80 - મુક્તકો – ૨/ મુકુલ ચોકસી


હાથ લાંબા કરીને બાહરથી,
આપશે સૌ સહાય આદરથી,
માટે તૂટો તો તૂટજો ઓ મન !
ખૂબ ઊંડેથી, ખૂબ અંદરથી.

આખું જીવન ભલે અલગ હો, પણ-
અંત આવો જ છેક થઈ જાયે,
જેવી રીતે અલગ અલગ મોજાં,
કાંઠે આવીને એક થઈ જાયે.

ક્યાં કશો તર્ક કે કશું તારણ,
આપણે તો જીવી ગયા શ્રાવણ,
અબ અકારણ ત્યજી દો તો પણ શું,
ચાહવાનું ય ક્યાં હતું કારણ ?



0 comments


Leave comment