1 - કલમ ઊંચકી ભરી બજારે અમે મરકતા ચાલ્યા હોજી / રમણીક સોમેશ્વર


કલમ ઊંચકી ભરી બજારે અમે મરકતા ચાલ્યા હોજી
કાગળની પોચી ધરતીમાં અમે સરકતા ચાલ્યા હોજી

સોળ વરસની ઉમ્મર જેવું અમને ફૂટ્યું ભાન હોજી
કશું કવિતા જેવું ફરક્યું રહી ગયું ઓધાન હોજી

શબ્દ નગરની ઊભી વાટે અડવાણે પગ ઊભા હોજી
મૂંઝારાના વહેણ વચાળે નહીં તર્યા નહીં ડૂબ્યા હોજી

મસ્તક માથે સપનાં જેવા કંઈક ઝળૂંબે ઝાડ હોજી
મારગ જાતાં આડા ઊભા હથેળિયુંના પહાડ હોજી

કલમ મહીંથી શબ્દો ફૂટ્યા માતાને જ્યમ દૂધ હોજી
ભરી બજારે અમે અચાનક ભૂલી ગયા શુધ-બુધ હોજી

અડધે રસ્તે શબ્દો ખૂટ્યા કથા કહું કઈ પેર હોજી
કલમ કવિતા કાગળ સઘળાં રહ્યાં ઠેરનાં ઠેર હોજી0 comments


Leave comment