11 - હું મને જોવાનું ભૂલી ગ્યો સાવ / રમણીક સોમેશ્વર


હું મને જોવાનું ભૂલી ગ્યો સાવ
તે દી’થી મારામાં પેસી ગ્યું કોણ જાણે કઈ રીતે સૂકું તળાવ !
હું મને જોવાનું ભૂલી ગ્યો સાવ

સુક્કા તળાવના ચહેરા પર
ઇચ્છાઓ ખરબચડી ખરબચડી જાગે
ને મને ઊંડેથી છેક હજુ કેમ
કશું ભીનુંછમ ભીનુંછમ લાગે
એક તરફ ખુલ્લું આકાશ, અને ડ્રાઉં ડ્રાઉં દેડકાં કહે છે અહીં આવ
હું મને જોવાનું ભૂલી ગ્યો સાવ

હું મને જોવાનું ભૂલી ગ્યો સાવ
મારો આધાર લઈ ત્યાર પછી રોજ બનતા ર’યા કેટલા બનાવ !
હું મને જોવાનું ભૂલી ગ્યો સાવ

રોજ રોજ બનતા બનાવ
અને રોજ રોજ કેટલાય ચહેરાનું ખરવું
તૂંમડાની જેમ મારા ચહેરાના આધારે
રોજ નવા પાણીમાં તરવું
એક તરફ પાણીનાં ઘૂઘવતાં પૂર અને એક તરફ કાંઠો કહે આવ
હું મને જોવાનું ભૂલી ગ્યો સાવ.

હું મને જોવાનું ભૂલી ગ્યો સાવ
સન્નાટા જેમ સાવ તે દી’થી મારામાં નાખ્યો છે કોણે પડાવ !
હું મને જોવાનું ભૂલી ગ્યો સાવ

મારામાં નાખી પડાવ કોણ બેઠું છે
ગૂમસૂમ સાવ ચૂપચાપ !
કોણ મને કહે છે કે આપ –
તારી આંખોનાં દ્રશ્યો બધાંય મને આપ
ડહોળાતાં દ્રશ્યોની પાછળથી દૂર દૂર બોલાવે કોઈ, ‘અહીં આવ’
હું મને જોવાનું ભૂલી ગ્યો સાવ0 comments


Leave comment