18 - સદગુરુ મળિયાએમાં સંશય ટળિયા – ભજનવાણીમાં ગુરુમહિમાનું સ્વરૂપ / ભજનમીમાંસા / ડૉ.નિરંજન રાજ્યગુરુ


      ભજનસાહિત્યમાં કેટલાંક ખાસ લક્ષણો આપણે તારવીએ ત્યારે ગુરુમહિમાનું તત્વ વિશેષ અગત્યનું લાગે. સર્વ વ્યાપક અને સર્વ સાધારણ એવું આ લક્ષણ દરેકે દરેક સંતકવિની રચનાઓમાંથી આપણને સાંપડે છે. વ્યવહાર દૃષ્ટિએ પણ માનવજીવનમાં ગુરુનું સ્થાન પ્રાચીન સમયથી ઘણું માનભર્યું રહ્યું છે. ગુરુને દેવ માનવાની આપણી પરંપરા અને સંસ્કૃતિ છે.

      આપણા સાધકો અને સંતો-ભક્તોમાં સૌથી પહેલાં સદગુરુની ખોજ કરીને એમને શરણે જવાની પ્રથા છે. સાધનાની પહેલી સીડી છે ગુરુની પ્રાપ્તિ. ગુરુનું પૂજન એટલે સત્ય પૂજન, જ્ઞાન પૂજન અને અનુભવોનું પૂજન.

      પણ ગુરુ મેળવવા એ કંઇ સહેલું તો નથી જ, ગુરુ પ્રાપ્ત કરતા પહેલાં પોતાની જાતને એ માટે સજ્જ કરવી પડે છે. ને જ્યારે એ સજ્જતા પ્રાપ્ત થાય ત્યારે જ સદગુરુનો ભેટો થાય છે, એમ હંમેશા સંતો માનતા આવ્યા છે. ને ગુરુ મળી જાય પછી તો બેડો પાર... દાસી જીવણ કહે છે ને...
‘ગુરુજી તમ આવ્યે મારે અજવાળું.....’

      ગુરુજીનો ભેટો થતાં જ અંતરમાં અજવાળાં થઇ જાય... પણ એ ક્યારે બને ? જ્યારે દુર્બધ્યાનો (દુર્બુદ્ધિનો) નાશ થયો હોય, ગુરુએ સાચો શબ્દ બતાવ્યો હોય ને સતબુદ્ધિની શિખામણ આપી હોય.....

      આમ ગુરુમહિમાએ સૌરાષ્ટ્રની ભજનવાણીનું એક મહત્વનું અંગ છે. ગુરુમહિમાનું આ તત્વ ક્યાંથી આવ્યું તે વિશે આછી જાણકારી પ્રાપ્ત કરવા આપણે ‘ભારતીય ધર્મસાધનામાં ગુરુનું સ્થાન’ એ વિષય પર દૃષ્ટિપાત કરવો જરૂરી બની જાય છે.


0 comments


Leave comment