5 - જીવના પ્રવાસ / હરિશ્ચન્દ્ર જોશી
પગના થઈ જાય સાવ કૂચા આ રસ્તાઓ કેટલેક જાય છે ?
જીવતરના નીકળે છે ડૂચા એક્કેક ડગ ક્યાં લગ લંબાય છે ?
ડાબા ને જમણામાં પહેલો મુકવાની રોજ રોજ જાગે તકરાર
ઠેબાતો જીવ સાવ ખાલીખમ ઓરડે ઉંબરો ન ઠેકે ધરાર
પોતાને ચાતરીને ચાલવાના કીમિયાઓ ક્યાંયે વેચાય છે ?
વહેલી સવારમાં જ ઊગી છે અફવા કે ગામલોક નીકળશે જાતરે
જીવ એક ખૂણામાં બેસીને એકલો જ દુનિયાના નકશાઓ કાતરે
પોતાના ખરબચડા પડછાયા જોઈ જોઈ આંખો તળવાય છે
પીંડી પર કળતરના થેથર ને પાનીમાં લવકે છે સદીઓનો થાક
જીવના પ્રવાસ ભાઈ, એવા કે ખાલીખમ ખાલીખમ ફેરવવા ચાક
રોજ રોજ આમ ક્યાંક પહોંચીને બોલો કે ક્યાંયે પહોંચાય છે ?
0 comments
Leave comment