3 - ખટકો / અદૃશ્ય દીવાલો / માવજી મહેશ્વરી


      છેલ્લું જ પગથિયું ઊતરવાનું બાકી રહ્યું.
      પાછળ જોવાઈ ગયું. ઢળતા સૂરજનોય તેજ આંજી નાખતો હતો. પીળા રંગ પરથી પરાવર્તિત થતો તડકો ચારે બાજુ વેરાઈ જતો હતો. ટાવરમાં સાડા પાંચનો ટકોરો થયો. આસપાસનું શુષ્ક વાતાવરણ ક્ષણેક આંદોલિત થયું અને ફરી પાછું યથાવત્. કેટલાય દિવસોના મૂંઝારાનો ભાર અચાનક વધી પડ્યો હોય તેમ સહેજ ચાતરી જવાયું. જોકે સમતુલા જળવાઈ નહીંતર ધૂળમાં પડી જવાયું હોત.

      રમણબાળાએ પાછળ જોયું.
      સ્કૂલનું એ જ પીળા રંગનું મકાન. ભીંત પડખે ઊભેલી ગોરસ આંબલીનું બેડોળ વૃક્ષ. તૂટેલા છાપરાંવાળી મધ્યાહન ભોજન યોજનાની કાળીમેશ ઓરડી. કાટખૂણે વળતા ઓટલાને ખૂણે ભેગો થયેલો કચરો. પાણી ન મળવાથી નમાયા છોકરાં જેવાં લાગતા લીમડાના છોડવા. રોજ અસંખ્ય પગલાં ઉપસાવતી અને મિટાવતી કમ્પાઉન્ડની મેલી રેતી. સનાજે બાઉન્ડરી ઠેકી રમવા આવતા છોકરાઓએ કોલસાથી કરેલું ઝાંખુંપાંખું ચિતરામણ.

      ચારે બાજુ ત્રણ ત્રણ વરસની પરિચિતતા.
      રમણબાળા હોઠ ભીડી ચુપચાપ ઊભાં રહ્યાં. રોજ સાંજે આ સમયે સમગ્ર પરિસર પર માલિકી ભાવે ફરતી તેમની ધારદાર આંખો આજે દયનીય થઇ જોઈ રહી હતી.

      તેમણે આ શુષ્ક વાતાવરણમાં જ શમણાનાં બી વાવ્યાં હતાં. જોકે બી ઊગ્યાંય ખરાં પણ ફૂલ બેસાડવાના તેમનાં ઓરતાં અધૂરાં રહ્યાં. આખેઆખો છોડ મૂળસોતો એકી ઝાટકે ઉશેટાઈ ગયો.

      ઉપરના માળે સરિતાબહેન તાળું વાસતા હતાં. વિજ્ઞાનનો એક નિયમ ઉલ્કાના લિસોટાની જેમ પથરાઈ ગયો રમણબાળાના મનમાં –
      ઉપરથી જોતાં નીચેની વસ્તુ નાની દેખાતી હોય છે.
      રમણબાળા હલબલી ગયાં.

      સવારથી જ છાતી માથે મુકાયેલો પથ્થર ધીમે ધીમે હટવા લાગ્યો હતો. કશું જ વ્યક્ત ન થવા દેવું. જરાય નબળાઈ ન બતાવવી એવું નક્કી કરી આવેલાં રમણબાળા અનાયાસે બદલતા જતા હતાં. તેમની મક્કમતાનાં ગઢમાં ગાબડું પડ્યું હતું. ચાર્જ લેવા-દેવાની ઔપચારિક વિધિ તો ક્યારનીય પતિ ગઈ હતી. માસની છેલ્લી તારીખ હોવાથી અન્ય શિક્ષકો પણ થોડા વહેલા ચાલ્યા ગયા હતાં.

      જોકે રોકાય તોપણ કોણ અને કઈ રીતે ?
      આવડી મોટી નિશાળમાં બે જ જણ હતાં. ચાર્જ લેનાર અને ચાર્જ આપનાર.
      સરિતાબહેન હવે પગથિયાં ઊતરી રહ્યાં હતાં. રમણબાળાએ ચારે બાજુ જોવા આંખો ઘુમાવી. કીકીઓમાં સમાઈ ગયેલી એક એક વસ્તુ બહાર નીકળી રહી હતી. પગ કોઈ અદીઠ દોરડાથી બંધાતા જતા હતાં. નજીક આવી ગયેલા સરિતાબહેને ક્ષણેક એમના ચહેરા સામે જોયું. નજરો સામસામે અથડાઈ. સરિતાબહેનના ચહેરાનો ભાવ રમણબાળા કળી શક્ય નહીં.

      સરિતાબહેન મક્કમ ચાલે તેમનાથી માત્ર એકાદ ડગલું આગળ નીકળી ગયાં.
      રમણબાળાએ ફરી અસહાય આંખે ગ્રાઉન્ડમાં જોયું.

      જાણે ચોખ્ખુંચણાક ગ્રાઉન્ડ. શિસ્તબદ્ધ સૈનિકની જેમ બેઠો છે હરેક વિદ્યાર્થી ઉત્સુક અને શાંત. ગ્રાઉન્ડમાં પાણી છાંટીને ભીની કરેલી માટી પર પી.ટી. ટીચરે ચૂનાથી રેખાંકન કર્યું છે. નાનો એવો શમિયાણો બાંધેલો છે. ચાર ચાર ટેબલ અજરખ બાટીકના કાપડથી વીંટળાયેલા છે. પાછળથી કતારબંધ ખુરશીઓ પર ચેરમેન સહિત પ્રતિષ્ઠિત વ્યક્તિ બેઠી છે અને બધી ખુરશીઓની વચ્ચેની ખુરશી પર બેઠેલ છે એક જાજરમાન વ્યક્તિત્વ. ધીમે ધીમે વાગતું ટેપરેકોર્ડર ચારે ખૂણે બિસ્મીલ્લાહ ખાનની શરણાઈનાં ભૈરવીના સૂર પાથરી વાતાવરણને કંઇક ગંભીર અને કંઇક રોમાંચક બનાવી રહ્યું છે. સ્ટાફની વ્યક્તિઓ હર્ષભેર બધું ગોઠવવાની વેતરણમાં છે. સૌની આંખોમાં છાનો વિષાદ ડોકાય છે. કોણે શું કરવાનું છે તેનું આયોજન તો ક્યારનુય થઇ ચૂકેલું છે. પાતળી દેહલતા અને મોહક વાક્છટા ધરાવતી મિસિસ અંજારિયા કાર્યક્રમના સંચાલનમાં કશીક નોંધ ટપકાવી ધીમેથી ઊભી થઇ સાડી સંકોરી માઈક પાસે જાય છે. સૌની આંખો મિસિસ અંજારિયા પર ખોડાઈ રહે છે. સામે બેઠેલા નાનકડા સમુદાય પર એક નજર ફેરવી તે બોલવાની શરૂઆત કરે છે.

      કંપાઉન્ડવોલ અને ઓરડાની ભીંત વચ્ચે ફસાયેલા પવને ખૂણામાં ભરાયેલો કચરો ઉપાડી રમણબાળા પર ઠાલવ્યો.
- ચાલશું ?
      સાવ શુષ્ક અને ભાવહીન અવાજથી બોલાયેલા સરિતાબહેનના શબ્દોથી ઘડી પહેલાની રોમાંચક કલ્પનાનો શમિયાણો એકદમ તૂટી પડ્યો.

      કશુંય બોલ્યા વગર તેમણે પવનમાં ઊંચે ચડેલી બિનઉપયોગી પોલીથીન બેગ સામે જોયું અને પગ ઉપાડ્યા.
      સરિતાબહેને ગેઇટને તાળું માર્યું.

      સરિતાબહેનની તાળું વાસવાની અને ચાવી કમરે ખોસવાની આખી ક્રિયા જોઈ રહેલા રમણબાળા છેદ-છેદ થઇ ગયાં.

      થોડુક જ સાથે ચાલવાનું બન્યું. રસ્તા ફંટાયા. રમણબાળાએ સરિતાબહેન સામે જોયું, પણ એમના ચહેરા પર તો નિર્લેપતાનો અવિચળ ભાવ જ સ્થાઈ થઇ ગયો હતો.

      એમની છેલ્લી આશા પણ કચડાઈ ગઈ. તેમના કાન છેલ્લે છેલ્લે પણ કશુંક એવું સાંભળવા તલસી રહ્યા હતાં કે જેથી કશીક, સાવ નહીં જેવી – પણ ધરપત લઇ શકાય. પણ સરિતાબહેને તો માત્ર શુષ્ક સ્મિત કર્યું અને ‘આવજો’ એટલું જ બોલ્યા. તેય જાણે ન છૂટકે.

      વર્ષો પહેલા આ જ શહરમાં થયેલો ધરતીકંપ રમણબાળાને નવેસરથી યાદ આવી ગયો. તેમણે પગ ઉપાડ્યા.
      પગલે પગલે કપાતા રસ્તાથી ઘર જાણે દૂર દૂર સરતું જતું હતું. આ રસ્તો જ જિંદગીભરનો હતો, પણ આજે કોઈ અજાણ્યા શહેરની શેરી સમો લાગતો હતો.

      રોજ છટાથી આવું, આખી પીઠ ઢંકાઈ જાય તે રીતે સાડીનો છેડો ખભાથી આગળ લઇ ગંભીર ચાલે શેરીમાં પ્રવેશવું. ઓટલે બેઠેલી સ્ત્રીઓ સામે અર્થપૂર્ણ મલકવું. ગેઇટમાં પ્રવેશતી વખતે આખી શેરી પર એક નજર નાખી લેવી. આજે આ લગભગ બધું ભુલાઈ ગયું. મનમાં પ્રશ્ન થયો.
શું કાલથી આ બધું બંધ ?

      રોજ કરતાં આજે તાપ વધારે અકળાવનારો હતો. વાતાવરણમાં અસહ્ય બફારો હતો.
      ઘર આવી ગયું. બધું જેમનું તેમ હતું. સ્ત્રીઓ શેરીના ઓટલે ટોળટપ્પાં કરતી હતી. છોકરા હંમેંશની જેમ જ દોડાદોડી કરતાં હતાં. લોકો મોજથી ટહેલતા હતાં. ક્યાંય કશોય ફેરફાર દેખાતો ન હતો. પોતાના ઘરનું ગેઇટ ખોલતા રમણબાળાના પગ જાણે ભાંગી પડ્યા. તેમણે પોતા પાસે રહેલી ચાવીથી તાળું ખોલ્યું. તેમના પતિ આજે વહેલા ફરવા નીકળી ગયેલા હતા.

      સોફા પર બેસી પડતા તેમણે નિશ્વાસ મૂક્યો. તે સાથે જ જાણે આખું ઘર હતાશાથી ભરાઈ ગયું. તેમની થાકેલી આંખો ઘરમાં આમતેમ ફરતી ફરતી નાતની પ્રથમ ગ્રેજ્યુએટ કન્યા પર અટકી. તેઓ તસવીરમાં મલકતો પોતાનો યુવાન ચહેરો જોઈ રહ્યા. તસવીરને પડખે જ સમસ્ત જ્ઞાતિએ આપેલું સન્માનપત્ર ટીંગાતું હતું. તેમના મનમાં ફરીથી બધું ઊથલ્યું.

      દાંત સહેજ ભીડાઈ ગયા.
- હું શું એટલી પાંગળી કે માત્ર સોળ જણા સામે હારી જઈ રાજીનામું ધરી દીધું ? એ લોકો સંગઠિત હતાં તો છો ને હતા. મેં શા માટે પીછેહઠ કરી ? કાલે આવેલા બે-ત્રણ જણાએ બંડ કર્યું એમાં હું ડરી ગઈ ?
      રમણબાળાની છાતી ટટ્ટાર થઇ. મનમાં સંવાદ શરુ થયો.
      વહીવટ કરવો હોય તો કોઈનીય શેહશરમ ન રખાય. સંબંધ અને વહીવટને જરાય મેળ ખાય નહીં. કડકાઈ તો જોઈએ જ નહીંતર કાચેકાચા ખાઈ જાય. જમાનો કેવો છે ?

      ક્ષણેક બધું અટક્યું. એક જુદો જ અવાજ નીકળ્યો.
- પણ એવું કેમ કશું ન થયું ? શા માટે બધાએ એક જ કાગળ પર પોતાની ઈચ્છા રેલાવી દીધી અને એ કાગળ પછી ઉપરી અધિકારીએ લેખિત ખુલાસો શા માટે માગ્યો ? કેમ કોઈએ ઝાઝી તપાસ કરવાની તસદી ન લીધી ?
      રમણબાળા આગળ અત્યાર સુધીના તૂટફૂટ થયેલા કૌટુંબિક અને સામાજિક સંબંધોનો ઢગલો થઇ ગયો. એકેય વ્યક્તિ પર નજર અટકતી ન હતી જે પોતાને પડખે ઊભો રહે. તેમના મનમાં વિચારો અમળાતા રહ્યા. ત્રીસ વરસની કારકિર્દી ધૂળમાં મળી ગઈ હતી. હતાશ મન ટેકો શોધતું હતું. પણ અંદરથી બળકટ હોંકારો મળતો ન હતો. આંખો આગળ વારંવાર આવી જતા ચહેરાઓને તેઓ પોતાની રીતે મૂલવતા રહ્યા. મીંઢી સરિતા, આખાબોલી અંજારિયા, કામચોર દમયંતી, ભેજાંબાજ શૈલેષ, વહાણે ચડી પાટિયાં કાઢનાર જેબલિયા.

      જાણે બધા ચહેરા તેમણે ઘેરો ઘાલી ઊભા હતાં. કોઈની આંખોમાં તિરસ્કાર હતો, કોઈની આંખોમાં ગુસ્સો તો કોઈની આંખોમાં ખંધાઈ.

      રમણબાળા સાવ હતાશ થઇ ગયાં. સાંજની ઉદાસી શેરીમાં ઠલવતી રહી. બાજુના ઘરમાં પૂજાની ટોકરીનો રણકાર સંભળાતો હતો. રમણબાળાએ બેઠે બેઠે પૂજાના ગોખલા સામે જોયું. રોજિંદી ધમાલમાં તો બધું સમયસર જ થતું, પણ આજે તો સાવ વિસરાઈ ગયું. કશું કામ ન હતું તોય.

      જાણે આખરી શરણ મળ્યું હોય તેમ ઊઠ્યા. હંમેશની હાથ-પગ ધોઈ નિરાંતે બેસવાની ટેવ ભુલાઈ જ ગઈ અને ગોખલા આગળ ફસડાઈ જ પડ્યા. હાથ યંત્રવત્ કામ કરતા હતાં. છાતીમાં ડચૂરો બાઝતો જતો હતો. અસહ્ય ગરમીમાં પણ ઘી પીગળ્યું ન હતું. તેમણે વાટ ગોઠવી ઠંડુ ઘી જ ચમચી વડે દીવામાં મૂકી દીધું. પછી હળવે હાથે માથે ઓઢી દીવો પેટાવ્યો.

      ઘરમાં આછો પ્રકાશ પથરાયો.
      હાથ આપોઆપ જોડાઈ ગયા. આંખો મિંચાઇ ગઈ. મનમાં ઘુમરાતી બધી ફરિયાદોનો ઢગલો થઇ ગયો ગોખલા સામે જ.
      ઠરેલા ઘી નીચે દબાયેલી વાટમાં હજી ચેતન આવતું ન હતું.

      મનમાં ચાલતા વિચારો બમણા વેગથી ઊછળવા લાગ્યાં, પણ ગોખલામાંથી જાણે નવા નવા સ્વરો નીકળતા હતાં. દબાયેલા, નારાજ અને કંઇક કરુણ.
- બહેન, મને રજા લેવાનો શોખ નથી. મારી વાઈફ બીમાર છે. ઘેર છોકરાંની સંભાળ કોણ રાખશે ?
      જવાબમાં કાળમીંઢ મક્કમતા.
- બહેન, આને ડિસીપ્લીન ન કહેવાય. આને સ્તબ્ધતા કહેવાય શાંતિ નહીં. આ રીતે ડરાવી ધમકાવી બેસાડી દેવાનો અર્થ શું ?
      ફરી એ જ મક્કમતા.
- બહેન, આ નિશાળ છે. લશ્કર નથી. અમે શિક્ષણ છીએ કંઇ સૈનિક નથી અને તમને નેતા જરૂર માનશું, પણ બોસ તો નહીં જ.
      તેના વળતા જવાબમાં અંધાધૂંધ ગોળીબાર જેવા શબ્દો.
      બહેન, મારો બાબો છ મહિનાનો છે. તેના કારણે સહેજ મોડું થઇ ગયું તેમાં અડધી સી.એલ. દેવાની ? મારા ધાવણા બાળકને હું દૂધની બોટલ પર મૂકી આવી છું તેનો તો કંઇક વિચાર કરો.

      અચાનક કોઈ બાળક ચિત્કાર્યું હોય તેમ રમણબાળાની આંખો ખૂલી ગઈ. તેમણે દીવાની જ્યોત સામું જોયું. ઘી હજી બરાબર પીગળ્યું ન હતું. તેમની આંખો સામે ભોળા પારેવાં જેવી રમીલા આવીને ઊભી રહી ગઈ. તે તેના છ માસના છોકરાને કામવાળીનાં ભરોસે મૂકીને આવી છે. સોસાયટીમાંથી રિક્ષા ન મળવાથી દોડતી દોડતી આવી છે. સી.એલ. ન દેવાની વિનંતી કરતાં તેની હાંફળીફાંફળી આંખોમાં પાણી આવી જાય છે.

      રમણબાળાએ જોરથી આંખો મીંચી દીધી. તેમના કાનમાં બાળકનું કરુણ રુદન અફળાઈ રહ્યું. છાતીમાં કશુંક ઉપરનીચે થવા લાગ્યું. શરીરમાં સહેજ કંપારી ફરી વળી. બધું અસહ્ય થઇ પડ્યું હોય તેમ તેમણે સહેજ માથું ધુણાવ્યું. ગળામાં અટકેલો ડચૂરો બહાર આવવા મથી રહ્યો, જાણે આંખોમાંથી બહાર આવવાનો માર્ગ મળ્યો હોય તેમ પસ્તાવો ગાલ પર એકધારો રેલાવા લાગ્યો.

      ઘરમાં આવેલા તેમના પતિએ લાઈટ કરી અને કશુંક નવતર જોતા હોય તેમ ક્ષણેક જોઈ રહ્યા. પત્નીનાં આંસુઓને. પછી કંઇક આનંદથી અને કંઇક શ્રદ્ધાથી જોડાજોડ બેસી ગયો.
      ઠરેલું ઘી પૂરેપૂરું પીગળી ગયું હતું. દીવાની શગ ઝગમગવા લાગી હતી.

[શબ્દસૃષ્ટિ, માર્ગ – ૧૯૯૯]


0 comments


Leave comment