57 - ઉન્માદ ! જ્યારથી કશી સમજણ નથી રહી / મુકુલ ચોકસી


ઉન્માદ ! જ્યારથી કશી સમજણ નથી રહી,
પળને પ્રલાપવાની પળોજણ નથી રહી.

કે એ ક્ષણે તો જે કંઈ નહોતું તે પીડાતું,
ને આજની પીડા છે કે એ ક્ષણ નથી રહી.

આ લાગણી તો જેવી હતી તેવી છે હજુ,
તો બુદ્ધિ કેમ એવી વિચક્ષણ નથી રહી?

ને રંજ માત્ર ભીંત તૂટ્યાનો નથી મને,
બીજી રીતે કહું તો છબી પણ નથી રહી.

એકાદ શ્વાસ આવે ને એકાદ જાય તેમ,
બે-ત્રણ સ્મૃતિ રહી છે ને બે-ત્રણ નથી રહી.



0 comments


Leave comment