54 - બે’ક હંસો ચાંચ બોળીને ઊડી ચાલ્યા જુઓ / મુકુલ ચોકસી


બે’ક હંસો ચાંચ બોળીને ઊડી ચાલ્યાં જુઓ,
ને સરોવરમાંથી જળ કેવાં ખૂટી ચાલ્યાં જુઓ.

એક બીજામાં આ પડછાયા ભળી ચાલ્યાં જુઓ,
ને આ જીવતાં માણસો અળગાં રહી ચાલ્યાં જુઓ.

જે તૂટે તે લાકડા જેવું ય તરતા રહી શકે,
વહાણ આખેઆખાં તો પળમાં ડૂબી ચાલ્યાં જુઓ.

રાહ જોતા’તા સદીથી એક મહેફિલની અમે,
ને મળી તો આમ અડધેથી ઊઠી ચાલ્યાં જુઓ.

કોઈને ગમતા નહોતા તેઓ પણ આજે મુકુલ,
અમથું અમથું એક અરીસાને ગમી ચાલ્યાં જુઓ.



0 comments


Leave comment