10 - હું કેવળ પડછાયો /રમણીક સોમેશ્વર


હું કેવળ પડછાયો
ગયો નદીમાં ન્હાવા ત્યાં હું પાણીમાં વીખરાયો
હું કેવળ પડછાયો

ઋતુ ઋતુનાં ફરે ચક્ર
પણ મને કશું ના થાતું !
ભલે ફૂંકાતા શંખ
કશું ક્યાં મારામાં પડઘાતું !
હું સૂરજના ખરી ગયેલા તણખાથી સરજાયો
હું કેવળ પડછાયો

નથી કોઈથી બંધાતાં
આ હું ને મારી કાયા
ક્યાં કોઈ આકાર મને
બસ હું તો કેવળ છાયા
ધ્વનિ ઊઠે ટેકરીએ ને હું ખીણોમાં રેલાયો
હું કેવળ પડછાયો.
0 comments


Leave comment