23 - આંખોમાં રેતીની ડમરી / રમણીક સોમેશ્વર


આંખોમાં રેતીની ડમરી
ને છાતીમાં ઘૂઘવતા દરિયાનો નાદ,
જીવતરના બદલામાં માગ્યો છે
બહુ બહુ તો છૂટોછવાયો વરસાદ.

નેજવું કરીને જરા જોઈએ તો
વિસ્તરતાં રેતી, દરિયો કે આકાશ,
કોક’દી ઉલેચવાનું સીમાડે ફૂટેલું
વાંભ વાંભ સૂકેલું ઘાસ.
વણઝારા જેમ અમે ઊંટોની પીઠ પર
લાદીને ચાલ્યા અવસાદ,
જીવતરના બદલામાં માગ્યો છે
બહુ બહુ તો છૂટોછવાયો વરસાદ.

પાંસળીમાં પાવાના સૂર
અને નાડીમાં એકાદું ખારવાનું ગીત,
ચારે દિશાએથી ખુલ્લા આવાસ
એને બારી ન બારણાં ન ભીંત.
સૂસવતા-ઘૂઘવતા અંકાશી જીવથી
જોડ્યો છે ધીમે સંવાદ,
જીવતરના બદલામાં માગ્યો છે
બહુ બહુ તો છૂટોછવાયો વરસાદ.


0 comments


Leave comment