28 - એવા તે કેવા છો ભોટ ! / રમણીક સોમેશ્વર


એવા તે કેવા છો ભોટ !
આટલાક – વેંત એક આંગણામાં ક્યારની
માંડી છે દોટાદોટ !
એવા તે કેવા છો ભોટ !

બારીમાં બેસીને એવું મલકાવ
કહો, આખું આકાશ હવે આપણું
ધ્રુજારી છૂટે તો ફૂંક મારી સળગાવો
મનમાં ને મનમાં બસ તાપણું
કાગળમાં અક્ષર બે દીઠા કે ફુલાયા
વાહ ! કેવી આવી છે ચોટ !
એવા તે કેવા છો ભોટ !

ખિસ્સામાં ખખડાવ્યા શબ્દોના સિક્કા
એ બોદા તો બોદા પણ રણક્યા
આંગણામાં બાંધેલા ઇચ્છાના ઘોડાઓ
આકાશી જીવ જેમ ભડક્યા !
ફળિયાનાં છોકરાંને કહેવત સમજાવો કે,
‘હસવું ને ફાકવાનો લોટ’ !
એવા તે કેવા છો ભોટ !
0 comments


Leave comment