડા દરિયાના પ્રત્યાઘાતમાં પમાય છે.

‘સબ્બાક દરિયાને કંઈનું કંઈ થાય છે’માં સંભળાતો દરિયાના આઘાતનો સબાકો પેલી પીડાનો અહેસાસ આપે છે તો ‘આંખોમાં આંખો પરોવીને’ ખારવણ પોતાના ખોવાયેલા દરિયાની ભાળ પૂછે છે ત્યારે ધગધગતા પ્રશ્ન સામે ઉત્તરમાં – ‘અરે, અરે, દરિયાઓ સુકાતા જાય છે’ એવો અંત મૂકીને કવિ ચોટ સાધી શક્યા છે.

કાળની લીલાને જ કંઈકે પામીને બેઠો હોય એ કહી શકે કે –

‘હોય સમય ક્યાં સાવ આપણો
હોય આપણું ટાણું;
કઈ રીતે વિસ્તરતી ક્ષણનું
મેળવશું પરમાણુ ?
ખરવાની મોસમ જો આવી
ચાલો, ખીલ્યા જેવું ખરીએ...

આ ખીલ્યા જેવું ખરવાની વાત કવિ સિવાય બીજું તો કોણ કરી શકે ? ‘એક વાવનાં સાત પગથિયાં’માં ‘ટેકીલો’ના પ્રાસમાં આવતો ‘ઉકેલો’ અને ચોથી પંક્તિના આરંભે થતો લયભંગ જરાક ખટકે; પણ ત્યાં યે જે પ્રશ્ન કર્યો છે તે માર્મિક છે :

‘ક્ષર – અક્ષરની આરપાર જે
શબ્દ રમે ટેકીલો રે
સૂરજનો દીવો સંકોરી
સંતો ભેદ ઉકેલો રે...’

સૂરજની દીવો સંકોરવાની વાત અને દરેક બીજી પંક્તિને અંતે આવતો ‘રે’ આસ્વાદ્ય છે. ભીની વાત લખવા માટે ‘આપો કટકો કાગળ / આપો લેખણ રે’ એમ કહેતી વિપ્રલંભા નાયિકાનું મંનોગત અહીં આમ પ્રગટયું છે :

‘બંધ ઓરડે વણબોટ્યું અંધારું રે
બંધ આંખમાં તરતી ભીની વાત.
લખીએં તો તમને ઝાઝું શું લખીએં રે
લખીએં પારિજાત.’

અહીં આર્દ્રતા, નજાકત, ભિજાત્ય બધું એક સાથે આવિષ્કૃતથાય છે.

આ જ કુળની એક અન્ય કૃતિમાં ‘લખીએં તો લખીએં કાગળમાં થડકો’ એવા આરંભથી માત્ર ‘થડકો’ દ્વારા આખા હૃદયનો ધબકાર, ઉષ્મા, ઉત્કટતા, ઉત્સુકતા બધું એક સાથે અભિવ્યક્ત કર્યું છે. પણ અંતે જતાં –
‘વીતેલા દિવસો છાતીમાં રમતા અડકો દડકો જેવી મુખર પંક્તિમાં આરંભનું સંવેદન, તેની તાજગી અને સૌંદર્ય અળપાઈ જતાં લાગે છે.

પ્રિયજનને–સાજનને અનુનય કરતી નારીનો એક અન્ય ઉદ્દગાર આસ્વાદ્ય છે –

‘કેમ કહું કે આવો સાજન, ! કેમ કહું કે જાવ,
અમે તમારા રસ્તા ઉપર ! કેવળ એક પડાવ’

વર્ષોથી લખતાં રહ્યાં છે ને જેમાં હવે કશા નાવિન્યનો કે તાજગીનો સ્પર્શ અનુભવાતો નથી તેવાં કોઈક ગીત અહીં પણ મળે છે. માત્ર નિર્દેશ કરું છું :

‘હવે ઢોલિયે સમણાઓની વણઝારું ઠલવાય,
થપ્પો થપ્પો રમતાં મારો હોવું હારી જાય’

ક્યાંક બોલનારીના વ્યક્તિત્વ સાથે બંધ બેસતી ન લાગે તેવી આયસુ બાની પણ મળે છે :

‘અલ્લડતા ઓઢીને ‘હોવા’ના ગામમાં
નામ ઠામ હારીને ફરીએં
રોમ રોમ ખીલેલાં સ્મરણના ખેતરને
લૂમઝૂમ સ્પર્શોમાં ફરીએં’

જો કે આવાં સ્થાનો જૂજ છે.
અલ્લડ કિશોરી કે મુગ્ધા નવયૌવનાના મનોભાવના રંગદર્શી ચિત્રણની એક ઘાટી ઊભી થઈ ગઈ છે. તેમાં ‘ઓય મા, વૉય મા, આલ્લેલ્લે, હેલ્લારા–સેલ્લારા, ઝબ્બક, હથ્થેળી – એવું બધું ક્યારેક તો સાવ કૃતક ભાવ–તાલ લઈને આવતું રહ્યું છે. આવી સભારંજની ગીત રચનાઓને ચાલું ગઝલની જેમ જ કવિ–સંમેલનોમાં દાદ પણ ઠીક મળતી હોય છે એટલે નવકવિઓ માટે એવા રવાડે ચડી જવાનું એક જોખમ ઊભું થાય છે. આ કવિ તેનાથી મહદ્દઅંશે બચી ગયા છે તે બાબતની સાનંદ નોંધ લઈએ. પણ જ્યાં એ રસ્તે ગયા છે ત્યાં ખાસ કશું હાંસલ પણ થયું નથી. ‘કૂંપળ ફૂટ્યાનું વરદાન મને છંછડે’ એ કૃતિને ઉદાહરણરૂપે ટાંકી શકાય. અહીં ‘સામ્મેથી’ જેવો બેવડાતા વ્યંજનો શબ્દ પ્રયોગ મળે છે ને રૂંવાડાં ‘ધડકે’ છે એવું ક્રિયાપદ યોજાયું છે.

આવી એકાદ અપવાદરૂપ કૃતિ સિવાયની ગીતરચનાઓ કવિની પોતીકી મુદ્રા ધરાવે છે :

‘સાવ કોરી ધાકોર હથેળી લઈને આવ્યો હોઉં
ને તને જોઉં
ને ભીની નદિયું વહેતી થાય....’

*

‘આંખોમાં રેતીની ડમરી
ને છાતીમાં ઘૂઘવતા દરિયાનો નાદ,
જીવતરના બદલામાં માગ્યો છે
બહુ બહુ તો છૂટો–છવાયો વરસાદ.’

અહીં તો એક કવિ સાથે એક કચ્છી માડુ યે બોલતો સંભળાય છે; ખરું ? ! જીવતા–જાગતા ને દૈનંદિની ઘટનાઓ પ્રત્યે સભાન રહેતાં જણને નડે ને ન રૂચે એવો તો કેટલું બધું રોજનું થઈ પડ્યું છે ? એમાં તકલાદી પોતની કે પાણીમાં ફુલાતા ચણાની અને હસવા સાથે લોટ ફાકવાની વિડંબના તો આ કવિ કરે જ કરે; પણ માણસ માટે એક ‘કોમોડિટી’ બની ગયો છે એ વાત કંઈક તીણી ધાર સાથે અહીં ધરાર કહેવાઈ છે :

‘છાપાની કોલમના કહેવાતા લોકોની
કહેવાતી ઘટના તે આપણે
નથી સહેવાતી ઘટના તે આપણે !
હોનારત હોનારત રમતા સો લોક
અહીં છાપાની આસપાસ ફરતા,
પોતાની જાતનાં અકસ્માતો ભૂલીને
છાપાની કોલમમાં મરતા
છાપેલા ફોટામાં મોઢે મલકાટ
અને પોક પોક રડતા તે આપણે,
રોજ આપણેને નડતો તે આપણે...’

આપણી (કહેવાતી) લોકશાહીએ સર્જેલી બલિહારીનું એક મર્માળુ રૂપ અહીં આલેખાયું છે. ગીતના વિવિધ લય–ઢાળોને ઠીક ઠીક ક્ષમતાથી પ્રયોજવા ઉપરાંત અહીં કવિએ દુહા–સોરઠા ને સવૈયાનો ઢાળ પણ અજમાવ્યો છે. અને સંતર્પક રચનાઓ આપી છે. અહીં –

‘આંખ જરૂખો આવડો ને જોવું અપરંપાર
એક જ બિન્દુ ધાર, જે જોવું તે જોઈ લે’
*
એવી સન્નદ્ધ રહેવાની શીખ આપી છે, તો અમથાજીને નિમિત્તે રચાએલ કૃતિઓમાં અનેક આશા, અપેક્ષા, એષણા ને વળગણો લઈ જીવતા માણસનું હળવું ચિત્રણ મળે છે :

‘અંદર તો ભૈ ખૂણે–ખાંચરે ઇચ્છાઓનું જાળું,
અમથો કરે ચિચાર હવે કઈ સાવરણીથી વાળું !’
*

‘કાગળ–કલમ સકાવી બેઠા અમથાજી કરજોડ,
અક્ષર બે શીખ્યા તેદુના કવિ થવાના કોડ.
‘છાપેલા અક્ષરનો ચાખ્યો જે દિવસથી સ્વાદ,
ઠેર ઠેર ફેલાઈ જવાનો જાગ્યો છે ઉન્માદ.’

કવિએ આપેલાં બે મુક્તકોનાં મિજાજ ને બાની ગઝલનાં છે. તો અન્યત્ર એક રચનામાં એકાધિક છંદો પ્રયોજીને અંતે ઝૂલણામાં પ્રશ્ન કરીને વિરમે છે :

‘કલમ આ માહરી બની ગઈ બ્હાવરી
છંદને ઝૂલણે કેમ ઝૂલે ? !....’

અહીં કવિ એક અપેક્ષા ઊભી કરે છે, પણ તોષતા નથી અને ‘છંદો બધા અહીં તહીં વિખરાઈ ચાલ્યા...’ એવું કહીને છૂટી પડે છે. આવું ચાલે ?

કવિએ લગબગ અર્ધોઅરધ રચનાઓ ગઝલરૂપે આપી છે. છેલ્લાં વરસોમાં આપણે ત્યાં કાવિતા બહુધા ગીત–ગઝલ રૂપે જ પ્રગટી છે. એ રીતે આ કવિ પણ એ પ્રવાહમાં જ વહ્યા છે. આવું બને ત્યારે કવિએ પોતાનો આગવો અવાજ અને મુદ્રા કઈ રીતે સ્થાપ્યાં છે તે જોવું રસપ્રદ બને.

પ્રથમ ગઝલમાં જ કવિની ગઝલ પ્રીતિનો એકરાર સંભળાય છે – ‘સતત ગૂંજ્યા કરે ગઝલ શ્વાસ મધ્યે,
આભાસ, આવાસ, આકાશ આ હાથ
બધું એક ભાસે ચિદાકાશ મધ્યે...’

અહીં ‘સતત’ આભાસ...’ના ઉચ્ચારણમાં લય તૂટલો લાગે છે. અન્યથા આ કૃતિ આસ્વાદ્ય છે. ગઝલના નિમિત્ત કવિ જાણે ઊર્ધ્વનો અનુભવ વર્ણવે છે. એવું પ્રતીત થાય છે. બીજી રચના સાદ્યંત નીવડેલી કૃતિ છે. કેટલાક શેઅર જોઈએ :

‘મારું પગેરું ક્યાં મળે છે કોઈ સ્થળ કે કાળમાં
બીજમાં હું હોઉં ને હું હોઉં ટગલી ડાળીમાં.
કોઈ સમજણ બહારનું કારણ હશે એમાં જરૂર
ઓરડેથી નીકળી અટકી ગયો પરસાળમાં.’

આપણા સિદ્ધ ગઝલકાર અને કવિ શ્રી રાજેન્દ્ર શુક્લમાં જે ઊર્ધ્વનો અનુભવ, અલખની ઓળખ અને અવધૂતી આનંદના પ્રતીતિકર રણકા સાંભળવા મળે છે તેના અણસાર આ કવિએ પણ આપ્યા છે તેની સાનંદ નોંધ લઈએ :

‘મંદ મસ્તીભર પદોમાં કે પછી કરતાળમાં
હું તો વણાતો હોઉં છું ધીમે કબીરી સાળમાં !
*

‘ક્યાં કશો પણ ભેદ ત્યાં પામી શકાયો
હું સ્વયં હોઉં અને હું એય હોઉં.
*

‘હજી ઘૂમી રહ્યું છે કંઈક અંદર,
ઉછાળું બહાર કે સંભાળું ભીતર !’
*

‘એ હવે રૂંવે રૂંવે ઉતારી ગયો ભીતર
હાથમાં લીધો પદારથ જે શરારતમાં !’

કવિ ક્યારેક ખુદની ખણખોદ કરે છે, ને તે હળવાશથી. કશો ભાર રાખ્યા વિના –

‘અચાનક એમ બસ ચોંકી જવાયું,
અને આ કેટલું કૂદી જવાયું !’

અન્ય એક ગઝલમાં કવિનો જ ઉદ્દગાર છે તે જે કોઈના પ્રત્યે હશે તે તો ધન્ય થઈ ગયું હશે ! –

‘ને છતાં ભીનાં થવું તરબતર,
માત્ર ખાલી પ્યાલો ઢોળ્યો છે તમે’
*

‘સ્પંદનો રૂંવે રૂંવે ઘૂમી વળે,
કયો પદારથ એમ ઘોળ્યો છે તમે.’

ગઝલની બહેરોમાં કવિ ચુસ્તી સરી દાખવે છે છતાં ક્યાંક ‘થયું’નું ‘થ્યું’ અને ‘ગયું’નું ‘ગ્યું’ કરવું પડ્યું છે.

‘ધરાશાયી નથી થ્યું વૃક્ષ આખું,
ભલે તૂટી બટકણી ડાળ તૂટી.’
*

‘નથી હાથ લાગ્યું કશુંક જે પકડવા સતત શોધ ચાલે,
કદી સ્હેજ સ્પર્શ્યુ કદી હાથથી સાવ છટકી ગ્યું આખું.’
*

સ્વપ્નોના આધારે જીવતી માણસજાતે કેવી રીતે સદીઓની સદીઓ વિતાવી હશે ? ક્યા અવલંબનથી એ ટકી રહી હશે ?

‘હવે ટેવ થઈ ગઈ છે સ્વપ્નોને આધારે જીવી જવાની,
વિતાવી છે સમજણની સદીઓ આ પંપાળી પંપાળી લાખું.’

જન્મ સાથે શરીરને વળગેલું લાખું શુકનવંતું મનાય છે; તો એવા આધારને ‘પંપાળી પંપાળી’ સદીઓ વિતાવી દીધી ! વળી, જિંદગીમાં ઉકેલવાનું તો ઘણું બધું છે, પણ હાથવગી છે કેવળ ઝાકળ –

‘સૂર્ય, વાદળ, રાત, ભીની આંખ, ફૂલો
એ બધું ઉકેલવા ઝાકળ ઉકેલો...’

ગીતની નજીક સરતી ગઝલ કે પછી ગઝલનો આભાસ આપતું ગીત – એમ ભિન્ન પ્રકારોના સીમાડા ઓળંગી જતી રચનાઓ થતી રહે છ, જેમાં રદીફ સચવાતા હોય છે; કાફિયા નહીં, અને સમગ્રપણે બાની ગીતની વિશેષ હોય છે. અહીં પણ આવી કૃતિઓ મળે છે. ‘ચાલો છલાંગ મારો’ અને ‘શું મારામાં શું તારામાં’ એવા રદીફ ધરાવતી રચનાઓ આના ઉદાહરણરૂપ છે.

જેમ ગીતોમાં વિવિધ લય–ઢાળ ખપમાં લેવાયાં છે તેમ ગઝલમાં યે બધા શેઅર એવા મળે છે જ્યાં અટકવું ગમે :

‘કોરી રેતીના તાર પર છે તરવું કઠિન,
કાં તરે બેખબર, કાં તરે બેખુદી.’
*

‘હર કદમ પર પુષ્પની કેડી સખે
મ્હેક ચાલે છે મને તેડી સખે.’
*

‘ચાંચમાં ચાંચ પરોવી બેઠાં
હોય શું પૂછવાનું–કહેવાનું !’
થોડો ઉચાટ, અજંપો થોડો
હોય, એવું ઓ હવે રહેવાનું.’
*

‘રૂંવે રૂંવે પસરતા ધીમા ઉજાસ વચ્ચે
સંકોરતા સ્મરણને દીવાની વાટ સાથે’
*

‘કોઈ વરસાદી ક્ષણે લહેરાય લીલું ઘાસ ને
આ નગરના લોક અહીંથી બૂટ પહેરી નીકળે !’
*

‘શોધી શકો તો શોધો પગેરું બનાવનું
વ્યાપી ગયું છે શહેરમાં મોજું તનાવનું.’
*

‘રક્તમાં થોડી ક્ષણો એવી રીતે ઓગાળવી
સાવ ધીમે ધીમે ધીમે ધીમે આંખો ઢાળવી.’
*

ગીત–ગઝલ ઉપરાંત પરંપરિત લયની અરચનાઓ કવિએ આપી છે, પરંતુ તેમાં કવિ કંઈક લયના વેગમાં તણાયા છે ન કંઈક તરંગ–લીલા રચી છે; પણ વધુ સંતર્પક કામ થયું છે અછાંદસ કાવ્યોમાં. એક નોંધપાત્ર કવિ અહીં મળે છે – સરગવાના સુગંધભીના વૃક્ષ નીચે સૂતેલા કવિને જોઈ ત્યાં આવી ચડેલું શ્વેતકંઠ પંખી પ્રથમ તો સહેજ ખમચાય છે પણ પછી –

‘કોણ જાણ કેમ !
એણે મને માફ કરી દીધો.’

પવનના હાલરડાંથી ઝોલે ચડેલા કવિ કીડીનો પદરવ સાંભળી જાગી ઊઠે છે ને એ પદરવમાં પામે છે ઉલ્લાસ – શાનો ઉલ્લાસ ? –

‘પાસેના છોડ પર ફૂટેલાં
એક તાજા પાનનો
જન્મોત્સવ ઉજવવા
કેટલીક કીડીઓ ભેગી થઈ હતી’

અને પછી ‘પતંગિયાંએ છેડેલી મધુર તરજથી પુષ્પો તાનમાં’ આવી જાય છે અને ત્યારે કવિ ત્યાંથી ‘શ્વાસ સમેટી ચૂપચાપ’ ચાલતાં થાય છે !

પ્રકૃતિ સાથે તાલમેલથી જીવતા જણની ઝીણી સંવેદનશીલતાની ઋજુ અભિવ્યક્તિ દ્વારા એક મજાનું કાવ્ય કવિ આપે છે.

‘પાણી અને વાણી’ બાંધ્યાં બંધાય નહીં, છબછબિયાં કરવા ધારો ને તણાઈ જાઓ, એનું તળ ન મળે, ને એનો પાર પણ ન પમાય એ વાતને અંકે કરીને બેઠેલા કવિ શ્રી રમણીક સોમેશ્વરે તાગ લીધો છે ને એનાં તળ પણ દેખાડ્યાં છે. જેનો ભરોસો નહીં ત્યાં ઝંપલાવ્યું છે ને નથી ડૂબ્યા કે નથી તણાયા. પ્રથમ સંગ્રહમાં આ કવિ ઘણી બધી સંતર્પક કાવ્યકૃતિઓ લઈને આવ્યા છે. તો, તેમણે આવકારીએ.

- હરિકૃષ્ણ પાઠક
૨૦-૧૧-૧૯૯૫
ગાંધીનગર0 comments


Leave comment