79 - મુક્તકો -૧ / મુકુલ ચોક્સી


કિસ્સો કેવો સરસ મજાનો છે!
બેઉ વ્યક્તિ સુખી થયાનો છે;
પલ્લું તારી તરફ નમ્યાનો તને,
મુજને આનંદ ઊંચે ગયાનો છે.

ધારો કે અમથું અમથું કશું પણ ન ધારીએ,
ધારો કે જે બન્યું હતું તે પણ વિસારીએ,
પણ તમને જો ઉદાસ હવેલીની બારીએ,
ઊભેલાં જોઈએ તો બીજું શું વિચારીએ?

ભૂલી જવાય એવું સ્વજન થઈને રહી ગયો,
બનવા ગયો હવા ને પવન થઈને રહી ગયો,
કોઈને માટે કેવી સરળતાથી તું ‘મુકુલ’!
ત્રીજો પુરુષ એકવચન થઈને રહી ગયો.



0 comments


Leave comment