73 - ભલે આજે નહીં સમજે કોઈ ‘ઉન્માદ’નો મહિમા / મુકુલ ચોકસી


ભલે આજે નહીં સમજે કોઈ ‘ઉન્માદ’નો મહિમા,
ઉનાળામાં જ સમજાઈ શકે વરસાદનો મહિમા.

અલગ છે શબ્દનો મહિમા! અલગ છે નાદનો મહિમા,
છતાં એક જ છે બંનેથી થતા સંવાદનો મહિમા.

જો એ વ્યક્તિ જ હાજર હોય તો એનો ય છે આનંદ,
નહીંતર આમ ક્યાં ઓછો છે એની યાદનો મહિમા,

પ્રણયની વેદનામાં વેદનાનું દુ:ખ નથી હોતું,
અને ફરિયાદમાં હોતો નથી ફરિયાદનો મહિમા.

‘મુકુલ’ એવી જગાએ જઈ ગઝલ ના વાંચશો હરગિઝ,
ગઝલથી પણ વધારે હોય છે જ્યાં દાદનો મહિમા.



0 comments


Leave comment