71 - આ અંતરીક્ષ જેવું બીજું છળ કશું નથી / મુકુલ ચોકસી


આ અંતરીક્ષ જેવું બીજું છળ કશું નથી,
ઉન્માદ! એકમેકથી આગળ કશું નથી.

ઝંઝા ઝરણ કે ઝાળ કે ઝળહળ કશું નથી,
અમથું આ મન થયા કરે વિહવળ કશું નથી.

નિજમાંથી જન્મ પામતા, મરતા ને ઝૂલતા,
અસ્તિત્વથી વધારે અનર્ગળ કશું નથી.

વિતાવી ના શકો તો એ સર્વસ્વ છે અને,
વિતાવી જો શકાય તો આ પળ કશું નથી.

સહરાની જેમ તું ય ધધખતો ભલે ને હોય,
વરસી શકે જરાક, તો વાદળ કશું નથી.

દીવાલ સોંસરા જો પ્રવેશી શકાય તો,
દ્વારો કશું નથી અને સાંકળ કશું નથી.



0 comments


Leave comment