16 - ગુજરાતમાં ભજનવાણીનો વિકાસ / ભજનમીમાંસા / ડૉ.નિરંજન રાજયગુરુ


      ગુજરાત સંતો-ભક્તોની ભૂમિ તરીકે જાણીતો પ્રદેશ છે જ, અહીં ઘણા સંતો-ભક્તો મધ્યકાળમાં થઇ ગયા. એ સિવાય અન્ય પ્રદેશોમાંથી પણ કબીર, રામાનંદ, વલ્લભાચાર્યજી, નાથપંથી સિદ્ધો વગેરેના અનુયાયીઓએ ગુજરાતમાં આવી નિવાસ કર્યો હતો. ગિરનાર તો પહેલેથી જ ભારતભરમાં યોગીઓ-સાધુઓ માટેનું તીર્થધામ છે, એટલે વારંવાર અન્ય પ્રદેશોનાં ફરંદા સાધુ સંન્યાસીઓ યાત્રા નિમિત્તે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આવે, કોઈ સ્થાયી થઇ જાય, કોઈ પરિભ્રમણ કરીને ચાલ્યા જાય પણ પોતાના આગવા ભજનસંસ્કારો ભક્તિસંસ્કારોનાં અંશોની અસર ગુજરાતી લોકજીવન અને લોક સંતો ઉપર છોડતા જાય... આમ સમગ્ર ભારતવ્યાપી ભક્તિમાર્ગનું પ્રચલન-પ્રસારણ ગુજરાતમાં પણ બે ધારાઓમાં થતું રહ્યું. [જયંતિલાલ આચાર્ય. ગુજરાતનાં સંતકવિઓ અને બાઉલપંથ, પૃ.૨૩] એક તો જેને આપણા ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં ઉચ્ચ સ્થાન આપ્યું છે તેવા કવિઓની રચનાઓમાં જેમને આપણે સંત, ભક્ત કે વેદાંતી કવિઓ, મરમી કે અતિ વિરલ વ્યક્તિત્વ ધરાવતા કવિઓ કહીએ છીએ. સાક્ષર ભક્તકવિઓ તરીકે જેમણે શાસ્ત્રો-પુરાણોનાં અધ્યયન અને જ્ઞાનથી પોતાની વાણીને તેજસ્વીતા અર્પી છે એવા કવિઓની રચના એ પ્રથમ ધારા છે. [જયંતિલાલ આચાર્ય. ગુજરાતનાં સંતકવિઓ અને બાઉલપંથ, પૃ.૨૩]

      તો નિરક્ષર અનુભવ પ્રતિષ્ઠ, જેમાંના લગભગ ઘણાખરા નીચલા થરમાંથી આવેલા અને પોતાની સ્વાનુભૂતિને આધારે જ ગુરુની કૃપાથી આગળ વધેલા અંતરલક્ષી અભિવ્યક્તિ ધરાવતા ભજનિક સંતો-ભક્તોની રચનાઓની બીજી ધારા પણ એટલી જ મહત્વની છે. [જયંતિલાલ આચાર્ય. ગુજરાતનાં સંતકવિઓ અને બાઉલપંથ, પૃ.૨૩]

એ રીતે એક પ્રાંતમાંથી બીજા પ્રાંતમાં અને એક કાળથી બીજા કાળમાં લોકવાણીનું વહેણ સતત ચાલુ રહ્યું ત્યારે નદીની જેમ એ પોતાની ઉક્તિનાં વહેણ અને વળાંક પણ બદલાવતી જાય છે. [મકરંદ દવે, ‘સતકેરીવાણી’ પ્રસ્તાવના પૃ.૪૬] એકનો એક ભાવ જુદા જુદા ભજનિક સંતોની વાણીમાં વિવિધ રીતે અનોખા રંગઢંગથી રજૂ થાય છે અને એમાંથી જે આગળ સંસ્કૃતિના બીજ સમા નૈસર્ગિક ભજનોનું સર્જન થયું છે, વિકાસ થયો છે એ આજના ભજનિકો, કવિ, સર્જકો સુધી પહોંચે છે.

      પહેલી ધારામાં નરસિંહ, મીરાં, પ્રીતમ, નિરાંત, રાજે, રણછોડ, રત્નો, સ્વામિનારાયણ સંપ્રદાયનાં બ્રહ્માનંદ, પ્રેમસખી પ્રેમાનંદ, મુક્તાનંદ, દેવાનંદ અને દયારામ સુધી એ પ્રવાહ ચાલ્યો આવે છે. જેમણે શાસ્ત્રોને પ્રાધાન્ય આપીને સૂઝ અને સમજથી પ્રેમલક્ષણા ભક્તિનું ઉત્કટ નિરૂપણ કર્યું છે. જ્યારે કબીરપંથની સીધી અસર નીચે આવેલા ‘રવિ ભાણ’ પરંપરાના ભાણસાહેબ, રવિસાહેબ, ખીમસાહેબ, ત્રિકમસાહેબ, મોરારસાહેબ, ભીમસાહેબ અને દાસીજીવણ સુધીના કવિઓ અને લોકધર્મી, મહાપંથના સંત કવિઓ-કવિયિત્રીઓ જેને આપણે બીજી ધારામાં સમાવિષ્ટ કરીએ છીએ તેમની રચનાઓમાં કબીરની સહજસાધના, વૈષ્ણવની પ્રેમલક્ષણા, અદ્વૈત વેદાંતનું તત્વચિંતન, માનવજીવનની ક્ષણભંગુરતા અને સંસારની અસારતા, નાથપંથીઓની વિવિધ યોગસાધનાઓ અને અલૌકિક અનુભૂતિઓ જેવા તત્વોનો સુભગ સમન્વય જોવા મળે છે. જે અનોખી વાણી આ કવિઓએ નિપજાવી છે. જ્ઞાન, યોગ-પ્રેમ અને ભક્તિનું અદભુત રસાયણ જમાવ્યું છે. એમાં સમગ્ર ભારતીય અધ્યાત્મવિદ્યાનું દોહન થયું છે એમ દેખાઈ આવે છે.

      એ કોઈ પુરોગામીઓની નકલ માત્ર નથી એમ જણાવતાં શ્રી મેઘાણીભાઈ આ ભજનવાણીને ‘અનુભવની કામધેનુંના દોહન’ તરીકે ઓળખાવે છે. એમની માન્યતા મુજબ : વેદાન્તદર્શન જેવા ગહન ગંભીર વિષયનું દોહન લોકવાણીમાં માટીપાત્રમાં થયું છે, સંસ્કૃતનાં સુવર્ણ કટોરામાં જેવું ઉપનિષદ-ક્ષીર સોહે છે તેવું જ આ સોહે છે.... તે પરાયું-ઉછી ઉધારું નથી. સમગ્ર ઉત્કૃષ્ટ ભજનવાણીનું સાચું રહસ્ય એ જ છે કે એ સ્વાનુભવની વાણી છે, ‘કવિની નકલ જ કરી છે આ ગુજરાતી લોકસંતોએ.... ‘એવું કહીને કાંકરો કાઢી નાખનારાઓને કહીએ કે એકાદ નકલ તો કરી આપો ! જોઈએ, લોકકંઠે ચડી શકે છે ?...” [ઝવેરચંદ મેઘાણી. છેલ્લું પ્રયાણ. પૃ.૧૩૧]

      અલબત્ત એક વાત અહીં નોંધાવી જોઈએ કે જેવી રીતે બધી જ નદીઓનો ઉદભવ પર્વતોમાંથી જ નથી થતો, કે બધી જ નદીઓ મહાસાગરમાં લીન થઇ શકાતી નથી. બધી જ નદીઓ ગંગા, યમુના કે બ્રહ્મપુત્રા જેટલી વિશાળ હોતી નથી એ જ રીતે આપણા દરેક સંતો-ભક્તોએ પોતાની આગવી મૌલિક કવિપ્રતિભા વડે જ કાવ્યસર્જનો કર્યા છે એમ નહીં કહી શકીએ. ક્યારેક તો કેટલાંક ભજનોમાં બીજા ભજનિક સંત પાસેથી પ્રેરણા અનુભૂતિ અને અભિવ્યક્તિની અસર સુદ્ધાં મેળવી હોય છે, એ દેખાઈ આવે છે, અથવા તો પોતાના સંપ્રદાય કે પંથની એક પરંપરા પ્રમાણે પોતે પણ કંઇક ભજનવાણીની રચના કરવી જોઈએ એવી લાગણીથી પ્રેરાઈને કવિસર્જનની પ્રતિભા પોતાનામાં ન હોવા છતાં કોઈકના અનુકરણ-અનુસરણથી કવિ બનવાની વૃત્તિ ભજનોમાં જોવા મળે, પણ એથી સમગ્ર ભજનસાહિત્યને પારકી પૂંજી માની લેવાય નથી.


0 comments


Leave comment