19 - ભારતીય ધર્મસાધનામાં ગુરુ / ભજનમીમાંસા / ડૉ.નિરંજન રાજ્યગુરુ


      ભારતીય સંસ્કૃતિની વિચારધારા પ્રમાણે પ્રાચીન સમયથી તે આજ સુધીના સંતોમાં ચાલી આવતી ગુરુ પરંપરાઓ અને તેમની દાર્શનિક માન્યતાઓ તરફ નજર કરીએ તો આપણા ઋષિ-મુનિઓ અને સાધુ-સંતોએ સાક્ષાત પરબ્રહ્મના સ્વરૂપે ગુરુનો સ્વીકાર કર્યો છે. અને અખંડ જ્ઞાન અને ભક્તિનાં જ્યોત ગુરુ-શિષ્યભાવે સદાયે જલતી રાખી છે. ક્યારેક તો ‘ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય?’ એવી સમસ્યા ઊભી થતાં ‘બલિહારી ગુરુદેવ કી જીને ગોવિંદ દિનો બતાય’ એમ કહી પ્રથમ ગુરુને નમસ્કાર કરવાની, ગુરુને પરમાત્મા કરતાંયે ઊંચું સ્થાન આપવાની વાતનો સ્વીકાર થયો છે.

      એ પ્રમાણે ગુરુને સાક્ષાત શિવના સ્વરૂપે પણ સ્વીકારવામાં આવ્યા છે. તો પરબ્રહ્મ કે આદર્શ પુરુષ તરીકે પણ ગુરુનું જ સ્થાન સંતોમાં વંદનીય છે. ગુરુની કૃપા મળે તો સાધનાના શ્રીગણેશ કરી શકાય. જ્યારે શિષ્ય પૂર્ણ શરણાગતિ ભાવે ગુરુના શરણમાં આવે છે ત્યારે જ ગુરુ-શિષ્યનો દિવ્ય સંબંધ જોડાય છે. શિષ્યના અતિ ચંચળ મનને કાબૂમા રાખી શકનાર ગુરુને જ્ઞાનના દાતા, અંધકારભર્યા માર્ગને ઉજાળનાર અને સાચા માર્ગદર્શક તરીકે સંતોએ સ્વીકારી તેમની આરાધના પણ કરી છે.

      તાંત્રિક માન્યતા અનુસાર શરીરધારી ગુરુ વસ્તુત: સ્વયં મહાકાળ અથવા આદિનાથ શિવનું પ્રત્યક્ષ રૂપ છે. જે ભૌતિક ગુરુમાં પ્રવેશ કરીને તેમના શબ્દના માધ્યમ દ્વારા શિષ્યને દીક્ષિત કરે છે. કહેવાય છે કે ગુરુ એ દીક્ષાનું મૂળ છે, દીક્ષા મંત્રનું મૂળ છે, મંત્ર દેવતાઓનું મૂળ છે અને દેવતા સિદ્ધનું મૂળ છે. [પરશુરામ ચતુર્વેદી. સંતસાહિત્ય કે પ્રેરણા સ્ત્રોત. પૃ.૧૧૫]

      એ રીતે જ ભારતીય ચિંતન અને સાધનાના ક્ષેત્રમાં ગુરુનું સ્થાન વિવાદ વિનાનંા અને સર્વમાન્ય રહ્યું છે. પૂર્વ ઐતિહાસિક કાળથી ભારતીય સમાજમાં ગુરુનો આદર થતો રહ્યો છે. ધર્મ અને સમાજનું નિયમન કરવાની શક્તિ એમના હાથમાં હોવાથી શિષ્ય પરંપરા દ્વારા પોતાનું દર્શન, ચિંતન અને સાધનાની પરિપાટી આજ સુધી જાળવી રાખી છે. આપણી ભારતીય વિચારધારામાં ચન્દ્રને ગુરુ તરીકે પસંદ કર્યો છે આપણે, સૂર્યને નહિ... એનું કારણ જાણો છો ?

      ચન્દ્ર પાસે પોતાની રોશની નથી. સૂરજ પાસે ઉછીની લીધેલી રોશની છે, એમ ગુરુ પાસે પોતાની રોશની નથી. પરમાત્માની છે. ગુરુ તો ફક્ત દર્પણ છે.

      સૂરજ તરફ સીધું જોવું મુશ્કેલ છે. જોવાથી તકલીફ થશે. પ્રકાશને બદલે આંખ અંધકારથી ભરાઈ જાય, આંધળા થઇ જઈએ. જ્યારે ચન્દ્રની તરફ સીધું જોવાથી શીતળતાનો અનુભવ થશે. ગુરુને (ચન્દ્રને) વચ્ચે એટલા માટે જ રકહ્યો છે. જે સૂર્યની રોશની પકડીને મધુર બનાવીને આપણને આપે છે. એ કિરણોનો ગુણધર્મ બદલાવી નાખે છે. સૂરજ પ્રખર છે. ચન્દ્ર મધુર છે.

      વળી સૂરજ હંમેશાં પૂર્ણ છે. એનું તેજ ઓછુંવત્તું નથી થતું. વધારે ચન્દ્રનો વિકાસ થાય છે. પૂર્ણિમાએ જ એ પૂર્ણ થાય. ગુરુ ગઈકાલે અપૂર્ણ હતાં-શિષ્ય હતાં, હંમેશથી ગુરુ જ નથી રહ્યા-અંધકારથી ભરેલા હતા, ભટકતા હતા-જીવનની વિકૃતિઓ વિકરાળતા એમણે જોઈ હતી, એનો અનુભવ એને હતો જ... એટલે જ શિષ્યની અંતર વેદના સમજી શકે છે.

      ચન્દ્ર પંદર દિવસ અંધારામાં પસાર થયો ઈ અર્ધું જીવન અંધારામાં જ ડૂબેલો છે એટલે અમાસનો પણ અનુભવ કરી લીધા પછી જ અપૂર્ણતામાંથી પૂર્ણતા તરફ એમણે ગતિ કરી છે. એકમ-બીજ-ત્રીજ એમ વધતા જતા સાધનાપથ પર એમણે પૂર્ણતા પ્રાપ્ત કરી.


0 comments


Leave comment