68 - એવો પવન અજાણ દિશાએથી વાય છે / મુકુલ ચોકસી



એવો પવન અજાણ દિશાએથી વાય છે,
ઉન્માદ! અંતને ય ઉલ્લંઘી જવાય છે.

માન્યું કે માનવાથી બધું પૂરું થાય છે,
તો એ કહો કે કેમ હજી મન પિડાય છે !

જેવા સહજ મળાય ને છૂટા પડાય છે,
એવા સહજ એ ક્ષણ પછી ક્યાં રહી શકાય છે?

માનીને અંત થોડું કંઈ અટકી પડાય છે?
જે કંઈ નડે છે એ તો ફક્ત અંતરાય છે.

જેણે અનુભવી હો ક્ષુધા એ ધરાય છે,
આનંદ તો એ છે જે સતત ભોગવાય છે.

જોવાનું એ કે કઈ ક્ષણે શરૂઆત થાય છે,
દીવાસળી છે, લાકડાં છે ને હવા ય છે.



0 comments


Leave comment