22 - સૈયર, હથેળિયુંને હાથવગી રાખજો / રમણીક સોમેશ્વર


સૈયર, હથેળિયુંને હાથવગી રાખજો
સૈયર, હથેળિયુંને હાથવગી રાખજો

ભીનાછમ પાંદડાની જેમ આ હથેળિયુંને
રેખાયું ફૂટયાની બીક
કંઈએ કહેવાય નહીં, કોરા મેદાનમાં
ખળખળતી થાય કોઈ નીક
ઓળગોળ આખ્યુંથી આઘેરી રાખજો
સૈયર, હથેળિયુંને હાથવગી રાખજો.

વણઝારી – વાવ સમી ઊંડી હથેળિયુંમાં
પીંછાનું ફરફરવું આપણે
ટેરવેથી સ્પર્શોનાં ટોળાની જેમ
છમ્મ-ભીનું અવતરવું તે આપણે
પાણીના પડછાયા પરખાવી રાખજો
સૈયર, હથેળિયુંને હાથવગી રાખજો.0 comments


Leave comment