21 - સાવ કોરીધાકોર હથેળી લઈને આવ્યો હોઉં / રમણીક સોમેશ્વર


સાવ કોરીધાકોર હથેળી લઈને આવ્યો હોઉં
ને તને જોઉં
ને ભીની નદિયું વહેતી થાય...

ટાંગાટોળી કરતા ભેરુ કાનમાં મારી ફૂંક
અચાનક વાયરે ભળી જાય
મને તું સ્હેજમાં મળી જાય
રૂંવાડાં ઘાસ બની લહેરાય
ને ભીની નદિયું વહેતી થાય...

એ.. ઈ લે, મારી આંખ ને કીકી ગૂમ
દિશાઓ સૂમ
ને ઓલી ખંડિયેરી દીવાલની ઉપર
પાંદડું ફૂટી જાય
ને ભીની નદિયું વહેતી થાય...

સાવ કોરીધાકોર હથેળી લઈને આવ્યો હોઉં
ને તને જોઉં
ને ભીની નદિયું વહેતી થાય...


0 comments


Leave comment