8 - અણસાર / અદૃશ્ય દીવાલો / માવજી મહેશ્વરી


      ભારે વરસાદને કારણે રસ્તામાં પડી ગયેલા ખાડાઓથી બચાવતો, મુસાફરોને ઓછી તકલીફ થાય તેનું ધ્યાન રાખતો ડ્રાઈવર સંભાળીને બસ ચલાવતો હતો. રસ્તાની બંને બાજુએ લીલીછમ્મ વાડીઓ આંખને ઠારતી હતી. બસ ગામના પાદરમાં પ્રવેશી. ક્ષણેક હૈયું ધબકી ગયું જરા જુદી રીતે. બારીમાંથી દેખાતું પરિસર આંખો માટે નવું ન હતું, છતાં ઘણા બધા ફેરફાર દેખાતા હતા. ગામની વસતીમાં વધારો થયો હોય કે પછી કુંટુંબો વિભાજિત થયા હોય. જે હોય તે પણ બસ સ્ટેશનની દક્ષિણ બાજુની ખુલ્લી જમીન પર ઘણાં મકાનો બની ગયાં હતાં. બસ વડના ઝાડ નીચે ઊભી રહી. મારે અહીં જ ઊતરવાનું છે એ વાત ક્ષણભાર માટે હું ભૂલી ગયો. બસની બારીમાંથી દેખાતી પ્રાથમિક શાળાની પીળા રંગની ઇમારત, રાજાશાહી ઢબનું બાઉન્ડરી ગેઇટ, ગેઇટ પર દેવનાગરી લિપીમાં લખાયેલા શબ્દો એ સઘળી વસ્તુઓએ જાણે મને સ્થળકાળનું ભાન કરાવ્યું. હું જલદીથી ઊઠવા ગયો તો સામેની સીટના એક સ્ક્રૂએ મારા ખમીસમાં ડાબી બાજુ સહેજ ઉઝરડો પાડી દીધો. કંડકટર મારી સામે જોઈ-વાગ્યું તો નથી ને સાહેબ? એમ બોલ્યો. કંડકટરના અવાજમાં વ્યક્ત થતી સહાનુભૂતિ મને સ્પર્શી. હું નીચે ઊતર્યો. ઊતર-ચડની પ્રક્રિયા પૂરી થતાં બસ ખખડતી ચાલી નીકળી. મેં થોડી વાર ત્યાં જ ઊભા રહી આસપાસ જોયા કર્યું. થોડે દૂર ચાની રેંકડીવાળો છાપું વાંચી રહ્યો હતો. તે સિવાય ખાસ કોઈ દેખાતું ન હતું. મને અંદર કંઈક રાહત થઇ. વિચાર્યું કે કોઈ ન મળે તો સારું. નહીંતર વળી નવા પ્રશ્નો, નવા ઉદગારો, કોઈક તો વળી દયા ખાય.

      બસ જે રસ્તે આવી હતી તે જ રસ્તે મારે જવાનું હતું. હું આગળ વધ્યો. સાર્વજનિક હોસ્પિટલને રંગ કરવામાં આવ્યો હતો તેથી એ થોડી નવી જેવી લાગતી હતી. ચોમાસું સારું જામ્યું હોવાથી રસ્તા હરિયાળા દેખાતા હતા. ખુલ્લી જમીનમાં ઊગેલું ઘાસ પૂરી મસ્તીમાં હતું. મને યાદ આવ્યું કે હું પહેલી જ વાર અહીં આવ્યો ત્યારે ચોમાસું જ હતું અને જે રાતે આવ્યો તેના બીજા દિવસે ગોકુલ આઠમ હતી. સવારે ઊઠીને જોયું તો ઘાસમાં અસંખ્ય જલબુંદો. ટહેલવાની ઈચ્છા રોકી ન શકાઈ. હંમેશની જેમ
- સવાર સવારનાં ઘાસમાં શું ખોવાઈ ગયું ?
- શું ચાલવાની મજા છે ! તું આવ તો વધારે મજા આવશે.
- એ તો આવતી આઠમે આવશો ને.... ત્યારે સમજ્યા ?
      હોસ્પિટલના ડૉક્ટરના ક્વાર્ટરની બારી પવનથી બંધ થઇ કે પછી જોરથી કોઈકે બંધ કરી તે સમજાયું નહીં. મારું ધ્યાન રસ્તા પર ગયું. સાથોસાથ એક વિચાર ઉમટ્યો.
- હું શું કામ અહીં આવ્યો છું ?
      અહીંથી અવારનવાર પત્ર આવતા. આ વખતે તો આવો ને આવો જ. છેવટે આવવું પડ્યું. ખભે ભેરવેલ એરબેગનું વજન લાગવા માંડ્યું હતું. એરબેગને બીજા ખભે ભેરવી. થોડી હળવાશ અનુભવાઈ. રસ્તાને વળાંક આવ્યો. હવે થોડુંક જ ચાલવાનું હતું. ગ્રામ પંચાયતે પાણીના પુરવઠા માટે નવો ટાંકો બનાવરાવેલો. જોકે મૂળ ટાંકો તો ઊભો જ હતો. પણ ઉપયોગમાં લેવાતો ન હોઈ તેના બાંધકામમાં ક્યાંક ક્યાંક ગાબડાં પડી ગયાં હતાં. મારાથી ટાંકા સામે જોવાઈ ગયું.
- આ ટાંકાને જોઈ તને કોઈ વસ્તુ યાદ આવે છે ?
- વસ્તુ ? કઈ વસ્તુ ?
- માની લે કે હું એક ઉખાણું પૂછું છું. આ ટાંકાને જોઇને જવાબ આપ.
- ના મને અત્યારે કશું યાદ નથી આવતું. બીજી વાતો કરો. કાલે તો પાછા ચાલ્યા જવાના.
- વાત ટાળ નહીં. જો આ ટાંકો પેટ્રોમેક્ષ જેવો છે કે નહીં ?
      મારો પગ પથ્થર સાથે અથડાયો. માંડ સમતુલા જળવાઈ. એરગેબ ખભેથી સરીને આગળ આવી ગઈ. મેં રસ્તા પર ધ્યાન પરોવ્યું. છતાં ભીતર થતી ઊથલપાથલમાં મન કોઈ વસ્તુ પર સ્થિર થતું ન હતું. અહીં આવ્યો તે સારું કર્યું કે નહીં તે વિચારતા વિચારતા ફળિયું આવી ગયું. બપોરનો સમય હોવાથી મોટા ભાગે બધા આડા પડખે થયા હતા. હું ફળિયાના છેક છેડે પહોંચ્યો. છેડે હારબંધ ઊભેલાં ત્રણ મકાનો પૈકી ઉત્તર બાજુના મક્કાનનું બારણું ખુલ્લું હતું. મેં બારણામાં પગ મૂક્યો. મારો પદસંચાર કાને ન પડ્યો કે પછી કાનજીમામા ઊંઘમાં હતાં? મેં ધીમેકથી સાદ દીધો અને તે પડખું ફરી મારી સામે જોઈ રહ્યા. કોઈ અજાણ વ્યક્તિને જોતાં હોય તેમ અને એમણે મને જ્યારે ઓળખ્યો ત્યારે એમના વૃદ્ધ ચહેરા પર આનંદની લહેર દોડી ગઈ. એમણે ઊભા થઇ મને લગભગ બાથમાં જ લઇ લીધો. મારી પીઠા પર ફરતો એમનો હાથ મારા પ્રત્યેની સાથે સાથે કશીક પીડા પણ વ્યક્ત કરતો હોય તેવું મેં અનુભવ્યું.

      મને બેસવાનું કહી એ બહાર ગયા. હું ખાટલા પર બેઠો. પાંગત ઢીલી પડવાને કારણે વાણ ઝોળ ખાઈ ગયું હતું. મેં બેઠે બેઠે આંગણામાં જોયું. આંગણામાં બોબિન ભરવાનું એક આંટણ પડ્યું હતું. તેની બાજુમાં જ એક તૂટી ગયેલી હાથશાળાના અવશેષો પડ્યા હતા. સાળના લાકડા પર લખેલો અંગ્રેજી અક્ષર ઝેડ મારી આખોમાં જાને ઘોંચાયો. હું બળપૂર્વક આંખ ખુલ્લી રાખી જોઈ રહ્યો હતો.
- આ સાળ મારી. આના પર મારા સિવાય બીજાને બેસવાની મનાઈ.
- એ તો ઝેડ પરથી સમજાયું. હવે ઝેડની પડખે આર પણ લખી નાખજે જેથી મને નોકરી છોડી દેવાનું મન થાય તો સાળ પર બેસી શકું ને ?
- ચિંતા ન કરો. એવું હશે તો હું ભેગી જ લઇ આવીશ બસ ?
- આ કાપડ તેં વણ્યું છે ને ?
- હા કેમ, કોઈ શંકા છે ?
- ના, આ તો હું વિચારતો હતો કે આનું ઘોડિયું સરસ થાય.
- કેમ કેમ, ઘોડિયું કેમ ?
- કેમ તે આપણને જરૂર નહીં પડે ?
      આવી ગયા ? કહેતાં મામીએ ઓવારણાં લીધાં. તેમની આંગળીઓના ટચાકા ભેગું હૈયુંય થડકો ખાઈ ગયું હોય તેમ આંખો ભરાઈ. ઓઢણીના છેડાથી આંખ સાફ કરતા એ ભીંતોને જોઈ રહ્યા. મારી પીડા અને મૂંઝવણ વધી ગયાં. થોડી વારે ઉષા પાણીનો કળશિયો લઈને આવી. મારી સામે જોઈ તેની આંખમાં કશુંક ચમક્યું અને વિરમી ગયું. થોડાં વર્ષો પહેલાં સ્કૂલ યુનિફોર્મમાં બાળકી લાગતી ઉષા અત્યારે યૌવનવનની વેલી જેવી લાગતી હતી અને તેનો ચહેરો ! માય ગોડ. હું તો ઘડીભર માની જ ન શક્યો કે આ ઉષા છે. મેં ક્ષણેક આંગણામાં પડેલા સાળના ભગ્નાવશેષ પર લખેલા ઝેડ અક્ષર સામે જોઈ લીધું. ‘પાણી લ્યો’ કહી ઉષાએ મારી સામે જોઈ સહેજ સ્મિત કરી મારી સામે જોઈ શકી નહીં કે જે કારણ હોય તે સહેજ આડું જોઈ ગઈ. મેં બેઠે બેઠે પાણી પીધું. ઉષા બારણાં તરફ મોઢું કરી બેસી ગઈ. થોડી વારે ચહેરો લૂછતા લૂછતા મામા આવ્યા. અમે ચારેય જણા ચુપચાપ બેસી રહ્યા. શું વાત કરવી ? ક્યાંથી શરૂઆત કરવી ? શરૂઆત કોણ કરે? આ પ્રશ્ન લગભગ ચારેયના મનમાં ઘુમરાતો હતો. ઓરડામાં થોડી વાર ભારેખમ્મ ચુપકીદી છવાઈ રહી, છતાં ઔપચારિક વાતોમાં થોડો થોડો સમય પસાર થતો રહ્યો.

      માંડ માંડ સાંજ ઢળી. આમ તો અહીં આવવાનું કોઈ ખાસ પ્રયોજન હતું નહીં. આ લોકો અવારનવાર લખ્યા કરતાં હતા કે એક વાર તો અહીં આવો જ. અને મને પ્રશ્ન ઉદભવતો કે શા માટે ત્યાં જઈને ફરીથી ઘાવ ખોતરવા ? છતાં આખરે હું અહીં આવ્યો, પણ અહીં આવ્યા પછી તો જે બનવાનું હતું તે જ બન્યું. બેચેનીએ મનને ઘેરો ઘાલ્યો. વાતાવરણ ઉદાસ અને બોઝિલ લાગતું હતું. કોઈ અજાણ્યા ટાપુ પર આવી ચડ્યા જેવો ઉચાટ મનમાં ફેલાતો જતો હતો.

      આસપાસ વિખરાયેલી વીતી ગયેલી ક્ષણોની યાદ કાંટાની જેમ ભોંકાતી હતી. ફળિયાના છેડે ઊભેલાં આ મકાનો અને મકાનોની પાછળ ઊભેલી ખખડી ગયેલા વૃદ્ધ જેવી આંબલી, હર્યાભર્યા ઘરના વિનાશ પછી બચેલા ખંડેર જેવા લાગતા હતા. ચોમેર જીવંતતા હતી છતાં ક્યાંય કશું સ્પર્શતું ન હતું. આસપાસનો પરિસર આંખને સતત ખૂંચ્યા કરતો હતો. મામા-મામીની સ્નેહાર્દ્ર આંખો જોઈ મને તેમના તરફ લાગણી થતી હતી કે દયા આવતી હતી તે હું નક્કી કરી શકતો ન હતો. રાત કેમ નીકળશે તેના ભયથી મગજ સૂન થઇ ગયું હતું. ઉષા ક્વચિત્ મારી પાસે આવી જતી હતી. કાંઈ જરૂર છે? એવું પૂછી પણ જતી હતી. છતાં તેની આંખોમાં પહેલાં જેવી મસ્તી ન હતી, પણ કશીક ગંભીરતા જેવું દેખાતું હતું. તેનો ચહેરો, તેની વાતો કરવાની રીત વગેરે બદલાયેલાં જોઈ મારી પીડા બેવડાઈ જતી હતી.

      આખરે રાત પડી.
      જમ્યા પછી ખાટલા પર બેઠે બેઠે મેં સિગારેટ સળગાવી. મામા-મામી આશ્ચર્યથી મારી સામે જોઈ રહ્યાં. વ્યક્ત થવા માગતા કેટલાક શબ્દો જાણે અંદર જ દબાઈ ગયા. ઓરડામાં સિગારેટનો ધુમાડો ઘુમરાતો રહ્યો. ઓરડાનું ભારઝલ્લું વાતાવરણ તોડવું જરૂરી છે એવું મામા-મામીના ચહેરા પર દેખાતું હતું. આખરે મામી માથે સરખું ઓઢતા બોલ્યાં :
- રાજેશ, તમે કાંઈ વિચાર્યું પછી ?
      મને લાગ્યું મહામથામણ પછી મામી આટલું બોલી શક્યાં છે. એમના સ્વરમાં રહેલી પીડા મને સ્પર્શી ગઈ.
- શેનું મામી ?
      મામી ક્ષણેક ખંચકાઈ ગયાં. પછી મામા સામે સહેજ જોઈ માથા પર ઓઢણી સરખી કરતાં કહ્યું :
- તમને તમારા બાપુજીએ કાંઈ જ વાત નથી કરી ?
      મને ખાતરી જ હતી કે આવી પરિસ્થિતિનો સામનો કરવાનું આવશે જ. બાપુજીએ મને અછડતો ખ્યાલ આપ્યો હતો અને એટલે જ હું અહીં આવવાનું ટાળતો હતો. હું મામી સામે જોઈ રહ્યો. મારી અત્યાર સુધીની ધીરજ દગો દઈ જાય એવું લાગતું હતું. મેં બળપૂર્વક શબ્દો ઉચાર્યા :
- હા, વાત કરી હતી. મામી હું એ રીતે વિચારું પણ નહીં. આ તો તમે અવારનવાર લખતા હતા એટલે હું અહીં આવ્યો બાકી તો હવે....
      મારી વિવશતા ઢાંકવા હું સિગારેટનું પાકીટ ખોળવા લાગ્યો. મારે ગળે ડૂમો બાઝતો હતો. બોલવું હતું પણ શબ્દો મળતા ન હતા. મામા-મામી મારા વાક્યના પાછળના શબ્દો સાંભળવા મારી સામે જોઈ રહ્યા હતા.
- ના, મામી. એ ગઈ એની સાથે બધું ગયું. મારું મન હવે બીજે લાગે નહીં અને એથી તો વધારે એને અન્યાય થાય એ હું જોઈ ન શકું અને ઉષા પણ કદાચ મને એ રીતે...
      મેં વાક્ય અધૂરું મૂકી દીધું. મામા-મામીએ તે પછી ઘણી વાતો કરી. મને લાગ્યું જ કે ઉષા જાણી જોઇને જ કદાચ ન આવી. છેવટે કંઇક નિરાશા અને કાંઈક વ્યથા સાથે મામા-મામી ઊભાં થયાં.

      મેં સૂવાનો પ્રયત્ન કર્યો, પણ ઊંઘ મારી આંખોથી હજારો માઈલ દૂર હતી. વિચારોનું ઘમાસાણ યુદ્ધ ચાલતું હતું મારા મનમાં. ઉપરાઉપરી પિવાતી સિગારેટોથી ઓરડો ધુમાડાથી ભરાઈ ગયો. શરીર બેચેનીને કારણે તૂટતું હતું. છેવટે હું બારણું બંધ કરવા ઊઠ્યો.
- હં.... હં.... બારણું બંધ ન કરશો. ઉષા ભાર જ ઊભી છે.
- કેમ અંદર ન આવી ?
- એણે જ તો કહ્યું કે, ઝવેર જ અંદર જઈ મોઢું બતાવી આવ એટલે રાતના સારી ઊંઘ આવી જાય.
- તો એને પણ અંદર તેડી લાવવી હતી ને ? એ મારી સાળી છે, તને તો ખબર છે કે સાળી અડધી ઘરવાળી કહેવાય.
- સાવ બેશરમ છો.
- લે, બેશરમ શેનો ? પત્ની પછી બીજો નંબર સાળી હોય ત્યાં સુધી બીજા કોઈનો લાગે નહીં.
      મારા હાથ થંભી ગયા. વીતી ગયેલા કાળખંડનો ટુકડો મારી સામેથી સ્લો મોશનમાં પસાર થતો હતો. મને મારા પર દયા આવી ગઈ. કેવી સ્થિતિમાં આવી પડ્યો છું હું ? પડખેના ઓરડામાં જ ઉષા સૂતી હતી. તેને ઊંઘ આવી હશે આજે ? અચાનક નવી જાતનો પ્રશ્ન મારા મનમાં ઊઠ્યો. મેં માથું ધુણાવ્યું. મારાથી બારણાંને આગળો ન દેવાયો. મગજમાં વિચારોના ઘોડા દોડ્યે જતા હતા. ઓરડાની દીવાલોમાંથી રહી રહીને નવા નવા સંવાદો ફૂટ્યે જતા હતા. મેં અકળાઈને પથારીમાં પડતું મૂક્યું. રાત અડધી તો વીતી જવા આવી હતી.

      આખરે શરીરનો થાક કે હૃદયની પીડા જે શમ્યું હોય તે પણ ઊંઘ આવી ખરી.
      પણ.....
      હું એક વિશાલ જંગળ જંગલમાંથી પસાર થાઉં છું. ચોમેર ઘટાટોપ ઝાડી જ ઝાડી છે. જંગલી વેલાઓ રસ્તો બંધ કરી બેઠા છે અને હું એકદમ ભૂલો પડી જાઉં છું. ચોમેર છે ડરામણો સૂનકાર. ચારે બાજુથી રાની પશુઓની ત્રાડો સંભળાય છે. હમણાં ક્યાંકથી કોઈ ત્રાટકશે તેવી બીકથી ફફડતો હું ધીમે ધીમે આગળ વધુ છું, પણ ક્યાંકથી એક વરુ મને જોઈ જાય છે. તેની લાળ ટપકતી જીભમાં હિંસક ભૂખ દેખાય છે. હું બીકનો માર્યો દોટ મૂકું છું. વરુ મારો પીછો કરે છે. હું તમામ બળ વાપરી દોડ્યો જાઉં છું. મારી પિંડીના ગોટલા ચડી જાય છે. મારી તમામ શક્તિ જવાબ દઈ જાય છે છતાં જીવ બચાવવા હું દોડ્યે જાઉં છું.

      અચાનક જંગલ પૂરું થઇ જાય છે અને મને દેખાય છે એક સુક્કો ભઠ્ઠ પહાડ. હું જીવ બચાવવા પહાડ પર ચડવા માંડું છું. વરુ હજી પણ મારો પીછો કરતું દોડ્યું આવે છે. મારા પગે છાલા પડી ગયા છે. તેમાંથી લોહી ટપકે છે અને એ લોહીની ગંધે ગંધે વરુ દોડતું આવે છે. મારા ગળે શોષ પડ્યો છે. ચીસ પાડવાની ઈચ્છા થાય છે પણ ગળામાંથી અવાજ નીકળતો નથી. પર્વત પર દોડતાં દોડતાં અચાનક મારો પગ લપસે છે અને હું નીચે અંધારી ખીણમાં ગબડી પડું છું. મારો જીવ તાળવે ચોંટી ગયો છે. હમણાં જ આ શરીર વેરણછેરણ થઇ જશે તેવા ભયનો માર્યો હું આંખો મીંચી જાઉં છું, પણ એવું કશું જ બનતું નથી.

      જાણે કોઈએ મને અદ્ધર ઝીલી લીધો. મને લાગે છે કોઈ મારા વાળમાં આંગળાં ફેરવી રહ્યું છે. કોઈ શરીરનો શીતળ સ્પર્શ મને શાંતિ બક્ષે છે. જાણે કોઈ મારા કાન પાસે સાવ ધીમેથી બોલે છે :
- તમને કાંઈ જ નહીં થાવા દઉં. હું છું ને !
      હું ધીમેથી આંખો ખોલું છું. ચહેરો જોઉં છું અને સ્તબ્ધ થઇ જાઉં છું.
      અચાનક આંખ ખૂલી ગઈ.

      મારા ગળામાં ભયંકર શોષ પડતો હતો. શરીરનું બધુંય પાણી પરસેવા રૂપે બહાર આવી ગયું હતું. થોડી વાર પહેલાં જોયેલાં ભયંકર સ્વપ્નાંની અસરમાં રહેલો હું ફાટી આંખે વળા-વંઝી સામે જોતાં મને અચાનક યાદ આવ્યું કે ઉષા રાત્રે ખાટલા નીચે પાણીનો કળશિયો મૂકી ગઈ હતી. અચાનક ઉષાનો ચહેરો મારી આંખો સામે ફરી વળ્યો. મેં પાણી પીધું. થોડીક રાહત થઇ.

      ઘડિયાળમાં જોયું તો પોણા પાંચ થતાં હતા. કલાકેકમાં તો બધા ઊઠશે તેવું વિચારી પથારીમાં પડ્યો રહ્યો. થોડી વાર પહેલાં સપનાના થોડા થોડા ટુકડા યાદ આવતા હતાં. તેમાંય સૌથી છેલ્લે તો... મારી મથામણ વધી ગઈ....

      પછીતની બારીઓ હવે સ્પષ્ટ થતી હતી.
      પથારીમાં પડ્યા પડ્યા મેં અનુમાન કર્યું કે આસપાસ સંચાર શરુ થઇ ગયો હતો. હું ઊઠ્યો. નેપકીનથી ચહેરો સાફ કરી મોઢામાં દાતણ મૂકી બારીમાંથી ઘરની પછવાડે જોયું. મને આશ્ચર્ય થયું. ઉષા હળવે હળવે ઘાસમાં ટહેલતી હતી. મારાથી અકારણ બોલાઈ ગયું :
ઉષા !
      ઉષાએ ચમકીને બારી સામે જોયું. એ હસી પડી. મને સ્વપ્નમાં પંપાળતો ચહેરો અચાનક યાદ આવ્યો. ઉષા બારી સામે જોઈ હાથથી મને બોલાવતી હતી.

      મેં ત્યાં જવા પગ ઉપાડ્યા. પૂર્વમાં સુરજ ઊગવાના એંધાણ વર્તાતા હતા.

[સમભાવ દીપોત્સવી. ભાગ-૨ – ૧૯૯૬]


1 comments

Harish Dasani

Harish Dasani

Jun 22, 2021 11:18:18 AM

સ્વપ્નશીલ નાયક પોતાની જાતને છેતરનાર છે પણ તેમાંથી આકસ્મિક મુકિત આપનાર અંત સુખદ છે.

0 Like


Leave comment