55 - ઉન્માદ ! કહે ને કઈ છે દિશા જ્યાં ઉજાસ છે / મુકુલ ચોકસી


ઉન્માદ ! કહે ને કઈ છે દિશા જ્યાં ઉજાસ છે,
દસ દસ દિશામાં સામટો જારી પ્રવાસ છે.

શ્વસતાં જો આવડે તો એ શ્વાસોચ્છવાસ છે,
બાકી તો અમથા આ બધા પ્રાસાનુપ્રાસ છે.

હરએક પાસે એક-બે સપનાંઓ ખાસ છે,
જીવતર એ શોધી કાઢવા થાતી તપાસ છે.

બંનેને એક સાથે શી રીતે જીવી શકાય ?
અંદર કશુંક છે ને કશુંક આસપાસ છે.

અહિંયા મિલનમાં સર્વથી નોખા હિસાબ છે,
આજે પૂનમ તો આવતી કાલે અમાસ છે.



0 comments


Leave comment