5.1 - ઝેન વિચારધારા : આગની જ્વાળાઓ પર થોડું પાણી ઉકાળવું.... / સંવાદ / જ્વલંત છાયા


ઝેન ગુરુ બોકુજુને થયું કે હવે દેહ છોડવાનો સમય થયો છે. બધા શિષ્યોને બોલાવ્યાં શિષ્યો વિચારતા હતા ગુરુનો છેલ્લો ઉપદેશ શું હશે ? તેમણે એક શિષ્યને કહી પોતાના લખેલા બધા ગ્રંથો મંગાવ્યા અને પછી બેઠા થઈ ગ્રંથોને સળગાવી દીધા. શિષ્યો તો ચોંકી ઊઠ્યા બોલ્યા, ‘આ શું કરો છો ? આવો અમૂલ્ય ગ્રંથ તમે સળગાવી દીધો ? આ તો ગ્રંથોની હસ્તપ્રત હતી. હવે અમે એ ક્યાંથી લાવશું ?’ ઝેન સાધુ બોકુજુને કહ્યું, ‘હું હવે વિદાય લઉં છું. મારા અભિપ્રાયો મારી પાછળ શા માટે છોડતો જાઉં ? તમારે મારું અનુકરણ કરવું નહીં, મારા વિચારોની સમજો તેના કરતા તમે સહુ તમારી જાતને સમજો તો સારું. ભીતરની ખોજ અગત્યની છે. મારો સાચો શિષ્ય પોતાનું કલ્યાણ પોતે જ કરશે. તેને હવે ગ્રંથોની જરૂર નહીં રહે...’

નાની બોધકથા કહી શકાય તેવી આ વાર્તામાં બે વખત ઝેન શબ્દ આવ્યો. લખનાર, કોમ્પ્યુટર પર કમ્પોઝ કરનાર, પ્રૂફ વાંચનાર કે લેખ વાંચનારની ભૂલ નથી એ શબ્દ જૈન નથી ઝેન જ છે. એ બૌદ્ધ ધર્મનો એક ફાંટો છે. અલબત્ત ત્યાં વાડાબંધી, વિચારબોજ, અનુસરણ કે અનુકરણ તપસ્યા કે કસોટી યજ્ઞ કે નૈવેદ્ય, પૂજા કે ભક્તિ નથી. મુક્તિ માટેના વિશેષ આયામ નથી. ભવિષ્યમાં પરમને પામવાના આયોજન નથી. ક્ષણને જીવવાની વાત આ સંપ્રદાયમાં મુખ્ય છે.

વીતેલી ક્ષણોનો બોજ ન રાખવો ને આવનારી ક્ષણની ચિંતા ન રાખવી. તે ઝેન વિચારપ્રવાહની મુખ્યધારા છે. નાનીનાની બોધકથાઓ અને પ્રેરક સુવાક્યોથી ઝેન સમૃધ્ધ છે, જાપાનમાં હાઈકુ, નાન–ઈન, શોન, મોકુરાઈ, દા–ઈ–કાકુ, રયોકાન, સોતો રિન્ઝાઈ અને ચીનમાં મા ત્સે, ના–ચૂન, ચા–ઓચૂ હુંગ–પો, બાસો જેવા ઝેન ગુરુઓએ આ વિચારધારાની ઇમારતને મજબૂત બનાવી હતી.

ડી.ટી, સુઝુકીએ લખેલા ઝેન એન જાપાનીઝ સ્ટડીઝ ઈન ઝોન ઝેનનો માઈન્ડ, લિવિંગ બાય ઝેન, લીઝીટ દ્વારા લખાયેલા આ ફર્સ્ટ ઝેન રીડર અને એલનવોટર્સે આપેલા સ્પિરિટ ઑફ ઝેન પુસ્તાકમાં ઝેન વિચારધારાની વિશદ વાતો છે. નિલરત્ન દેસાઈએ ગુજરાતીમાં ૧૦૦ ઝેન કથાઓનો અનુવાદ આપ્યો છે. ધ્યાન કે જીવનવિકાસના દળદાર પુસ્તકો કે અઠવાડિયાઓની સાધના પધ્ધતિઓ કરતા આ નાની પુસ્તિકામાંથી ઘણું પાથેય મળે તેમ છે.

અહંકાર સ્વ પર બાહ્ય જેવી કોઈ વિભાવનાઓ જ્યાં બચતી નથી, ટકતી નથી એ ઝેન છે. ઝેન સાધુઓની નાની નાની બોધકથાઓ જીવનને બહુમાર્ગી, અંતર્ગાસી અને વિકસિત બનાવે છે. ઝેન કથાઓ લોક શિક્ષક નહીં પરંતુ માનવ ઉત્થાન માટેના નાના પણ સાચા મોતીઓ સમાન છે.

ઝેન વિચાર જ્યાં વિકાસ પામ્યો તે જાપાની વાત છે. ત્યાંના એક ઝેન મઠ માંથી બે સાધુઓ બહારગામ જતા હતા. તાનઝેન અને એકિદો નામના એ પંડિતો જતા હતા ત્યાં રસ્તામાં નદી આવી. નદીકાંઠે એક સ્ત્રીને તેમણે ઉભેલી જોઈને નદી પાર કરી શકે તેમ નહોતી. તેની મૂંઝવણ પામીને તાનઝેને ઉઠાવી, ઊંચકીને સામે કાંઠે મૂકી દીધી. એકિદો દિગ્મૂઢ થઈ ગયો, તો કાંઈ બોલી શક્યો નહીં. રાત્રે બંને એક ધર્મશાળામાં રોકાયા ત્યારે એકિદોએ કહ્યું, ‘તાનઝેન સાધુ થઈને તે યુવાન સુંદર સ્ત્રીને હાથ લગાડ્યો તેને ઊંચકી ? આ પાપ કરતાં તને કોઈ વિચાર ન આવ્યો ?’

તાનઝેને કહ્યું, ‘પેલી યુવતી ? મેં તો બપોરેજ એને ઊંચકીને પછી સામે પાર મૂકી દીધી હતી. તું હજી તેના વિચારમાં છે ? તેનાં વસ્ત્રો, યૌવન તે તને હજી દેખાય છે તું ઝેન માર્ગી છે કે સંસારી ? તારી અવસ્થા દયાજનક છે. તું પ્રત્યેક ક્ષણમાં જીવતાં શીખ્યો નથી.’

હરિવંશરાય બચ્ચન યાદ આવ્યા વગર કેમ રહે ? ‘જો બીત ગઈ ઓ બાત ગઈ...’ હા, આ છે ઝેન માર્ગ, ઝેનધર્મ કે ઝેન વિચારધારા. જે આપણને પ્રત્યેક વહી રહેલી ક્ષણમાં જીવવાનો સંદેશ આપે છે. ઝેન સૂત્રમાં કહ્યું છે, માછલી પકડાયા પછી જાળ ભૂલી જાઓ, સાધ્ય અગત્યનું છે. તે સિદ્ધ થયા પછી સાધનોને પકડવાનો અર્થ શું ? ઝેન સાધક વિશે એવું કહેવાય છે કે સાચો ઝેન સાધક વાદળ જેમ વિહાર કરશે, પાણીની જેમ વહેતો રહેશે, સ્વયં ભગવાન બુદ્ધના વિચારોને પણ ઝેન સાધુ વળગીને જડતાથી નહીં બેસે. એ સંપ્રદાય કહે છે, ભગવાન બુદ્ધના સ્થાપક પાસે ચીટકી રહેશો નહીં, ભગવાન બુદ્ધ જ્યાં ન હોય ત્યાંથી ઝડપભેર પસાર થઈ જાજો!!! કાર્ય કરતાં કરતાં મનને ભીતરમાં જોયાં કરો તે ઝેન સંપ્રદાયનો મુખ્ય ઉપદેશ છે. દુનિયાને અનેક સિદ્ધ છતાં સરળ સાધુઓ અને ગહન છતાં સહેલા જીવનલક્ષી ઉપદેશો કે બોધ કે પ્રેરણા આપનાર ઝેન ધર્મનો ઉદ્દભવ થયો. ચીનમાં પરંતુ ત્યાં તેનો વિકાસ ન થયો. આ સંપ્રદાય પૂર્ણ રીતે ન ખીલ્યો. જાપાનમાં ચીન જઈને જાપાનીઝોએ આ વિદ્યા શીખી. જાપાનમાં તે આજે પણ સક્રિય ચાલક બળ તરીકેનું કામ કરે છે.

ઈ.સ. ૫૨૦માં ભગવાન બુદ્ધના ૨૮માં શિષ્ય બૌદ્ધિધર્મ સમુદ્ર માર્ગે ભારતથી ચીન ગયા. ત્યાં તેણે ઝાઝેન એટલે કે એક સ્થાન પર બેસીને નવ વર્ષ સુધી ધ્યાન કર્યું. લાઓત્સેનો ધર્મ એ વખતે ચીનમાં પ્રચલિત હતો. તેઓ અને કન્ફ્યુસિયસના ધર્મની કેટલીક બાબતો લોકોમાં અપ્રિય બની હતી તેવા સમયે જ બૌદ્ધિધર્મને શેનકુ આંગ નામને એક શિષ્ય મળ્યો અને તેણે ઝેન પદ્ધતિ અમલમાં મૂકી. ધ્યાનનો ચીની ભાષામાં ઉચ્ચાર છે ચીન અને જાપાનીઝમાં ઝેન.

જાપાનના સાધુઓ ઝેન પર વધુ પ્રભુત્વ મેળવવા સફળ થયા, ૧૦૯૧માં તેમણે ઝેનનું અનોખું સ્વરૂપ જાપાન જઈને તૈયાર કર્યુ. જીવનનાં તમામ ક્ષેત્રોમાં અ-મન, સમાધિનો સમન્વય સાધી પૂર્ણતા પ્રાપ્ત કરવાના તેમણે પ્રયત્નો કર્યા.

ઝેન વ્યાખ્યા કે વર્ણનોથી પર છે. એક સાદા અર્થમાં વાત કરવામાં આવે તો ઝેન એટલે ગુરુનાં માર્ગદર્શન હેઠળ એકાંતમાં સતત ધ્યાન કરવું, જીવનનાં બધા વ્યવહાર કરતાં રહેવું, આત્મા તરફ દ્રષ્ટિ રાખીને છેવટે સાટોરી એટલે સમાધિમાં પ્રવેશ કરવો. હું તું, જડ, પદાર્થ, ચેતન–અચેતનો ભેદ ઝેનમાં રહેતો નથી.

ધ્યાનો માર્ગ અપનાવીને તો અનેક ધર્મનાં અનેક ગુરુઓ અને શિષ્યોએ આત્મકલ્યાણ કર્યુ છે પણ ઝેનની ખૂબી એ છે કે ત્યાં કોઈ પરંપરા, કોઈ નિયમો, શાસ્ત્ર આજ્ઞા કે વિધિ કે કર્મકાંડનું અસ્તિત્વ નથી. બાહ્ય આચાર અને બાહ્ય પ્રવૃતિઓને ભીતરમાં સમાવી લો એ જ ઝેન છે. અમન અને નિર્વિચારની અવસ્થા એ ઝેન છે, પ્રત્યેક ક્ષણે શુભ સારા વિચારોથી થતું કાર્ય અને સતત જાગૃત્તિ તથા ઉધમ એ ઝેન છે.

સત્યનાં વ્યાખ્યા નામની એક ઝેન કથામાં સરળ બોધ પ્રગટે છે, ‘ચીનનાં એક ઝેન મઠમાં બે શિષ્યો શિક્ષા લીધા પછી છેલ્લીવાર સાથે ચા–નાસ્તો કરવા બેઠા. નાના યુવાન કહે, ‘તને કોઈ પૂછે કે પરમ સત્ય શું ? તો શું જવાબ આપીશ ?’ ચી–ચાંગ નામનો તેનો દોસ્ત કહે, ‘પેલી જમીન કેટલી સુંદર છે. તેના પર ઝૂંપડી બાંધી શકાય.’ નાનચુઆન કહે, ‘જમીન પછી પહેલાં મારો જવાબ આપ પરમ સત્ય એટલે ? ચી ચાંગ ચાની ટ્રે ઉપાડી ચાલવા લાગ્યો, નાને કહ્યું, ‘અરે પણ મારે ચા પીવાની બાકી છે. જાય છે ક્યાં ?’ મિત્ર ચીચાંગ કહે, ‘જે આવા પ્રશ્ન કરે તે ચા શું પાણીનું એક ટીપું પણ નહીં પી શકે.’

ઝેન વૈચારિકો સમૃદ્ધિનાં આજ રત્નો છે, જે સમયે કે કામ સામે છે તે કરો અથવા જે સ્થિતિ છે તેના વિશે જ વિચારો. જે સામે છે તે જ સત્ય છે, પરમ સત્યની વાત છે, જે વ્યક્તિ ક્ષણમાં નથી જીવી શકતો તે પછીથી વર્ષો ખોઈ નાંખે છે.

ઝેન જીવનશૈલી જ એ છે જે કંઈ બને છે તે બસ બને છે, ઊડતું પંખી, ખરતું પાન, શેરડીની અંદરની મીઠાશ કે પછી આકાશમાં બદલાતા રંગમાં પોતાનો કોઈ પ્રયાસ નથી. કર્તા કે કૃત્યનો અહંભાવ નથી. ઇચ્છા અનિચ્છાનું અસ્તિત્વ નથી. અગાઉ નક્કી કરેલી કોઈ વાત નથી. શું પ્રાપ્ત કરવું છે ? ક્યાં પહોંચવું છે, તેના આયોજન કે સરવૈયા નથી. ઝેન સાધક પોતાનો દેહ, મન કે ભગવાન બુદ્ધને વણી રહેતો નથી. અહીં વસ્તુ મેળવવી, ખરાબથી દૂર રહેવું, દેહને ત્યજવોને આત્મા બચાવવો જેવી બાબતોથી તે પર છે.

ઝેન ધર્મ જાપાનમાં વધારે પ્રચલિત છે. ૫૦૦ વર્ષમાં તેની મુખ્ય બે શાખાઓ થઈ છે. રેન્ઝાઈ અને સોતોગુરુની બે શાખાઓ આજે ચાલે છે. રેન્ઝાઈ પદ્ધતિમાં સાધકને કોયડો અપાય છે. સાધક પોતાની બુદ્ધિ અને કોયડાના શબ્દો પર થઈ જાય ત્યારે તે સફળ થાય છે અને સોતો પદ્ધતિમાં ધ્યાન મુખ્ય છે. લાંબા સમય પછી કોઈ પૂણ્યશાળી પળ આવે જયારે ભીતરમાં પ્રકાશ દેખાય છે. શાંતિનો અનુભવ તેને થાય છે. સાધક આવું બને ત્યારે મઠ છોડી ચાલ્યો જાય છે, સત્યની પ્રાપ્તિ સમયે તેને કેવો અનુભવ થાય, સાક્ષાત્કારની ક્ષણે તેની શું માનસિકતા અવસ્થા હોય તે વાત બીજી વ્યક્તિ સમજી ન શકે.

ઝેન વિશે ઘણું ચર્ચાયું ને ? છતાં હજી તેની વ્યાખ્યા આપી શકાયી નથી એક મહાત્મા દાંત વડે વૃક્ષની ડાળી પકડીને લટકી રહ્યા હતાં. કોઈ એ પ્રશ્ન કર્યો ઝેન એટલે શું ? મહાત્મા જો મોં ખોલે તો ખીણમાં પડે, મૂંગા રહે તો અવિવેક ગણાય ઝેન વિશે ગમે તેટલું બોલાય લખાય તે અધૂરું છે. ન બોલે તો લોકો કહેશે અભિમાની છે. છતાં ઝેન વિશે ઘણું કહેવાયું છે, ‘ઝેન પૂર્ણ થવું એટલે તદ્દન સાદા અને સંપૂર્ણ માનવ થવું. ‘ઝેન એટલે ન શોધવા નીકળો ન પકડી રાખો.’

મૌનની ભાષા લાખો શબ્દો કહી જાય છે, લાખો શબ્દો છેવટે તો મૌન રહવાનું શીખવે છે’ ઝેન સૂત્ર કહે છે, ‘નકામી અને બિનજરૂરી વાતો અને વિચારો મગજમાંથી કાઢી નાખો તો કોઈપણ ઋતુ ગમશે, ઝેન સૂત્ર કહે છે જીવનમાં રોજિંદા કાર્યો તમને બાંધી ન લે તે જુઓ પ્રવૃત્તિઓથી ડરીને દૂર ચાલ્યા ન જશો. આ બંનેના સમન્વય મુક્ત માણસ કરી શકે છે. અને ઝેન એટલે શું ? આગની જ્વાળાઓ પર થોડી પાણી ઉકાળવું.

ઝેન ધર્મ, ઝેન પદ્ધતિ, ઝેન જીવનરીતી, ઝેન જીવનશૈલી, ધર્મ, ધજા, પૂજા, સ્તવન, સ્તોત્રથી પર છે. નજાનામિયોગં..... જપં નૈવ પૂજા....


0 comments


Leave comment