52 - કે શંકાઓ કરી બેસું છું હું પણ એક ક્ષણ માટે / મુકુલ ચોકસી


કે શંકાઓ કરી બેસું છું હું પણ એક ક્ષણ માટે,
કોઈ એવા ઉમળકાથી કરે છે વાત રણ માટે.

ભલે એણે રચ્યું આકાશ જગના આવરણ માટે,
અમારે કામ લાગે છે અમારા જાગરણ માટે.

એ નક્કી કરવું આજે બહુ જરૂરી છે ઝરણ માટે,
કે કોણ આવ્યું છે જળ માટે ને કોણ આવ્યું તરણ માટે.

કરી દો માફ એને જાય એ જ્યાં પણ શરણ માટે,
કે જેને થોડું પણ દુ:ખ હોય પોતાના વલણ માટે.

ખબર પડતી નથી કે કેમ અન્યોને ગમે છે એ,
લખાતું હોય છે જે કંઈ ફક્ત એકાદ જણ માટે.



0 comments


Leave comment