30 - છાપાની કોલમના કહેવાતા લોકોની / રમણીક સોમેશ્વર


છાપાની કોલમના કહેવાતા લોકોની
કહેવાતી ઘટના તે આપણે,
નથી સહેવાતી ઘટના તે આપણે !

હોનારત હોનારત રમતાં સૌ લોક
અહીં છાપાની આસપાસ ફરતા,
પોતાની જાતના અકસ્માતો ભૂલીને
છાપાની કોલમમાં મરતા;
છાપેલા ફોટામાં મોઢે મલકાટ
અને પોક પોક રડતા તે આપણે,
રોજ આપણને નડતા તે આપણે !

ઊડતી નજરથી જ આપણને વાંચીને
આપણે જગવીએં ચકચાર,
આપણું આકાશ સદા કોરું કટાક
અને આગાહી હોય ધોધમાર;
બીબામાં ઢાળેલા અક્ષરની જેમ
રોજ જિવાતી ઘટના તે આપણે,
આમ કહેવાતી ઘટના તે આપણે,
નથી સહેવાતી ઘટના તે આપણે !0 comments


Leave comment