2 - વરસાદ / અદૃશ્ય દીવાલો / માવજી મહેશ્વરી


      મૂળજીએ શેઢે આવી રાશ ખેંચી ન ખેંચી ત્યાં પોરો ખાવા ટેવાયેલા બળદ ઊભા જ રહી ગયા. તાપમાં હાંફતા બળદોની કૂખમાં હાથ હાથ જેવડા ખાડા જોઈ મૂળજીથી સડક સામે જોવાઈ ગયું. નેણું હજી દેખાતી ન હતી. બે-ત્રણ ક્ષણ ઊભા રહી પહેરણની ચાળથી ચહેરો લૂછ્યો. પછી રાશ હળમાં ભેરવી નીચે બેસી તેણે બીડી સળગાવી. બીડી પીતાં પીતાં તેની નજર ખેતરની સમથળ છાતી પર ફરી રહી. ધરતીની રહીસહી રસાંગ પર ટકેલો મોલ અત્યારે તડકા સામે ડોકું ઢાળી નામી પડ્યો હતો. મૂળજીએ બીડીનો એક લાંબો કસ લઇ હળથી નીકળેલો એક ઢેખાળો હાથમાં લઇ દબાવી જોયો. કોરીકટ માટી ફસકી પડી. મૂળજીએ બીડીના ધુમાડા ભેગો ધગધગતો નિશ્વાસ છોડ્યો. તેણે આંખો ઝીણી કરી આભ સામે મીટ માંડી. આભમાં સૂરજ આંખો કાઢતો હતો. ક્યાંય વાદળની ફોતરીય નજરે ચડતી ન હતી. તેણે ડોકું ઘુમાવી ચારે ક્ષિતિજોય તપાસી જોઈ, પણ ચોમેર તડકાથી ઝાંખા પડી ગયેલા કાપડ જેવું આકાશ ફેલાઈને પડ્યું હતું. મૂળજીએ નિરાશાથી માથું ધુણાવ્યું. એ મનોમન બોલ્યો – બસ હવે વરસાદ ન આવે.

      સાતમ-આઠમ કોરી વહી ગઈ. બે દિવસ પછી ભાદરવો બેસતો હતો. મૂળજીની બધી આશા ઠગારી નીવડી હતી. ઝાપટા જેવુંય ન થયું. ખેતરોમાં કુમળો મોલ સવારે સહેજ ટટ્ટાર દેખાતો, પણ બપોરે મોલનો રંગ જોઈ હિંમત ઓસરી જતી હતી. ધરતીની અંદરનો ભેજ તો ક્યારનોય વરાળ થઇ ઊડી ગયો હતો. મૂળજીએ છેલ્લો કસ ખેંચી બીડીનું ઠૂંઠું માટીમાં ખોસી દીધું અને ઢીંચણ પર હાથ મૂકી ન છૂટકે ઊભો થતો હોય તેમ રાશ પકડી અને – હાલો બાપ્પા હાલો. કહી બળદોને પોરસાવ્યા તો ખરા, પણ બળદોય મૂળજીની નિરાશાને પામી ગયા હોય તેમ પરાણે પગ ઉપાડ્યા. હળની અણીદાર કોશથી બે ચાસ વચ્ચેની જમીન ચિરાતી હતી. મૂળજી ભેજ વગરના ઊથલતાં ઢેફાંને નિરાશાથી જોતો બળદો પાછળ ઢસડાયે જતો હતો. એ સામે શેઢે પહોંચ્યો ત્યારે જ નેણુંએ ખેતરમાં પ્રવેશ કર્યો. નેણુંને જોઈ છૂટવાની આશાએ બળદોની ચાલમાં સહેજ ગતિ આવી.

      ખેતરની તપતી માટીથી દાઝતી નેણું ઉતાવળે પગલે ગાડા પાસે પહોંચી ગઈ. મૂળજીએ ઊથલ દઈ શેઢે આવી બળદોને વાળ્યા ન વાળ્યા ત્યાં બળદો પગ ખોડીને ઊભા જ રહી ગયા. તે રાશને બળદની પીઠ પરથી ઝાટકો મારી ઘૂંસરી આગળ લઇ આવ્યો. સમેલમાંથી જોતરું છોડતાં એ જરા રોષથી બોલી ગયો.
- કેમ છોરી મોડું થ્યું ?
- બાપા ચક્કીએ જરા વાર લાગી એટલે મોડું થઇ ગ્યું.
      નેણું ગાડાની આડામકડી પર બેઠે બેઠે જ બોલી. મૂળજીથી જરા જોરથી બોલાઈ ગયું.
- તે આગલા દી’એ ધ્યાન રાખવું જોવે કે ના ?
      નેણું બાપના પરસેવે નીતરતા શરીર પર ચીપકી ગયેલાં મેલાં કપડાં અને તાપમાં કાળા પડી ગયેલા ચહેરા સામું જોઈ જરા દબાયેલા સ્વરે બોલી.
- બાપા હવેથી જરા ધ્યાન રાખીશ. લાવો બળદિયાને હું બાંધી આવું. તમે ખાઈ લ્યો.
      નેણું ઠેક મારી ગાડા પરથી ઊતરી ત્યારે એના ઝાંઝરની ઘૂઘરીઓ રણકી ઊઠી. મૂળજીથી એકદમ એ તરફ જોવાઈ ગયું અને તે સાથે જ કેટલાક વિચાર ઘસી આવ્યા. નેણુંના ઝાંઝરનો અવાજ જાણે કશીક આફતના પડઘમ જેવો હોય તેમ ક્ષણેક ખોવાઈ ગયો. જ્યારથી નેણુનાં સાસરિયાં નેણુને ઘરેણાં ચડાવી ગયાં હતાં ત્યારથી જ મૂળજી એ વેતરણમાં હતો કે ઝટ નેણુનાં લગન થઇ જાય. તેણે સઘળો મદાર આ ચોમાસા પર રાખ્યો હતો, પણ ચોમાસું નાદાર થઇ ઊભું રહ્યું અને હવે નેણુનો પગ ઊપડતો અને મૂળજી સચેત થઇ જતો હતો. નેણુના ઝાંઝરના મધુર રણકારે તેની ઊંઘ ઉડાડી દીધી હતી.

      ભૂખ્યા બળદ નેણુને ઢસડ્યે જતા હતાં. ખેતરથી જરા દૂર વણખેડાઉ જમીનમાં બળદોને લાંબી રાશે બાંધીને એ પાછી વળતી હતી ત્યારે મૂળજી ખીજડાના તડક પડછાયામાં બેસી ભાથું છોડતો હતો. નેણુ જેમ નજીક આવતી હતી તેમ એના ઝાંઝરનો રણકાર સ્પષ્ટ થતો જતો હતો. તે ગાડા પાસે આવી ગઈ. મૂળજીએ હજી બટકું ભર્યું ન હતું.
- કાં બાપા, એમ ને એમ બેઠા રયા છો ? ખાવા માંડો. કોની વાત જુઓ છો ? નેણુના રતૂમડા ગાલે તડકો ભોંકાતો હતો.
- કાં તું નથી ખાવાની ?
- હું પછે ખાઈ લઈશ. તમે ખાઈ લ્યો પે’લા.
      નેણુ મૂળજીની સામે બેસી ગઈ. મૂળજીને એક બાજુ નેણું પર વહાલ ઊપજતું હતું. બીજી બાજુ જે ચિંતા તેને કોરી ખાતી હતી તેના મૂળમાં નેણું હતી. તેણે ચુપચાપ ખાવા માંડ્યું.

      નેણું ઢીંચણ પર હડપચી ટેકવી ધૂળમાં તણખલાથી લીટા પાડતી આમતેમ જોઈ લેતી હતી. પૂરબહારમાં ખીલેલું તેનું યૌવન અંગેઅંગથી છલકતું હતું. ખીજડાની ઝાંખીપાંખી છાંયમાં બેઠેલી નેણું જેઠિયા તાપમાં ખીલેલા ગુલમહોર જેવી લાગતી હતી. મૂળજી ખાતાં ખાતાં નેણુને જોઈ થોડાં વરસ પાછળ સરી ગયો.

      તેને લાગ્યું જાને સામે રતન જ બેઠી છે.
- શું એ દિવસો હતા ! આવા તો ચાર ચોમાસાં મોઢું ફેરવી લે તોય વાંધો ન આવે. એના બાપા નારાણ વેલજી એટલે આડો આંક. પાંચાળા સુધી હાક લાગે. ખાનદાન ખોરડું અને તેય હર્યુંભર્યું; બાપાની સંપત્તિનો એક માત્ર વારસ એ પોતે. ભર્યુંભાદર્યું ઘર, માથાં વાવો તોય ઊભી નીકળે તેવી કસદાર જમીન, હાથી જેવા મલમસ્ત બળદ, બબ્બે દૂઝણી ગાયો. ઘરના માણસોને શું કમી હોય, જ્યાં બળદો અડધી અડધી નાળ ઘી અને ગોળનાં દડબાં ખાઈ થાક ઉતારતા હોય !
      ચોમાસું આવે ત્યારે માણસો નારાણ વેલજીના ઊભા મોલમાં આંટો મારી પાકના અડસટ્ટા લગાવે. કો’ક તો શરત મારે કે, દસ કળશી બાજરો ઊતરશે અને ઊતરે જ તે. નારાણ વેલજીનું ખેતર એટલે ચોખલી નારના ઘરનું આંગણું. ખેતરમાં ઘાસનું તણખલુંય જોવા ન મળે. એકવાર તો એના બાપાએ શરત મારી હતી કે, મારા મોલમાંથી બે કિલો ઘાસ વીણી આપે તેણે ઊભો પાક દઈ દઉં. ગામના ગંજાવર ગણાતા માણસોનાં મોં સિવાઈ ગયેલા. પડકાર ઝીલવાની હિંમત ક્યાંથી હોય ? કારણ સૌ જાણતા હતા કે નારાણ વેલજીના ખેતરમાં જનાર મજૂરે ફક્ત રોટલા જ લઇ જવાના હોય. શાક-છાશ તો ઠીક પણ બપોરે ઘી-ગોળ પણ મળે. વળી ગામ કરતાં એક રૂપિયો મજૂરી વધુ મળે તે લટકામાં.....
- બાપા, છાશ દઉં ?
      નેણુના પ્રશ્નથી મૂળજી પાછો અસ્સલ સ્થિતિમાં આવી ગયો. એની આંખો ખેતરમાં ફરી વળી. બોરડીના બે-ત્રણ ઘેરા આંખોમાં ટકરાયા. ટેરવામાં જાને બોરડીનો વાંકડિયો કાંટો ઘૂસી ગયા જેવું બળવા માંડ્યું. તેને થયું – ક્યાં એ ખેતર જેના પર બાપા શરત લગાવતા અને ક્યાં મોલથી ઊંચા ઊભેલા ઘાસને પોસતું આ ખેતર? તે અણદેખ્યું કરવા આંખો મીંચી છાસની તાંસળી ઘટઘટાવી ગયો. માગી આણેલી પાણી જેવી છાશ પીતાં એનાથી ફરી એક વાર નિસાસો મુકાઈ ગયો. તેણે હાથ ધોઈ નાખ્યા.

      બધું સમેટી નેણુ પોતે ખાવા લાગી. મૂળજી ખીજડાના થડના ટેકે બીડી પીતો નેણુને જોઈ રહ્યો. નેણુ રતનનો આખ્ખેઆખો ચહેરો લઈને જન્મી હતી. એ આંખો મીંચી બીડીના કસ લેતો રહ્યો.

      પરણીને આવી ત્યારે રતન જાણે અત્યારની નેણુ જ જોઈ લો. એવી જ મીઠી જીભ અને એવી જ નેહ નીતરતી આંખો. આખા દિવસનો થાક એને જોતાં જ ઊતરી જતો. એની સુંવાળી સુંવાળી હથેળીઓ બધું જ ભુલાવી દેતી, પણ સુખના એ દિવસો બહુ ઓછો સમય રહ્યા. ન જાણે રતનને શી બીમારી લાગી કે એ વળતી જ ન થઇ. એની સાથે ગાળેલી સુખની ક્ષણોના ફળ સ્વરૂપ ત્રણ સંતાનોને મોટાં કરતાં કરતાં તો ચામડીનો રંગેય બળીને કાળો થઇ ગયો. રતન ગઈ સાથે તમામ બરકત પણ ગઈ. દિવસે દિવસે ઘર ઘસાતું ચાલ્યું. નેણુથી મોટા બેય છોકરાઓને પરણાવ્યા તે ભેગા જ મોં ફેરવી ઊભા રહ્યા. જમીન ત્રણ ફાડિયામાં વહેંચાઇ ગઈ. જાતી ઉંમરે ખેતરમાં ઢસડાવું પડ્યું.

      બીડી પીતાં મૂળજીને અચાનક ઉધરસ ચડી. ધુમાડો આંખોમાં પેસી ગયો. આંખોમાં પાણી આવી ગયાં. નેણુ સહેજ આશ્ચર્યથી એના તરફ જોઈ રહી. પછી ઝટપટ પાણીનો વાટકો ભરી મૂળજી સામું ધરતા બોલી.
- આટલી બધી ન ચૂસતા હો તો.......
      પાણીનો વાટકો પકડી નમીને ઊભેલી નેણુના સહેજ ઢીલા કબજામાંથી દેખાતો છાતીનો ઉભાર મૂળજીને ભીની આંખોથી ઝાંખો ઝાંખો દેખાયો. તેણે ઝટઝટ વાટકો લઇ પાણી પીવાને બદલે આંખો પર છાંટ્યું. પછી માથા પરના ફેંટાથી ચહેરો સાફ કરતાં નેણુ સામે જોઈ રહ્યો. નેણુનું સ્ત્રીસહજ વાત્સલ્ય ઉભરી આવ્યું ?
- આંખો બહુ બળે છે, બાપા ?
- ના બેટા, હવે કાંય નથી.
      મૂળજીએ એમ કહ્યું તો ખરું પણ રહી રહીને એની આંખોમાં ભીનાશ તરવરી ગઈ. નેણુ કશુંક સમજી ગઈ હોય તેમ મૂળજીના પડખે બેસી એની આંખોમાં જોતાં બોલી.
- બાપા, તમે એકલા એકલા બધી ચિંતા શીદ કરો છો? જેમ થાવાનું હશે તેમ થાશે.
      નેણુનો સ્વર સહેજ ભારે થઇ ગયો.
      મૂળજી દીકરીની સમજદારી અને સ્નેહ પર વારી ગયો. એને ભીતર ટાઢક વળી. ચહેરા પર હળવાશ લાવી તેણે કહ્યું.
- તું પરવારી લે. હું જરા આડો પડું છું.
* * * * * * * *
      મૂળજી ઊઠ્યો ત્યારે ખીજડાનોછાંયડો પૂર્વ તરફ ખસી ગયો હતો. તડકો સહેજ કૂણો પડ્યો હતો. તેની આસપાસ ઊકળતી ચાની સુગંધ ફેલાઈ ગઈ હતી. તેણે બેઠા બેઠા આંખો ચોળી બળદ બાંધ્યા હતાં તે તરફ જોયું. થોડી ક્ષણો તો તે આંખો ઝીણી કરી જોઈ રહ્યો. પછી કંઇક નવતર દેખાયું હોય તેમ તેની આંખોમાં સહેજ ચમક આવી. ઉત્તર-પૂર્વ દિશામાં પથરાયેલાં ડુંગરાની ધાર ઉપર ચાંદી પાથરી હોય તેવું કશુંક ચમકી રહ્યું હતું. તે એકદમ ટટ્ટાર થઇ ગયો. મંગાળા પર ચા ઉકાળતી નેણુ તેને આમ એકધારું જોઈ રહેલો જોઈ પૂછી બેઠી.
- આમ શું જુઓ છો, બાપા ?
      અવાજમાં છલકતા આનંદ અને કુતૂહલથી તેણે નેણુ સામે જોઈ કહ્યું.
- ત્યાં જો પેલા ડુંગરાની ધાર પછવાડેથી સેર નીકળી રહી છે તે દેખાય છે ?
- હા, પણ તેમાં એવડું શું છે ?
- અરે ! છોકરી તને શું ખબર ? આ શ્રાવણી સેર છે. બરોબર ચડી આવે ને વરસે તો ધુબાકા બોલાવી ડે. તું જો તો ખરી થોડી વારમાં કેટલી ઊંચી ચડી આવી છે. લાગે છે આજે તો વરસી જ પડશે. અરે ! ઝાપટા જેવુંય પડે ને તો આઠ આની વરસ ક્યાંય ન જાય.
      બાપના ઉત્સાહથી છલકતા ચહેરાને જોઈ નેણુને ભીતર ઠંકડ વળતી હતી. ચાની તપેલી ઓઢણીનાં છેડાથી ઉતારતાં બોલી.
  - મોં તો ધોઈ લ્યો. કે એય પછી વરસાદનાં પાણીથી ધોવું છે? આજે આમેય મોડા ઉઠ્યા છો. વરસાદ આવવાનો હશે તો આવશે ને નંઈ આવે તો આપનાથી શું થાશે ?
  - ના, ના, આજે તો લગભગ વરસી જ પડશે. મૂળજીએ ઉતાવળે ઉતાવળે મોં ધોયું. ચાની ચૂસકીઓ ભરતાં ભરતાં પણ તેની આંખો વાદળાંને માપી રહી હતી. જાણે થોડીવાર પછી વરસાદ પડવાનું નક્કી જ હોય તેમ એ ઉતાવળ કરવા લાગ્યો. તેણે નેણુ સામે જોયા વગર જ કહ્યું.
  - તું તારે બધું સમેટીને ઘેર પહોંચી જા. હું મોડો આવું તો ચિંતા ન કરતી. વધારે વરસાદ થાશે તો આથમણો બંધપાળો ઠીક કરવો પડશે.
      થોડી વાર પછી નેણુ માથે ધમેલું મૂકી રવાના થઇ. મૂળજીએ જોયું જે દિશામાં નેણુ જતી હતી તે દિશામાંથી વાદળાં ઉપર ચડતાં હતાં. તે નેણુની પીઠને જોઈ રહ્યો. નેણુના પગલે પગલે રણકતા ઝાંઝરની ચિંતા તેને જરાય ન હતી. તે બોલ્યો.
- દીકરી, આ વરસે બાપનાં ખેતરોમાં આંટો મારી લે. આવતી સાલ તો તુંય સાસરાના ખેતરોમાં હોઈશ. આજે આ એક વરસાદ બરોબર પડી જાય તો લોક મોઢામાં આંગળાં નાખી જાય એવા તારાં લગન કરું. ગામને પણ થાય કે ગમે તેમ તોય નારાણ વેલજીનો દીકરો છે.
      મૂળજીએ નિરાંતે વાગોળતા બળદો સામે જોયું. એને થયું.
      ભલે ને બિચારા આજે આરામ કરતા. પછી તો આમેય ખેડવા લણવાનું જ છે.

      એ પાણીના રેલાની જેમ સરતાં આવતાં વાદળાંને જોઈ રહ્યો. એ થોડી વાર એક જગ્યાએ બેઠો, પણ તેણે બેઠા રહેવું ગમ્યું નહીં. તેણે ખેતરમાં બે-ત્રણ આંટા માર્યા. આથમણો બંધપાળો જોઈ લીધો. કેટલો વરસાદ થાય તો કેટલું પાણી વહી જાય અને કેટલું નુકસાન થાય તેનો અંદાજ કાઢ્યો. કશુંક વિચારી તે પાળા પર બેસી વાદળાં સામે જોયે રાખ્યું.

      મૂળજીની ગણતરીઓ સાચી પડતી હતી.
      હવાની રૂખ બદલતી હતી. ઉત્તર-પૂર્વ તરફથી સહેજ ઠંડો પવન વાવા લાગ્યો. સૂરજ સમજી ગયો હોય તેમ ઠંડો પડતો જતો હતો. મૂળજી પાળા પર થોડી વાર બેઠો પણ તરત ઊઠ્યો અને ફરી વાર એક એક ચાસનું નિરીક્ષણ કરતો દખણાદા શેઢાના ઊંચાણવાળા એક ભાગ પર બેસી કુદરતનો ખેલ જોઈ રહ્યો.

      વાદળાં પશ્ચિમ તરફ ભાગતાં હતાં, જાણે અજાણી ધરતી ઘમરોળવાલશ્કર ઘસતું હોય તેમ. આકાશનો નકશો જ બદલાઈ ગયો. ઠંડો ઠંડો પવન આવી રહેલા વરસાદની છડી પોકારતો હતો. મુરઝાતો મોલ આંખો તાણી વાદળાં સામું જોઈ રહ્યો હતો. મૂળજીની જેમ જ.

      મૂળજી શેઢે બેઠો બેઠો મનોમન ગણતરી માંડતો માંડતો પોરસાતો હતો. આકાશની જેમ તેના મનનો નકશો પણ બદલાઈ ગયો સાવ જ.
- આ સાલ, આ ખેતરમાં મગફળી વાવવાની કેટલાયે ના પાડી છતાં મેં ધરાર વાવી. હવે બેટા એ પણ જુએ કે કેવો પાક ઊતરે છે ! એક વાર ચાસબંધા પાણી રેલાઈ જાય તો ફેંકી દેતાંય સો મણ માલ ઊતરે અને પછી તો બધીય ચિંતાઓદરિયાના પેટમાં. એય ને નેણુના લગન કરું આવતા પોષમાં. ગામ ભલે ને જમે બેય દી’ ધુમાડાબંધ. નેણુનેય ઘરેણાંથી લાદી દઉં. એનેય એમ ન થાય કે બાપાએ ઓછું દીધું. બિચ્ચારી નમાઈ દીકરી.
      વાદળોએ આભને છેડે પહોંચવાની શરત મારી હોય તેમ ભાગ્યે જતાં હતાં. સૂરજ તો ક્યારનોય ઢંકાઈ ગયો હતો. જોકે હવે તો આથમવાને પણ ઝાઝી વાર ન હતી. આભ આખું ઘેરાઈ ગયું હતું, જાણે ભરપૂર આષાઢ જોઈ લ્યો. સૂસવાટા મારતી હવાની સાથે મૂળજીના ગાલે એક ટીપું પડ્યું. આભ સામે જોઈ મૂળજી ગળગળો થઇ ગયો.
  - ભલા ભગવાન, તારી પાએસ ખોટ નથી તો પછી શી સારું આમ ટટળાવતો હોઈશ !
      જાને મૂળજીનાં શબ્દોની અસર થઇ અને આભમાં એક સાથે સહસ્ત્ર છેદ પડ્યા હોય એમ પાણી વરસવા લાગ્યું. પવનના સૂસવાટા સાથે ધીંગી ધારાઓ ધરતીને ભીંજવવા લાગી. તરસી ધરતી મેઘની કૃપાને આકંઠ પીવા લાગી. આખીય સીમ પર વરસાદી રવ છવાઈ ગયો. સુક્કાં ઢેફાં વરસાદથી ફસકતા હતાં. થોડા કલાકો પહેલાની સૂકી માટી તરબતર થતી જતી હતી. સંગીતનો પ્યાસી કોઈ મધુર લયમાં ખોવાઈ ગયો હોય તેમ મૂળજી માથે ઝીંકાતા વરસાદમાં આંખો આડે હાથ રાખી ચાસ વચ્ચે ભરાતા નાના નાના ક્યારાઓને જોઈ રહ્યો હતો.

      જાણે એની મગફળી વધતી, ફાલતી, ફળતી દેખાતી હતી. ખેતર પાકથી લચી પડ્યું હતું. અત્યાર સુધીના બધાય આંકડા વટાવી જાય તેવો પાક ઊતરવાનો છે અને પછી તેણે દેખાયો ખેતરની વચ્ચોવચ્ચ એક મોટો કોઠો. આખી સીમમાં સૌથી મોટો-ઊંચો એના ખેતરનો કોઠો અને પછીનો મગફળી ભરેલી ગુણોનાં થપ્પેથપ્પા. ગાડાંનાં તો કેટલાય ફેરા થાય. ટ્રેક્ટર મંગાવવું પડે એટલી બધી ગુણો. ગામનાં માણસોની આંખો જાને ચાર થઇ ગઈ છે. બધા મોમમાં આંગળાં નાખી જાય છે. અરે ! આટલું તો ક્યારે નારાણ વેલજીએ પણ પકવ્યું નથી.....

      ત્યાં જ આખી સીમને ધ્રુજાવી દેતી વીજળી ચમકી.
- ઓ તારું ભલું થાય. કહેતાં મૂળજીને અચાનક યાદ આવ્યું કે આથમણા પાળાને ઠીક કરવો જરૂરી છે. એ વરસતા વરસાદમાં પગનાં કાંડે કાંડે ખૂંપતો શેઢે પહોંચ્યો. ખેતરમાં સુકાયેલી બોરડીના કેટલાય કાંટા પગમાં ઘૂસી ગયા પણ તેણે ગણકાર્યું નહીં. તેણે જોયું તો સારું એવું પાણી બે-ત્રણ જગ્યાએથી વહેતું જતું હતું. એ આમતેમથી પથરો ગોતી વહેતા પાણીની જગ્યાએ મૂકવા લાગ્યો. વરસાદ દે-માર પડતો હતો. મૂળજીને પાણી રોકવાની મથામણમાં સમયની સરત ન રહી.
      સીમ ધીમે ધીમે અંધારામાં ઓગળતી હતી. હવે તો ક્યાંય કશું દેખાતું પણ ન હતું. અવારનવાર ચમકી જતી વીજળીના પ્રકાશમાં થોડો થોડો ખ્યાલ આવતો હતો. ખેતર આખું તળાવડીમાં ફેરવાઈ રહ્યું હતું. અત્યાર સુધીનાં ઉત્સાહમાં છેદ પડ્યો હોય તેમ મૂળજીથી નિસાસો નખાઇ ગયો. તેને થયું આમ ને આમ ચાલુ રહ્યો તો તો અડધો પાક ધોવાઈ જશે. વીજળીના પ્રકાશમાં તેણે તણાતા આવતા છોડ જોયા. એના પર નવો ભય સવાર થઇ ગયો.

      તેણે ઊભા રહી આસપાસ જોયું. તેણે જાણે અચાનક ખ્યાલ આવ્યો કે રાત તો ક્યારનીય પડી ચૂકી છે અને હવે બધી મહેનત વ્યર્થ છે. તેણે આભ સામે દૃષ્ટિ કરી દુઃખતા હૃદયે પ્રાર્થના કરી.
- હવે ખમૈયા કર. બાપ ! આવતી સાલ વેલોવેલો પોંચી આવજે.
      પણ વરસાદને મૂળજી સામે જોવાની ફુરસદ ન હતી.
      મૂળજીને લાગ્યું, હવે ઊભા રહેવાય તેમ નથી. એનું શરીર ધ્રૂજતું હતું. તેને અચાનક ગાડું, બળદ, બીડી-બાકસ યાદ આવ્યા. તે અંધારામાં ગારો ખૂંદતો ગાડા પાસે આવ્યો. એને હાંફ ચડી આવી. તેને થયું – બસ હવે ઉંમર થઇ રહી છે. વરસાદે ઝિલાતો નથી.

      તેને બીડીની એકદમ તલબ લાગી, પણ તે મન મારી ઢીંચણને બાથ ભીડી બેસી રહ્યો. અંધારાની કાળી ચાદર હેઠળ ઢંકાયેલી સીમ, વરસતો વરસાદ, પવનનાં સૂસવાટા અને ક્યારેક ચમકી જતી વીજળી મૂળજીને હવે બધું ભેંકાર લાગવા માંડ્યું. અત્યાર સુધી ટકાવી રાખેલો આનંદ ધોવાતો જતો હતો. તેનું શરીર તૂટતું હતું. દાંત કકડાટી બોલાવતા હતાં અને વરસાદ બંધ થવાના કોઈ એંધાણ ન હતાં.

      મૂળજીને ધીમે ધીમે ઘર, નેણુ, ફળિયું, ગામ યાદ આવવા લાગ્યાં. ઝટપટ ઘેર પહોંચી જવાની ઈચ્છા તીવ્ર બનવા અલાગી. જેમ જેમ તેને બધું યાદ આવતું હતું તેમ તેમ કશીક અસહાયતા તેને ભરડો લેવા લાગી. તેણે કાન સરવા કરી ક્યાંય માનવસંચાર છે કે નહીં તે માટે પ્રયત્ન કર્યા, પણ પાણીની પછડાટો સિવાય બીજું કશું જ સંભળાતું ન હતું. વરસાદ સહેજ ધીમો થાય કે તરત નીકળી જવું એવું વિચારી તે ધ્રૂજતો ધ્રૂજતો ગાડા નીચે જેમતેમ ઘૂસ્યો.

      મૂળજીને એકદમ રતન યાદ આવી ગઈ. તેના ગળામાંથી તેની જાણ બહાર એક ડૂસકું નીકળી ભેંકારતામાં ખોવાઈ ગયું. મૂળજીને એક ડરામણો વિચાર આવી ગયો. તે સાથે જ ભયનું લખલખું આખા શરીરમાંથી પસાર થઇ ગયું.

      કેટલો સમય પસાર થયો હશે તેની કશી ખબર મૂળજીને રહી ન હતી. વરસાદ વરસતો રહ્યો. ભૂખ, થાક, અવસ્થા અને વરસાદે મૂળજી પર એક સાથે હુમલો કર્યો હતો. એ ગાડાના પૈડાનાં ટેકે સહેજ પગ લંબાવી આંખો બંધ કરીને બેઠો.

      અડધી રાત સુધી વરસેલા વરસાદે ચોમેર ખાનાખરાબી કરી નાખી હતી. ઉપરવાસનાં ધોધમાર વરસાદને કારણે ગાંડીતૂર બનેલી નદી સવારે દસેક વાગે શાંત થઇ ત્યારે નેણુ અને તેના ભાઈઓ ખેતર પહોંચ્યાં. આગલા દિવસે બંધાયેલા બળદ વીલા મોઢે નેણુ સામે જોઈ રહ્યા હતાં. ખેતરનો અર્ધોપર્ધો મોલ તણાઈ ગયો હતો. ખેતરનું ધોવાણ થવાને કારણે બચેલી મગફળીના મૂળિયાં પાધરાં થઇ ગયા હતાં.

      ગાડાનાં પૈડાં પાસે ભીની ધરતી પર પડેલા મૂળજીની આંખો ખેતર સામે સ્થિર થઇ ગઈ હતી. નેણુએ રડતી આંખે ખેતરમાં નજર ફેરવી. એનાં ઝાંઝર કાદવથી ખરડાઈ ગયાં હતાં. રણકાર આવ જ બંધ થઇ ગયો હતો.

[નવનીત સમર્પણ, ઓક્ટોબર ૧૯૯૬]


0 comments


Leave comment