7 - બસ ચાલવું જ / હરિશ્ચન્દ્ર જોશી
આ અથવા તે કોરે મૂકી થાય તેમ થાવા દ્યો,
મેલીને પડપૂછ ચરણને જાય તેમ જાવા દ્યો;
સંકેલીને મેલી દ્યો ખિસ્સામાં સઘળી ચિંતા,
બજાર વચ્ચે કાંખ બજાવો ધા ધા કિટ ધા દિંતા;
ઉધારમાં સંબંધ વેચવો કરવી દુકાન ખાલી,
હિસાબ, પાનાં રોજમેળ ફાડી નીકળવું હાલી;
અચરજની ચાદર ઓઢાડી છોડી દેવાં સ્થાનો,
શ્વાસ ઉપરથી સૌ ઘટનાનાં ભૂંસી નાખવાં નામો;
મનને ભીનું કરી નીકળવું હોય કદી એ ખપનું,
ખબર નહીં કે ક્યારે બળતાં રણનું આવે સપનું;
ગણગણવું કોઈ ગીત મજાનું, ઝરણામાં જઈ ભળવું,
આવી મળતા માણસ વચ્ચે મેળા જેવું મળવું;
ચાલવું જ બસ, ચાલવું જ બસ, ચાલવું જ એ નક્કી,
અંતરિયાળ, અચાનક એના મળી જવાની વક્કી.
0 comments
Leave comment