77 - ઐશ્વર્ય હો અલસનું, ઉપર તિલક તમસનું / મુકુલ ચોકસી


ઐશ્વર્ય હો અલસનું, ઉપર તિલક તમસનું,
ઉન્માદ કેવું રક્તિમ છે રૂપ આ રજસનું.

ફાડી નથી શકાતું પાનું વીત્યા વરસનું,
મનને છે કેવું ઘેલું આ જર્જરિત જણસનું.

પૂર્વે હો પારિજાતો, પશ્વિમમાં પૂર્ણિમાઓ,
ચૌદે તરફ હવે તો સામ્રાજ્ય છે સરસનું.

બાહુ વહાવી દઈને બારીથી બારણાથી,
ઓછું કરી દો સાજણ, અંતર અરસપરસનું.

પેટાવો પાંદપાંદે એ તલપદાં તરન્નુમ,
બૂઝાવો ધીમે ધીમે એ તાપણું તરસનું.

કેવા અસૂર્ય દિવસો! કેવી અશ્યામ રાતો!
કેવું ઝળક ઝલકતું મોંસૂઝણું મનસનું.



0 comments


Leave comment