5.2 - ભૂલ: થઈ જાય તો ચાલે, પરંતુ ભૂલથી પણ ભૂલ કરાય નહીં!! / સંવાદ / જ્વલંત છાયા


તમને સાવ ઓડ લાગે, વિચિત્ર લાગે એવી જ શરૂઆત કરવી છે. મજા આવે ક્યારેક એવું કરવાની. એક ગુજરાતી ફિલ્મ હતી, નામ ‘ પૂજાના ફૂલ.’ ગુજરાતી ફિલ્મોના ફૂલ દર્શકો જ તે જોવે તેવી ફિલ્મ નહોતી, સારી હતી અને તેનું એક ગીત હતું. ‘એક જ ભૂલ થઈને છેટું પડી ગયું, તારે ને મારે, મારે ને તારે છેટું પડી ગયું.’ મહેન્દ્ર કપૂરનો કંઠ, અવિનાશ ભાઈના શબ્દો, ગૌરાંગભાઈની ધૂન... તમને એમ લાગ્યું ને કે આ તો કોઈ ગુજરાતી સુગમ સંગીતના કાર્યક્રમ કે રેડિયોના કોમ્પિયરિંગની સ્ક્રિપ્ટ લાગે છે, ભરાઈ પડ્યા, આ ક્યાંથી વંચાય ? ભૂલ થઈ ગઈ બાપ ! તો ભાઈ જરા ઠહરો જરા ઠહરો...! ‘ઉતાવળા સો બ્હાવરા ધીરા સો ગંભીર.’ એમ બધું ધારી જ લેવાની ભૂલ ન કરાય. કારણકે આપણે જ ગીતની વાત કરી તેમાં ભૂલ શબ્દ છે તેના સિવાય આપણી હવેની ચર્ચાને કોઈ સંબંધ નથી. જો એમ લાગ્યું હોય કે ભૂલથી આ વાંચવાનું શરૂ કર્યું તો હવે અધૂરું મૂકી દેવાની ભૂલ ન કરતાં.

ભૂલ, માણસની રોજેરોજની જિંદગી સાથે વણાયેલો શબ્દ છે, ભૂલ દરરોજ થતી પ્રક્રિયા છે. ખ્યાલ ન હોય અને વન-વેમાં વાહન ચલાવનાર પણ પોલીસને કહે છે, ભૂલ થઈ ગઈ ! આવા ગ્રાસરૂટ લેવલથી લઈ એવી મોટી મોટી ભૂલો વિશ્વમાં થાય છે જે પછી અમર થઈ જાય છે, ઐતિહાસિક બની જાય છે. ભૂલોની પરંપરા, ભૂલોનો સિલસિલો એવો શબ્દો છે. ભૂલ માનવજીવનનું અમીટ સત્ય છે અને બીજું સત્ય એ છે કે ભૂલ આખરે ભૂલ છે, તેના પરિણામ ભોગવવાં પડે પછી તે કોઈ પણ હોય. અને ભૂલનું ત્રીજું સત્ય એ છે કે કોઈ પણ કક્ષાનો મોટો માણસ હોય તે ભૂલ કરે જ. માણસ હશે તો ભૂલ થવાની જ. ભૂલ વગરનો માણસ શક્ય નથી.

અલબત્ત ભૂલની નોંધ ત્યારે વધારે ગંભીરતાથી લેવાય છે જયારે તેની સાથે સંકળાયેલું વ્યક્તિત્વ કે સંસ્થા પર નોંધપાત્ર હોય. સચિન તેંડુલકરની ૧૦૦મી સદી જયારે થવાની હતી ત્યારે શેરી ક્રિકેટથી માંડીને ઇન્ટરનેશનલ પ્લેયર્સ અને ઓટલા પરિષદોના ક્રિકેટ વિવેચકોથી માંડીને કોમેન્ટેટર સુધીના તમામની નજર અને ચર્ચાનું ફોકસ સચિનની સદી અને તેના રન રહેતા અને ૯૯ થી ૧૦૦મી સદીની વચ્ચે ઘણીવાર એવું બન્યું કે સચિન છેલ્લે કાંઈક ચૂક્યો હોય, જિંદગીને ક્રિકેટ સાથે ઘણીવાર સરખાવાય છે પરંતુ અણી નો ચૂક્યો ૧૦૦વર્ષ જીવે, ક્રિકેટમાં સુસંગત ક્યાં છે ? ત્યાં તો અણીનો ચૂક્યો, સદી પણ ચૂકે. !!

સચિન જેવો સિદ્ધ બેટ્સમેન, ક્રિકેટના રેકોર્ડનો મોબાઇલ મેનમોલ–જે રેકોર્ડ કોઈએ તે તેના નામે મળી શકે તેવો સચિન તેંડુલકરની અને એક ગફલત ! ૨૫મી નવેમ્બર ૨૦૧૨, સચિન તેંડુલકરની ઇનિંગ જોવા લોકો આતુર હતા. ન્યુઝ ચેનલો પણ સ્ક્રોલટ્રીપ બતાવવી હતી, સચિન મહાશતક સે ૮ રન દૂર, ૬ રન દૂર અને અચાનક, બધેથી એ ઉદ્દગાર છૂટ્યા, ‘ઓહ નો ! હીઝ આઉટ !’ પંદરમી વખત સચિન ૧૦૦મી સદી ચૂક્યો ! સાપસિડી જેવું, હવે ફરીથી એકથી સો રન કરવાના. પરંતુ જોયું’તું ને સાવ કેવા દડાને તેણે બેટ અડાડ્યું ને કેચ થયો ? સાવ જુનિયર ક્રિકેટરને પણ ખબર પડે કે આ ચાળો કરવા જેવો નથી. પરંતુ સચિને એ ભૂલ કરી. યસ ભૂલ. અને તેણે ભોગવવું પડ્યું. આ જ તો મુખ્ય સાઉન્ડ એટલે કે મેઈન ધ્વનિ છે આખી વાતનો, કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કક્ષાએ હોય તે ભૂલ કરે તો પરિણામ ભોગવવું જ પડે. અનુભવ, કૌશલ્ય, કૂનેહ, આવડત, દ્રષ્ટિ એ બધું જ હોય પછી પણ ભૂલ થવાની. અને જો થાય તો તે ભોગવવાની. વિક્રમ વેતાલ ટીવી સિરિયલમાં પેલો વેતાલ–સજ્જન વીર વિક્રમ અરૂણ ગોવિલને કહેતો, તું બોલા તો મૈં ચલા ! કરેલી ભૂલથી કોઈ બચી શકતું નથી. આ ખ્યાલ હોવા છતાં ભૂલો થતી રહે છે, કારણકે ભૂલ ઇરાદાપૂર્વક થતી નથી હોતી. ભૂલથી મિસ્ટેક થતી હોય છે, ઓહો સોરી ભૂલ થઈ ગઈ હો બન્નેનો અર્થ એક જ થાય કાં !

આમ તો વાત આખી ડેસ્ટિની પર લઈ જવા જેવી છે. સચિન હોય કે સિકંદર આખરે બધું આ બધા ડેસ્ટિનીને આધીન છે. પોઝિટીવ થિંકિંગ નામની એક વિભાવના ચલાવનારા કહે છે માણસ પોતે જ પોતાનો ઘડવૈયો છે, જેવું વિચારો એવું થાય તો ભાઈ આ સદ્દગત રમેશભાઈ તેંડુલકરના પુત્રે એવું વિચાર્યું હશે કે મને મહાશતક કરતાં આટલી બધી વાર લાગે, હું આઉટ જ થાઉં. ના નહીં વિચાર્યું હોય તેમ છતાં એ થયું કારણકે એ એમ જ થવાનું હતું. જે સમયે જેના ભાગ્યમાં જે લખ્યું તેને તે સમયે પ્રાપ્ત થાય. આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે. પોઝિટીવ વિચારવા કરતાં પણ એક સ્ટેપ આગળની વાત એ છે કે જીવનમાં જે થાય તેને પોઝિટીવલી કે ન્યુટ્રલી લેવું ! સચિનની મહાનતા કે મહેનત કુદરત માટે સરખા જ છે. અને ૧૦૦મી સેન્ચ્યુરી જયારે થશે ત્યારે જ થશે, તેમાં એક રન ક્ષણનો ફેર નહીં રહે.

ફિલોસોફીનો પિરિયડ પૂરો હવે ફરી ભૂલ પર ચર્ચા ! તો સચિને કરી ભૂલ એટલે એ આઉટ થયો. આવી કેટલી ભૂલો ક્યાં ક્યારે કેવી રીતે થઈ ? અનગિનત, ગણી ગણાય નહીં, વિણી વિણાય નહીં ને તો ય મારી છાબડીમાં માય નહીં ! યુગોથી ચાલ્યું આવ્યું છે. દશરથે વચનો જ ન આપ્યાં હોત તો ? ચાલો એ તો આપે વાઈફને વચનો ગમે, પ્રવચનો નહીં એટલે આપ્યાં. (ચેતન ભગતે તે નોવેલ ‘થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઈફ’ – દશરથરાજાએ લખવી જોઈતી હતી કે નહીં ?) પરંતુ પછી જોવું તો જોઈએ ને કે પાણી ભરે છે તે પેટેન્ટસભક્ત શ્રવણ છે, હરણ નહીં. બસ, આ એક ભૂલ અને કેટલી ઘટનાઓ બની ! લક્ષ્મણ સીતાના મહેણા સાંભળીને ન ગયા હોત તો અને સીતાએ રેખા ઓળંગી ન હોત તો ? કુંતાએ પાછળ ફર્યા વગર કહ્યું, ‘જે હોય તે પાંચેય ભાઈઓ વહેંચી લો...’ યુધિષ્ઠિર બોલ્યા, ‘નરો વા કુંજરોવા:’ અને એમનો રથડાઉન ટુ અર્થ ! એ વાત દ્રોણાચાર્યે માની પણ લીધી અને યુદ્ધ ત્યાગી દીધું આ બધી વાતોને પૌરાણિક ભૂલ કહીશું. આપણા શાસ્ત્રો કે ગ્રંથો તો આપણને ઘણું શિખવે છે તો પછી તેને ભૂલ કહેવાય ? હા, ચોક્કસ કેમ કે દરેક ભૂલ આપણને ઘણું શિખવે જ છે. જીવનમાં થયેલી એક ભૂલ આખી જિંદગીના સારાં કે ખરાબ બદલાવ માટે જવાબદાર હોય છે અને મહત્વનું એ પણ છે કે ભૂલ કોણ કરે છે ? વકતૃત્વ સ્પર્ધા હોય કે કોઈ બાળક ભૂલ કરે તો તે સાવ સહજ રીતે લેવાય છે. પરંતુ વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધી સાવ સહજ રીતે પ્રજાસત્તાક દિવસને ગણતંત્ર દિવસ કહે તો મિડીયાને મોજ પડી જાય છે ! એક જ ભૂલ કરનારા બે વ્યક્તિ અલગ અલગ હોય તો ય ઘણો ફેર પડે છે.

ભૂલ ન થાય તે શક્ય નથી ઇરાદાપૂર્વક કોઈ ખોટું કરીને તેને ભૂલમાં ખપાવી દે તે અયોગ્ય અને એક જ ભૂલ લંબાવવી, કે પુનરાવર્તન ન થાય તે જરૂરી છે. બાકી એક વાર જે થયું તે થયું તેને કારણે નુકસાન પણ સહેવું પડે દોસ્ત ! આપણી પોતાની ભૂલ આપણને જીવનનો કોઈ પાઠ શિખવે છે, તો અન્યની ભૂલને ક્ષમા આપીએ એ આપણને એક ઊંચાઈ આપે છે, કોઈની ભૂલ માફ કરીને આપણને હળવાશ મળે છે.

બ્લન્ડર, મિસ્ટેક. ક્યાં નથી થયાં ? અરે પહેલું વિશ્વયુદ્ધ એ ભૂલનું પરિણામ હતું બોલો ! કિંવદંતી એવી છે, કે ઓસ્ટ્રોહંગેરિયન એમ્પેરર આકેકડ ફ્રેન્ડઝ ફિર્ડનાન્ડ સારાજીવોની વિઝીટે ગયા હતા જયારે તે રાજધાનીમાં ફરતાં હતા ત્યારે તેમના ડ્રાઈવરે રોંગ ટર્ન લઈ કાર રિવર્સમાં લીધી અને ત્યાં એક વ્યક્તિ ઊભો હતો તેને એમ કે કાર મને મારવા આવી રહી છે, બસ તેણે તો પોતાની પાસે રહેલી બંદૂકમાંથી ગોળી છોડી અને કારમાં બેઠેલા આર્કડક અને તેમની પત્ની બન્નેના મોત ! એવું મનાય છે કે આ એક ટ્રીગરને લીધે પહેલંબ વિશ્વયુદ્ધ થયું અને ૩૭ મિલિયન માણસોના મૃત્યુ થઈ ગયાં !

આપણો ઇતિહાસ તપાસીએ , તો કાશ્મીરના જોડાણનો ફેસલો જનમત દ્વારા કરવાની અને યુનોને તેમાં ઇન્વોલ્વ કરાવવાની પ્રધાનમંત્રી જવાહરલાલની જાહેરાત અને નિર્ણયને સરદાર પટેલ તે જ ક્ષણે ભૂલ ગણાવી હતી. પરિણામ આજે ભોગવી રહ્યાં છીએ. સિમલા અને તાશકંદ કરાર પણ હિસ્ટોરિકલ બ્લન્ડર જ છે. સુવર્ણ મંદિરમાં લશ્કર મોકલવાનું ઇન્દિરાજીનું પગલું ૩૧ ઓક્ટોબર, ૧૯૮૪ના રોજ ભૂલ સાબિત થયું જયારે તેમને બે શીખ સુરક્ષાકર્મીઓએ જ ઢાળી દીધાં, એવું જ રાજીવજી સાથે થયું. શ્રીલંકામાં આપણે લશ્કર મોકલવાની કોઈ આવશ્યકતા હતી ?પણ સમય ભુલાવે, ભૂલ કરે જ માણસ.

આવાં અનેક ઉદાહરણો છે. ક્યારેક કોઈ પગલું તરત જ ભૂલ છે તેમ સમજાઈ જાય, ક્યારેક તેને સમય લાગે. કોઈ ભૂલ વળી આશીર્વાદરૂપ નીવડે, કોલંબસ હિન્દુસ્તાન શોધવા નીકળ્યો હતો અને તેને મળ્યું અમેરિકા. અમેરિકા કોલંબસની શોધ નથી, તેની ભૂલ છે ! અને ભૂલ ફક્ત એક જ અંશ, થોડાં જ અક્ષાંસ–રેખાંશના ફેરફારથી થઈ શકે. દાખલો આખો ખોટો પડે તે માટે એક જ સ્ટેપ ખોટું પડવાની આવશ્યકતા હોય છે.

ભૂલ થાય જ નહીં એવું બને ? ના ન જ બને. માણસના જીવનમાં તો નહીં જ. આખરે ભૂલ કરીને જ તો માણસ સમજે છે કે આમ ન કરાય. જે વાત અહીં થઈ એની શરૂઆત એવી હતી કે સચિનને પણ ભૂલ ભોગવવી પડે, પરંતુ સાર એ છે કે સચિન પણ ભૂલ કરે, કોઈ પણ માણસ ભૂલ કરે. તે જ તો સહજતા છે. આકાશવાણીના કેઝ્યુઅલ એનાઉન્સર તરીકે હું સિલેકટ થયો પછી જે પ્રથમ જ સેશન હતું તેમાં વરિષ્ઠ ઉદ્દઘોષક ભરત યાજ્ઞિકે કરેલી એક વાત યાદ આવે છે. તેમણે કહ્યું હતું, ‘ઓલ ઇન્ડિયા રેડિયોનું માધ્યમ અત્યંત વિશ્વસનિયતા અને ગરિમા ધરાવે છે, લાઇવ પ્રસારણ હોય ત્યારે કોઈ જ રિટેકને સ્થાન નથી. છતાં એક બાબત યાદ રાખજો કે ભૂલ કોઈ પણની થાય. અલગ અલગ દસ ભૂલ થાય તો માણસ માટે તે સમજી શકાય, પરંતુ એક જ ભૂલ બીજીવાર ન થવી જોઈએ. આ વાત નોકરી, વ્યવસાય કે જીવન બધાને લાગુ પડી શકે !! માનવી તો ભૂલ કરે જ. એટ એની લેવલ ભૂલ થવાની જ. ક્યારેક કોઈ ટેબલ માણસને સામે ચાલીને વાગતું નથી. માણસ ભૂલથી ટેબલને અથડાય ત્યારે તેને ઇજા થાય છે. ભૂલ ન થાય તેવી સજાગતા અને સતર્કતા અને જો થાય તો તેને કબૂલવાની હિંમત, સુધારવાની તૈયારી અને ભોગવવાની સજ્જતા તે સ્થિર અને સ્થિતપ્રજ્ઞના લક્ષણ છે વત્સ!!!’


0 comments


Leave comment