24 - ચોમાસું આખું ર’યા કોરા / રમણીક સોમેશ્વર


ચોમાસું આખું ર’યા કોરા
ને છેવટે ભીંજાયા પાણીના ટીપાથી
સાચ્ચું કહું ! ભીંજાયા છેવટ રાજીપાથી

લીધું’તું નીમ કે કોરાકટ રહેવું
હું તમને તે એની શી વાત કહું !
અંદરના ઓરડામાં બેસીને છેક
પછી ભીતરથી આડાં કમાડ દઉં
છતમાંથી ઠેકીને પાણીનું ટીપું આ
આવ્યું આ પા કે ઓલી પાથી ?
સાચ્ચું કહું ! ભીંજાયા છેવટ રાજીપાથી.

ટીપાનું માથેથી પડવું ને
આખાયે ઓરડાનું ગૂમસૂમ હોવું
કોઈ નથી જોતું ને’ ! એવા સંદેહથી
ચારે પા આંખોનું જોવું

બોલ્યું તો કોઈ નથી, તેમ છતાં કોણ ?
અરે બોલ્યું આ કોણ માલીપાથી !
સાચ્ચું કહું ! ભીંજાયા છેવટ રાજીપાથી.


0 comments


Leave comment