16 - કેમ કહું કે આવો / રમણીક સોમેશ્વર


કેમ કહું કે આવો
સાજન, કેમ કહું કે જાવ
અમે તમારા રસ્તા ઉપર
કેવળ એક પડાવ

મેડી ઉપર ઝરૂખડો
ને ઝરૂખડામાં બારી
વચ્ચે મૂકી જાત અમારી
અમે ક્ષણો શણગારી
ચંદ્ર-કિરણમાં પ્રસરી સાજન,
એક ઘડી ડોકાવ.
અમે તમારા રસ્તા ઉપર
કેવળ એક પડાવ.

લ્હેરાતા વાયુની સંગે
તમે ઘડીભર સ્પર્શો
એ ભીની ક્ષણ સંભારી
રણઝણતા રહીએં વરસો
ઝરમર ઝરમર ઝરતા રહીએ
તમે પલક ભીંજાવ
અમે તમારા રસ્તા ઉપર
કેવળ એક પડાવ

કેમ કહું કે આવો
સાજન, કેમ કહું કે જાવ0 comments


Leave comment