75 - તું બને વરસાદ તો ઇચ્છાઓ જામગરી બને / મુકુલ ચોકસી


તું બને વરસાદ તો ઇચ્છાઓ જામગરી બને,
ને રમત અગ્નિ અને જળની વધુ અઘરી બને.

કોઈના હોવા ન હોવાથી બને છે ક્યાં કશું?
ને બને તો બસ કવિતા એક-બે નકરી બને.

ને કવિતા થાય તો દરિયાથી પાછા આવવા,
ઘર સુધી જાણે સડક એકાદ અધકચરી બને.

છાતી આ અકબંધ રહેશે તો કશું પણ ના થશે,
જેના ટુકડા થાય છે તેની જ તો ગઠરી બને.

રામ બનવાનું બહુ અઘરું નથી હોતું મગર,
શર્ત એ છે કે નિખાલસ એક જણ શબરી બને.



0 comments


Leave comment