17 - વહેતા જીવનનાં ઉપાસક લોકસંતો / ભજનમીમાંસા / ડૉ.નિરંજન રાજયગુરુ


      આપણા આ નિરક્ષર ભજનિક સંતો કદીયે ભૂમિ કે ભાષાના સંકૂચિત વાડામાં પૂરાયાં નથી. [મકરન્દ દવે, ‘સત કેરી વાણી’ (પ્રેવેશક) પૃ.૫૬-૫૭] એ હંમેશાં વહેતા જીવન અને વાણીના ઉપાસકો રહ્યાં છે, જ્યાં જ્યાં તેમણે દૈવત જોયું છે ત્યાં ત્યાં દેશ-વિદેશ કે જાત-પાતની પરવા કર્યા વિના એને મુક્તકંઠે બિરદાવ્યું છે, અને તેની પાછળ એક ભારતવ્યાપી પ્રેરણા પડી છે તે કદીયે ન ભૂલવું જોઈએ. [મકરન્દ દવે, ‘સત કેરી વાણી’ (પ્રેવેશક) પૃ.૫૬-૫૭]

      વળી આ બીજી ધારામાં વહેતું આવેલું ભજનસાહિત્ય આપણે ત્યાં કંઠસ્થરૂપે સચવાતું આવ્યું છે. ભજનોના જાણકાર અને રસિયા લહિયાઓએ ક્યાંક ક્યાંક હસ્તપ્રતોમાં ભજનોનું સંપાદન કર્યું છે ખરું પણ એ તો અત્યંત અલ્પ પ્રમાણમાં, વળી સંપ્રદાય કે પંથોની ગુરુગાડી સ્થાનકોમાં ક્યાંક એ ગુટકાઓરૂપે સચવાયું હશે પણ એને બહાર લાવવાના બહુ પ્રયત્નો નથી થયા. ક્યારેક એ પ્રયત્નો સફળ પણ થયા નથી, એટલે કંઠસ્થ રીતે ઊતરી આવેલી આ મૂડીમાં ભજનિકોની માન્યતાઓ પ્રમાણે યથોચિત સુધારા થતા આવ્યા છે. ક્યાંક શબ્દો બદલાયા હોય, ક્યાંક આખી પંક્તિ કે કડીઓની અદલાબદલી થઇ હોય, ક્યાંક નામાચરણનું જ ઠેકાણું ન હોય... પણ ભજનની આ દુનિયામાં કોઈ એકલદોકલ સર્જકની છાપ ધરાવતી વ્યક્તિ જે કવિ બનીને જીવવા ચાહે છે તેનું જરાયે સ્થાન નથી, ‘આ ભજનો તો બધા લોકો ભેગાં મળીને ગાય છે તેમાં રામસાગર હોય, મંજીરા હોય, પખવાજ હોય, એનો ઉપાડ એક માણસ ભલે કરે પણ પછવાડે એમાં અનેક સૂરો ભળી જાય છે... આમ એક સંઘની ઊર્મિનું સંઘ દ્વારા રચાતું, ગવાતું સાહિત્ય તે લોક-સાહિત્ય છે...’ [મનુભાઈ પંચોળી ‘દર્શક’. ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી.. પૃ.૩૨, પ્ર.લોકમિલાપ ટ્રસ્ટ આ.૨ – ૧૯૭૩] અહીં લોકસાહિત્યનાં એક પ્રકાર તરીકે ભજનસાહિત્યનને ‘સંધોર્મિનું ગાન’ એવા શબ્દોથી ઓળખાવ્યું છે. ને સંધોર્મિનું જેમાં ગાન હોય, આચાર-વિચાર, રહેણીકરણી, નીતિનિયમો, રીતરિવાજ, ગણા-અણગમા વગેરે તત્વો તથા જીવનસિદ્ધાંતો અને સાધનામાં એક પરિવારની ચાલી આવતી પરંપરા પ્રમાણેનું જ અનુસંધાન હોય બધા તત્વો એકસરખી વિચારધારાને પરિણામે જ ઘડાયા હોય, જીવનને એક ભક્તિની દૃષ્ટિએ જ મૂલવવું એવો વણલખ્યો સિદ્ધાંત સ્વીકારાયો હોય ત્યારે ભાષા, ભાવ, ચિંતન, પ્રેમ, ભક્તિ અને અભિવ્યક્તિની એકસરખી છટા જુદાં જુદાં ભજનિક સંત-કવિઓનાં ભજનોમાંથી પ્રાપ્ત થાય એ સહજ સ્વાભાવિક ગણાય. ‘પ્રચલિત પરંપરિત રાગ, ઢાળ, લય, કલ્પનાઓ, ઉપમાઓ, પ્રતીકો, રુઢિપ્રયોગો અને શબ્દ ચોસલાંઓનો ઉપયોગ એમાં આપણને પુરોગામીઓનું અનુસરણ કે અનુકરણ થતું દેખાડે અને તેને એની મર્યાદા તરીકે સ્વીકારીએ તો પણ કેટલાક આવા પરંપરિત લાગતા પ્રયોગોમાંયે દરેક સંતો-ભક્તો-ભજનિકોનું નિરાળું વ્યક્તિત્વ અને અનુભૂતિની સચ્ચાઈનો રણકો ઊઠ્યા વિના રહેતો નથી.’ [મકરન્દ દવે. ‘સત કેરી વાણી’. (પ્રવેશક) પૃ.૬૧]


0 comments


Leave comment