20 - કૂંપળ ફૂટ્યાનું વરદાન મને છંછેડે / રમણીક સોમેશ્વર


કૂંપળ ફૂટ્યાનું વરદાન મને છંછેડે
ઓયમાં ઝંઝેડે જ્યારથી
હું તો લૂમઝૂમ થરકું છું ત્યારથી

ધાર્યું નો’તું કે આમ હાથમાંથી છટકીને
ટેરવાંય સીમ ભણી જાશે
ચીલા પર પગલાંઓ રેતીની જેમ સાવ
ઓચિંતું આમ ભળી જાશે
ખેતરમાં સોડમનો ભીનો અણસાર લઈ
ચોમાસું બેઠું છે જ્યારથી
હું તો ભીનુંછમ થરકું છું ત્યારથી.

ક્યારે અજાણતાંમાં પાણી ઝેર્યાં તે આમ
કૂંપળનાં ફૂટ્યાં વરદાન
છૂઈ છૂઈ રમતામાં ક્યારે દઈ બેઠાં
આ ભવના ઉજાગરાનું દાન
નાગણના ડંખ આમ સામ્મેથી ઝીલીને
રૂંવાડાં ધડકે છે જ્યારથી
હું તો ગૂમસૂમ થરકું છું ત્યારથી.
0 comments


Leave comment