65 - ઉન્માદ! પોયણીઓનો પમરાટ છે હવે / મુકુલ ચોકસી


ઉન્માદ! પોયણીઓનો પમરાટ છે હવે,
ઘ્રાણેન્દ્રિયોમાં આપણો વસવાટ છે હવે.

કલશોર ના કશો કે ન કકળાટ છે હવે,
ખાલીપણાનો કેવો આ ખખડાટ છે હવે ?

ને કાફલાઓ સ્પર્શના ચાલ્યા ગયા પછી,
રૂંવે રૂંવે આ કોનો રઝળપાટ છે હવે ?

રમવું જ હો તો રહીને અલગ પણ રમી શકાય,
માની લીધું કે ચંદ્ર આ ચોપાટ છે હવે.

ગંગા નહીં ગયાનો ક્યાં કચવાટ છે હવે ?
અહિંયા તો પાને પાને નવા ઘાટ છે હવે.



0 comments


Leave comment