8 - વાત કહેતાં / હરિશ્ચન્દ્ર જોશી


વાત કહેતાં કહેવાઈ ગઈ એમ...
દોમ દોમ સૂરજને સો સો અંધારથી
       ઢાંક્યો ઢંકાય નહીં જેમ...

માવઠાની જેમ કોઈ ઓચિંતું આવતું
       પૂર જેમ પાછું યે વળતું
ભીના ભીના મારા ખોરડાનું ખાળિયું
       દિવસો પછી ય રોજ ગળતું
       એક ટીપામાં ફરું હેમખેમ...

ફળિયાને ખૂણે ઊછેરેલી વેલને
       બેઠાં છે ફૂલ ઝીણાં ઝીણાં
ચૂંટતાંની સાથે ચડે ટેરવેથી લોહીમાં
       ઘૂંટેલી ફોરમના મીણા
       આંખ ઊઘડતી હોય જેમ તેમ...

સપનાંઓ ગૂંથીને આંખો શણગારતા
       કાનમાં કહી મેં મને વાતો
શરમાતા ગાલને હું ચૂંટી ખણું ને કાંઈ
       તકતો યે લાલ થઈ જાતો
       હું તો બ્હાવરી બની છું કે વ્હેમ ?...


0 comments


Leave comment