74 - કોરા કાગળને કચડતા સૌ વિચારો જાય છે / મુકુલ ચોકસી
કોરા કાગળને કચડતા સૌ વિચારો જાય છે,
લ્યો, ગઝલના નામનો છેલ્લો સહારો જાય છે.
આમ ચંચળ થઈને જળ માફક નથી વહેતો છતાં,
જળની સાથોસાથ છેવટ લગ કિનારો જાય છે.
અવનતિમાં યે જુઓ મંઝિલ મળી કેવી વિશાળ!
કે ખરીને કોઈ પણ સ્થળ પર સિતારો જાય છે.
કોઈ જોનારું નથી ને કો’ ભજવનારું નથી,
આપણા નાટકનો છેલ્લો અંક સારો જાય છે.
આ રમત જીતી જવામાં રસ નથી એને નકર,
આપણો ‘ઉન્માદ’ જાણે છે કે વારો જાય છે.
0 comments
Leave comment