4 - શિકારી / અદૃશ્ય દિવાલો / માવજી મહેશ્વરી


      મામદ ઝૂંપડીએ પાછો ફરી રહ્યો હતો. આંખોમાં આખી રાતની રઝળપાટ અને ઉજાગરો હોવા છતાં ચહેરા પર એક વિજયી સ્મિત દેખાતું હતું. આથમતા ભાદરવાની સવારે ઘાસમાં બાઝેલાં મોતિયાનાં પાણીથી મામદના બૂટ પલળી રહ્યા હતાં. બિનખેડવાણ જમીનમાં ઢીંચણ સરસા લાંપ વચ્ચેથી આવતા મામદે પાછળ જોયું. લાંપ વચ્ચે જાને કેડી બની રહી હતી. મામદને મજા આવી. એ લાંપને કચડતો આગળ વધ્યો. પાણીની ભીનાશ હવે ચોરણી વાટે ઉપર ચડી રહી હતી. મામદે નદીના પટમાં પ્રવેશ કર્યો. નદીની રેતી બૂટ પર ચોંટી ગઈ. મામદે હાથમાં લટકતી બંદૂક ખભે મૂકી. તેણે એક પથ્થરને લાત મારી પથ્થર થોડે દૂર ઊછળીને રેતીમાં જઈ પડ્યો. મામદને ગમ્યું. એ નદીનો પટ ઓળંગી ભેખડ ચડી ઉપર આવ્યો. એની નજર ફાંગના વેલાઓથી ઘેરાયેલા લીલા છમ્મરક બાવળના ઝાડ પર પડી. એણે બંદૂક નીચે મૂકી, જાકીટના અંદરના ખિસ્સામાંથી ચપ્પુ કાઢી બાવળની એક ડાળખી નમાવી. ઘટાટોપ વેલાની અંદર સૂઈ રહેલા બે તેતર ભયથી નાસી છૂટ્યાં. બાવળની સુક્કી શૂળો બૂટ નીચે કચડાવાનો અવાજ આવ્યો. મામદે બૂટ તરફ જોયું. બૂટ પર હજી ક્યાંક ક્યાંક રેતી ચોંટી રહી હતી. એને આજે બૂટ જોઈ આનંદ થતો હતો. સાથે સાથે પોતાના ગર્વ પર પણ. આ બૂટ હજી કાલે જ આવ્યા હતાં. એણે તો ક્યારથીય બાપુને કહ્યું હતું-એક જોડ સારાં બૂટ લઇ આપો. રાત્રે ચોકી કરાવી હોય તો સીમમાં અંધારામાં બેધડક ચાલી શકાય એવા બૂટ તો જોઈએ અને બાપુએ લાવી પણ દીધા. ગઈ કાલે બૂટ આપતાં કહ્યું પણ હતું- ‘મામદ, આજે ભલે આખી રાતનો ઉજાગરો થાય. કામ પતી જવું જોઈએ.’ અને ખરેખર બૂટ ખૂબ શુકનવંતા નીકળ્યા. આખરે કામ પતી ગયું. હવે બાપુ ખુશ.

      પૂર્વમાં લાલાશ છવાઈ ગઈ. વાતાવરણ ઝાકળભીનું હતું. મામદ બંદૂક ખભા પર મૂકી પૂર્વ તરફ વળ્યો. થોડે દૂર મગફળીના ખેતરને ખૂણે એને પોતાની ઝૂંપડી દેખાઈ. એના મનમાં આનંદનો હિલોળો આવી ગયો. તેણે ખેતરમાં પગ મૂક્યો. મગફળીનું આખુંય ખેતર ઘોડિયામાં સૂતેલા બાળકની જેમ સવારની મીઠી નિંદર માણી રહ્યું હતું. ઝૂંપડી આગળથી નીકળતો ધુમાડો જમીન સરસો ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. મામદને શરીફા યાદ આવી. એની ચાલમાં મસ્તી ચમકી. એ દાતણ હાથમાં પકડી નીચલો હોઠ દાંતની નીચે દબાવી એકધારું જોઈ રહ્યો. શેઢાની કાંપરી જમીન પર બૂટનાં પગલાં દેખાયાં. મામદને બૂટની છાપ ગમી ગઈ. એને થયું કેટલાં સરસ બૂટ હશે. પગલાંની છાપ પરથી મામદે અનુમાન લગાવ્યું કે આગળના ભાગે ખીલા હોવા જોઈએ. તેણે ખીલા ગણી જોયા. પુરા આઠ ! તેણે વિચાર્યું-કે’વાય છે કે મિલેટરીવાળા આવા બૂટ પે’રતા હોય છે. પણ એ પગલાં આ ખેતરે ? એની આંખો આખા ગામમાં ફરી વળી. –ના, ના, ગામમાં તો આવા બૂટ કોઈ કને નથી. તેણે દાતણવાળા હાથે માથું ખંજવાળ્યું. પગલાં ઝૂંપડી બાજુથી આવતા હતાં. એ પગલાની છાપ જોતો આગળ વધ્યો. થોડે દૂર જઈ પગલાં અટકી ગયાં. એને થયું- શું માણસ અહીંથી આકાશમાં ઊડી ગ્યો હશે? એ પાછો વિચારે ચડી ગયો. એને ઝૂંપડી તરફ જોયું. મોઢામાં ભરાયેલો દાતણનો કચરો જોરથી થૂંકી એ આગળ વધ્યો.

      ઝૂંપડીના આંગણમાં સવાર આળસ મરડતું હતું. શરીફા ચૂલા આગળ ઊભડક પગે બેસી ઊકળતી ચાને જોઈ રહી હતી. મામદ તરફ શરીફાની પીઠ હતી. માથેથી સરી પડેલી ઓઢણીને કારણે ગોરી પીઠ ખુલ્લી થઇ ગઈ હતી. તંગ બાંધેલી કાંચળીની કસોનો દોઢ ગાંઠ જોઈ મામદના ટેરવામાં ઝણઝણાટી થઇ ગઈ. અચાનક શરીફાએ પાછળ જોયું. એ હસી પડી એવી રીતે કે બંદૂકની જામગરીય ઠરી જાય. મામદ કશુંય બોલ્યા વગર શરીફાને પડખે બેસી ગયો અને ઊભડક બેઠેલી શરીફાના એક ઢીંચણને ભીંસ દેતા બોલ્યો.
- શું આજે સવારમાં ન નહાઈને બેઠી છો કે શું ?
- નંઈ તો.
- તો કેમ આજે આટલી બધી ગોરી ગોરી લાગશ ?
- એ તમને આખી રાતનો ઉજાગરો છે એટલે. ચાલો દાતણ કાઢો. જુઓ ચાય થઇ ગઈ છે.
      મામદે સહેજ શરીફા સામે જોયું અને આજ્ઞાકારી બાળકની જેમ ઊઠી દાતણ કાઢી મોં ધોયું. શાલથી મોં લૂછતાં કળશિયામાં વધેલું પાણી તલના છોડ પર રેડ્યું અને નીચે મૂકેલી બંદૂક ઉપાડી ઝૂંપડીની અંદર ગયો. એની નજર ઝૂંપડીમાં ફરી વળી. બધું વ્યવસ્થિત પડેલું જોઈ એ ખુશ થઇ ગયો. તેમાંય ખાટલા પર એકેય સળ વગરની પથારી જોઈ એને થયું કે શરીફા રાત્રે નીચે સૂઈ રહી હતી કે શું? એને રોમાંચ થયો. શરીફા આખીય ઝૂંપડીમાં ફેલાઈ ગઈ હતી. બંદૂકને ખાટલાના ટેકે ઊભી મૂકી તે ખાટલા પર બેઠો બેઠો બહાર જોઈ રહ્યો. શરીફાએ ઝૂંપડીની આજુબાજુ ક્યાંય સુધી વાળીઝૂડીને સાફ કરી નાખ્યું હતું. મામદને થયું- હું કેટલો સુખી છું કે શરીફા જેવી સ્ત્રી મળી છે. નહીંતર મારી આ કોળી જાતમાં તે વળી શરીફા જેવી રૂપાળી અને વફાદાર બાયડી શું વાતમાં પડી છે? લગનને હજી માંડ આઠ મંઇના થ્યા છે. મારે તો રાતવરાત બહાર રખડવાનું હોય. ને ઈ હિમ્મતવાળી પણ કેટલી? એકલી ઝૂંપડીએ રે’વા તૈયાર થઇ ગઈ ને હું આવું નંઈ ત્યાં સુધી ખાય નંઈ. ઈ જન્મી છે કોળણ તરીકે નંઈતર એને સાડી પે’રાવી હોય તો ઠકરાણી જ લાગે. જોકે સગાઇ વખતે બાપુએ સહેજ દબાણ કર્યું’તું. નંઈતર એનો બાપ વળી મારા જેવા માબાપ વગરનાને આવી દીકરી આપતો હશે?

      શરીફા ચા લઇ અંદર આવી. મામદે એના હાથમાંથી કળશિયો લઇ લીધો અને હાથ પકડી પડખે બેસાડી દીધી. શરીફા હસી પડી. જાણે જુવારનું લીલું પાન ! મામદે રકાબીમાં ચા રેડી બન્ને ચુપચાપ ચા પીવા લાગ્યાં. મામદે અચાનક પૂછ્યું.
- રાત્રે કોઈ આવ્યું’તું ?
      શરીફા દાઝી ગઈ હોય તેમ જીભ દાંત તળે હલાવી ને બોલી –‘હા.’
- કોણ હતું ?
- અંઈ ભૂખ્યા શિયાળવા સિવાય કોણ આવવાનું હતું ? તમે દૂરના ખેતરોની વાઈપ કરો ને આ જ ખેતરમાં કાલે શિયાળવાં આવ્યાં’તાં. આથમણે ખૂણે બગાડ્યું છે કદાચ.
- તે ઘરની આસપાસ તો બાઈમાણસે ધ્યાન રાખવું જોવે કે ના? ભેણ્યા તું પણ ? મામદે મસ્તીમાં આવી શરીફાની પીઠે હલાવો ધબ્બો માર્યો.
- આ તો મેં ખેતરના શેઢે નવી જાતના બૂટનાં પગલાં જોયાં એટલે કઉં છું.
      શરીફા મામદના બૂટ સામે જોતાં બોલી.
- તમારા બૂટ તો જુઓ, કેટલી માટી જામ ગઈ છે. હજી ગઈ કાલે તો આવ્યા છે. તે બંદૂકની નાળ પર હાથ ફેરવવા લાગી.
      મામદે શરીફાની સાથળ પર ટપલી મારતાં કહ્યું.
- અરે ! તને કે’વાનું તો ભુલાઈ જ ગયું. આ બૂટ બહુ જ શુકનવાળા છે. રાતે કામ પતી ગયું. સલ્લી ક્યારથીય હેરાન કરતી’તી. હવે બાપુને નિરાંત.
      મામદને રાત્રે ઢળી પડેલી શાહુડી યાદ આવી ગઈ. શરીફા ચુપચાપ સાંભળી રહી હતી.
- આખી રાત જાગ્યા છો તે ઊંઘ નથી આવતી ?
- આવે તો ખરી પણ તું બેઠી છો ત્યાં સુધી કેવી રીતે આવે? મામદે શરીફાને પોતાના પર લેટાડી દીધી. મામદના વાળમાંથી રજ ખંખેરતા બોલી.
- આજે રાત્રે નથી જવાનું ને ?
- ના.
- તો અત્યારે સૂઈ જાઓ.
      મામદે શરીફાને વધારે ભીંસી. શરીફાએ મામદની આંખોમાં જોયું. તે છૂટી થવા માગતી હોય તેમ ગણગણી.
- ના, ના. રાતે વાત. સૂઈ જાઓ....
      મામદ ડાહ્યા બાળકની જેમ સમજી ગયો. તેની આંખો ઘેરાવા લાગી.

      બપોર ઢળ્યે મામદ બાપુની ડેલીએ પહોંચ્યો ત્યારે બાપુ તકિયાને અઢેલી કોઈ સુખદ ઘડી વાગોળતા હોય તેમ આંખો મીંચી બેઠા હતા. ચાલીશી વટાવી ચૂકેલા બાપુ ત્રીસ-પાત્રીસના હોય તેવા દેખાતા હતા. કાળા વાળ, તલવારકત મૂછો, ગોરો વાન, સોનેરી ચશ્માંમાં બાપુ હજીય સોહામણા દેખાતા હતાં. મામદે ડેલીમાં પગ મૂક્યો કે બાપુની આંખ ખૂલી ગઈ. મામદને જોઇને જ બાપુ મલકી પડ્યા. બાપુનો મલકાત જોઈ મામદને ચાનક ચડી. તેનો ઉત્સાહ બેવડાયો. બાપુની સામે જ એ બેસી પડ્યો.
- મામદ, કાંઈ વધુ જોરમાં લાગશ. શું વાત છે ?
- કાંઈ નહીં બાપુ. એ તો અમસ્તું. અને હા રાત્રે કામ પતી ગયું. હવે ઓતરાદી સીમનો કંટાળો ટળ્યો.
- વાહ, તું ખરો શિકારી. આખી રાતનો ઉજાગરો થ્યો હશે નહીં?
- હા, બાપુ ઠેઠ સવારે ઘેર આવ્યો.
- ઠીક છે મામદ, કાંઈ જોઈતું કરતુ હોય તો કહેજે. શરમાજે નહીં. આજે રાત્રે નીકળવાની જરૂર નથી. બિચ્ચારી શરીફાને એકલું લાગતું હશે. શરીફાનો બાપ મારી બધી જમીન સંભાળતો. તું એનો જમાઈ એટલે મારે તમારા બન્નેનું ધ્યાન તો રાખવું જોઈએ ને? બાપુ થોડા ગંભીર થઈ ગયા.
      બાપુ અને મામદે વાતોમાં સૂરજ આથમાવી દીધો.
      બાપુએ આપેલા પચાસ રૂપિયા અને બ્રિસ્ટોલ સિગારેટનું અડધું પાકીટ લઈને મામદ ઝૂંપડીએ આવ્યો ત્યારે સીમ સૂઈ જવાની તૈયારી કરતી હતી.

      રાત્રે ફાનસની વાટ ધીમી કરતી શરીફાનો હાથ પકડતા મામદ બોલ્યો –ભલે બળે છે. રાતના તારો ચહેરો વધારે ગમે છે. બરોબર જોવા દે.

      શરીફાએ મામદની આંખોમાં જોયું. સવારના શમી ગયેલું તોફાન ફરી શરુ થવામાં જ હતું. મામદે શરીફાને પોતાના તરફ નમાવી. કાચની બંગડીઓના રણકારથી ઝૂંપડી ભરાઈ ગઈ. મામદનો હાથ શરીફાની સુંવાળી પીઠ પર ફરવા લાગ્યો. મામદના ગળાનું માદળિયું રમાડતાં શરીફા ગણગણી.
- આજે સાંજે ખાતું આવી’તી.
- કાં કાંઈ કામ હતું ?
- ના રે ના. એ તો હવે રોકાવા આવી છે.
- કેમ ?
- મૂરખ છો. ઈય મરે કે’વાનું. એને છઠ્ઠો મંઈનો ચાલે છે. એનાં લગન આપણા ભેગા જ હતાં ને ?
- એમ કાં ? કહેતાં મામદનો હાથ ફાનસ તરફ લંબાયો. સાંય સાંય કરતુ અંધારું ઘસી આવ્યું.
      એકબીજાની સાથે ગાંઠે બંધાયેલી કાંચળીની કસો મુક્ત થઇ ગઈ. થોડી વારે મામદને પોતાની પીઠ પર બંગડી તૂટ્યાનો અવાજ સંભળાયો. એને લાગ્યું કે શરીફા જાણે નદી બની ગઈ છે અને નદીના ધૂનાનાં પાણી ઘૂમરી લે છે. પોતે બચવા ફાંફાં મારે છે, ટકી રહેવા પ્રયત્ન કરે છે, પણ પાણીના બળ સામે બધા પ્રયત્નો નિષ્ફળ નીવડે છે.

      અચાનક ખાટલાના પાંગતની દોરી તૂટી. વાણ એકદમ ઝોળ ખાઈ ગયું.

      મામદે બહાર આવી અંધારામાં નિરાશા ખંખેરી. કપાળ પર હાથ મૂક્યો. હથેળી તર થઇ ગઈ. અંદર હાંફતી શરીફાના ઉચ્છવાસ અંધારું ચીરી એના કાન સુધી પહોંચી આવતા હતા. દૂર ક્યાંક શિયાળની લાળી સંભળાઈ. મામદ અવાજ તરફ તાકી રહ્યો. એને ખ્યાલ આવી ગયો કે એ માદા શિયાળનો અવાજ હતો. શિયાળ ગરમીમાં આવે ત્યારે કેવો અવાજ કાઢે તે મામદ જાણતો હતો.

      તેની નિરાશા વધારે બેવડાઈ ગઈ.
      બીજો ભાદરવોય આવીને જાઉં જાઉં કરતો હતો. આ વરસે ખેતરોમાં અડાબીડ મોલ જામ્યા છે. ન જાણે પાછી શાહુડીઓ ક્યાંથી આવી ચડી છે ?

      ઝૂંપડીથી થોડે દૂર ખીજડાનાં છાંયડે ખાટલામાં હાથપગ ઉછાળતા પોતાના છોકરા પાસે બેઠો બેઠો મામદ વિચારે છે.
- આજે તો નીકળવું જ પડશે. છેલ્લી પાંચ રાતો ઘેર જ કાઢી છે. ને દરરોજ કેટલુંય નુકસાન થાય છે. બાપુને ખબર તો બધી પડતી હશે. બાપુ હવે વધુ ખમી શકશે નંઈ. પગાર દેતા હોય એટલે ગાળો પણ દઈ ડે. કાંઈ કે’વાય નંઈ. મામદને સાચો જ પાડવો હોય તેમ અચાનક બાપુ ઝૂંપડીએ આવી ચડ્યા. આવ્યા એટલું જ નંઈ વૈશાખી લૂ જેવું વરસી પણ ગયા. મામદ નીચું જોઈ ચુપચાપ સાંભળતો રહ્યો. મામદની નીચી ઢળેલી નજર બાપુના પગને અડી ગઈ અને અડતાંની સાથે આંખો સળવળી ઊઠી. તેનું ચિત્ત તરત એક વરસ પહેલાના ભાદરવામાં જઈને ઊભું રહ્યું.
      બાપુએ પહેરેલા બૂટના ખીલાની અણીઓ મામદને ધીમે ધીમે ભોંકાવા લાગી. તેણે બાપુ સામે જોયું. ન જાય જેવું અને છોકરાને જોવા લાગ્યો વિના કારણે.

      બાપુ તો મામદના આંગણામાં બૂટના પગલાની છાપ મૂકીને જતા રહ્યા. રાત્રે નીકળવાની તાકિદ કરીને. મામદની આંખો થોડી વાર તો બૂટના પગલાની છાપ પર ચોંટી રહી. તેણે પરાણે નજર હટાવી ખાટલા સામે જોયું.

      બાપુ જાણે ત્રણ મહિનાના બની ગયા હતાં. તેણે ઝૂંપડી તરફ જોયું. શરીફાનો ધોયેલો ચણિયો કઢંગી રીતે સુકાઈ રહ્યો હતો.

[‘દસમો દાયકો’ માર્ચ ૧૯૯૩]


0 comments


Leave comment